News of Thursday, 16th May 2024
સોનિયા ગાંધીની રાયબરેલીમાં એન્ટ્રી: રાહુલ ગાંધી અને પ્રિયંકા સાથે વિશાળ જનસભા સંબોધશે : અખિલેશ યાદવ પણ જોડાશે
સોનિયા ગાંધી ફુરસતગંજ એરપોર્ટથી રોડ થઈને ભૂમૌ ગેસ્ટ હાઉસ પહોંચી: પાર્ટીના નેતાઓ -કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી

કોંગ્રેસ રાયબરેલી લોકસભા સીટ જીતવા માટે પોતાની પૂરી તાકાત લગાવી રહી છે. સોનિયા ગાંધી ગુરુવારે બે દિવસની મુલાકાતે રાયબરેલી પહોંચી હતી. તે ફુરસતગંજ એરપોર્ટથી રોડ થઈને ભૂમૌ ગેસ્ટ હાઉસ પહોંચી હતી. તે ગેસ્ટ હાઉસમાં પાર્ટીના નેતાઓ સાથે બેઠક કરી હતી, શુક્રવારે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને અખિલેશ યાદવ એક મંચ પર હશે અને જનસભાને સંબોધશે.
રાયબરેલીની બેઠક ગાંધી પરિવારની પરંપરાગત બેઠક માનવામાં આવે છે. સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી શુક્રવારે રાયબરેલીમાં એક વિશાળ જનસભાને સંબોધિત કરવાના છે. આ પ્રસંગે સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ પણ આ જાહેરસભામાં હાજર રહેશે.
સોનિયા ગાંધી આ સીટ પરથી બે દાયકાથી સાંસદ છે. પોતાના પ્રવાસના પહેલા દિવસે એટલે કે ગુરુવારે સોનિયા ગાંધી ભમાઉમાં કોંગ્રેસના કાર્યકરો સાથે બેઠક કરશે. આ પછી, તે શુક્રવારે જાહેર સભામાં ભાગ લેશે. શુક્રવારે બપોરે 1 કલાકે ITI મેદાનમાં જાહેરસભા યોજાશે
રાયબરેલી લોકસભા સીટ વર્ષોથી ગાંધી પરિવારનો ગઢ રહી છે. ગાંધી પરિવારના ઘણા સભ્યો આ બેઠકનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. સોનિયા ગાંધી 2004 થી 2024 સુધી રાયબરેલી સીટથી સાંસદ રહી ચુક્યા છે. 2019ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે ઉત્તર પ્રદેશમાં માત્ર રાયબરેલી બેઠક જીતી હતી. જો કે આ વખતે સોનિયા ગાંધી રાયબરેલી લોકસભા સીટ પરથી ચૂંટણી લડી રહ્યા નથી.
કોંગ્રેસે રાયબરેલી લોકસભા સીટ પરથી રાહુલ ગાંધીને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. અગાઉ, તેઓ અમેઠી બેઠક પરથી ચૂંટણી લડતા હતા, પરંતુ વર્ષ 2019માં તેઓ સ્મૃતિ ઈરાની દ્વારા હાર્યા હતા, જો કે રાહુલ ગાંધી પણ 2019માં વાયનાડ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. આ ચૂંટણીમાં ભાજપે દિનેશ પ્રતાપ સિંહને રાયબરેલી બેઠક માટે ઉમેદવાર બનાવ્યા છે. રાયબરેલીમાં પાંચમા તબક્કા માટે 20 મેના રોજ મતદાન છે. રાજ્યમાં સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડી રહ્યા છે.
(7:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
