News of Thursday, 16th May 2024
નરેન્દ્રભાઇના મત વિસ્તારની કમાન ગુજરાતી નેતાઓના હાથમાં
પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની ટીમ માઇક્રોમેનેજમેન્ટમાં લાગી ગઇ : તમામ ફોકસ મતદાન વધારવા ઉપર છે

વારાણસી તા. ૧૬ : વડાપ્રધાન મોદીના મત વિસ્તાર વારાણસીમાં આ વખતે પ્રવાસી નેતાઓ અને કાર્યકરો ભેગા થયા છે. ગુજરાતમાં ચૂંટણી પતી ગયા પછી આખી ટીમ કાશીમાં કેમ્પ કરી રહી છે. ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ પાટીલની ટીમ અહીં દિવસ રાત માઇક્રોમેનેજમેન્ટમાં લાગી ગઇ છે. પક્ષનું લક્ષ્ય ગત બે ચૂંટણી કરતા વધારે મતથી જીતવાનું છે. ગઇ વખતે વડાપ્રધાન ૪ લાખથી વધારે મતોથી જીત્યા હતા, આ વખતે આ અંતર ૫ લાખ સુધી પહોંચાડવાના પ્રયાસો થઇ રહ્યા છે.
ગત દિવસોમાં થયેલ રોડ શોથી લઇને આગામી ૧ જૂનના મતદાનના દિવસ સુધીની સંપૂર્ણ વ્યવસ્થા ગુજરાતના નેતાઓ અને કાર્યકરોની ટીમ સંભાળી રહી છે. પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની સાથે સંગઠન મહામંત્રી રત્નાકરે પણ અહીં ધામા નાખ્યા છે. રત્નાકર પહેલા કાશીમાં ક્ષેત્રીય સંગઠન મંત્રી રહી ચૂકયા છે. તેમને કાશીના દરેક સમીકરણનો અનુભવ છે.
વારાણસી લોકસભા ક્ષેત્રમાં વધુમાં વધુ મતદાન માટે પણ ગુજરાતના હોદ્દેદારો અને કાર્યકરો કામ કરી રહ્યા છે. આના માટે સ્થાનિક ધારાસભ્યો અને અન્ય જનપ્રતિનિધિ સાથે મળીને મતદારોને ઘરે ઘરે જઇને ૧ જૂને મતદાન માટે આમંત્રિત કરી રહ્યા છે. પર્ચી વિતરણમાં કોઇ જાતની ચૂક ના રહી જાય, પ્રચારમાં કોઇ પ્રકારની લાપરવાહી ના રહી જાય તેનું મોનીટરીંગ પણ આ ટીમ કરી રહી છે.
(5:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
