News of Thursday, 16th May 2024
PVR INOXએ ખોટ ઘટાડવા ખાસ યોજના બનાવી : સિનેમા ઘરોમાં T20 વર્લ્ડકપ માટે વિશેષ આયોજન
PVR INOXએ ચોથા ત્રિમાસિક ગાળાના પરિણામોમાં 130 કરોડની ખોટ દર્શાવી

મુંબઈ :દેશની અગ્રણી મલ્ટીપ્લેક્સ PVR INOXએ તાજેતરમાં તેના ચોથા ત્રિમાસિક ગાળાના પરિણામો જાહેર કર્યાં હતા. કંપનીએ આ ગાળા દરમિયાન રૂપિયા 130 કરોડની ખોટ દર્શાવી છે. હકીકતમાં કોરોના બાદથી લોકોએ સિનેનાહોલમાં જઈ ફિલ્મો જોવાનું ઓછું કરી દીધુ છે.
આ ઉપરાંત OTT પ્લેટફોર્મ પણ તેના માટે મોટો પડકાર બની ગયો છે. ભારતની સૌથી મોટી સિનેમા ઓપરેટર PVR Inox પણ દર્શકોની ઓછી સંખ્યાથી પરેશાન છે. આ સંજોગોમાં ખોટને ઓછી કરવા માટે અને કેટલીક તકોને હાંસલ કરવા માટે PVRએ એક માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે.
કંપનીએ હવે કમાણી માટે ક્રિકેટની મદદ લેવાની યોજના તૈયાર કરી છે. દર્શકોને આકર્ષિત કરવા માટ PVR Inox T20 વર્લ્ડ કપની ખાસ મેચ દેખાડવાની તૈયારી કરી રહ્યું છે. વર્લ્ડ કપ 2 જૂનથી શરૂ થવા જઈ રહ્યો છે. PVR આ સંજોગોમાં ભરપૂર લાભ ઉઠાવવા માગે છે અને પોતાના નુકસાનને ઓછું કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે.
OTT કોરોના કાળથી ઘણું લોકપ્રિય બની ગયું છે. જેને લીધે દર્શકો સિનેમાઘરોથી દૂર થઈ રહ્યા છે. નેટફ્લિક્સ અને અમેઝોન પ્રાઈમ જેવા પ્લેટફોર્મ સારી ફિલ્મોના રાઈટ્સ ખરીદી રહ્યા છે. આ સાથે ઓછા બજેટમાં ફિલ્મો અને શો આપી રહ્યા છે. આ સંજોગોમાં થિએટર ઈન્ડસ્ટ્રીઝની મુશ્કેલી વધી રહી છે. આ સ્થિતિને જોતા હવે PVR Inox ફક્ત ફિલ્મો પર જ આધાર રાખવો જોઈએ નહીં.
બિઝનેસ સ્ટાન્ડર્ડના અહેવાલ પ્રમાણે કંપની આગામી મહિનાથી શરૂ થઈ રહેલા T20 વર્લ્ડ કપ વ્યાપક પ્રમાણમાં દેખાડશે. તેનું માનવું છે કે ભારતમાં ખૂબ જ લોકપ્રિય એવા T20 ક્રિકેટ ગયા વર્ષે ઓક્ટોબરમાં યોજાયેલ વનડે વર્લ્ડ કપની તુલનામાં સિનેમાઘરોમાં વધારે દર્શકને આકર્ષિત કરશે. આ ઉપરાંત ભારતીય દર્શકોને આકર્ષિત કરવા માટે પોપ પર્ફોમન્સ લાવવા અંગે પણ કંપની વિચારણા કરી રહી છે.
નાણાકીય વર્ષ 2024ના ચોથા ત્રિમાસિક ગાળામાં કંપનીને રૂપિયા 130 કરોડની ખોટ થઈ છે, જોકે એક વર્ષ અગાઉની સમાન અવધીની તુલનામાં ખોટમાં ઘટાડો થયો છે. PVR INOXની સંકલિત ખોટ વાર્ષિક ધોરણે રૂપિયા 333 કરોડથી ઘટીને રૂપિયા 130 કરોડ થઈ છે. આવી જ રીતે આવક રૂપિયા 1,143 કરોડથી વધીને રૂપિયા 1,256 કરોડ થઈ છે.
(11:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
