તા. ૧ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ આસો વદ અમાસ, શુક્રવાર
News of Thursday, 16th May 2024
કેજરીવાલે રૂ. 100 કરોડની લાંચ માંગી હતી :ચાર્જશીટ પર ઇડીએ સુપ્રીમકોર્ટમાં કહ્યું તેની વિરુદ્ધ પૂરતા પુરાવા
ASG રાજુએ કહ્યું- 100 કરોડની લાંચ માંગી :બેન્ચે ટિપ્પણી કરી હતી કે લાંચની રકમ હવે ઘટીને 45 કરોડ રૂપિયા થઈ,તમારી પાસે આટલું જ મની ટ્રેલ છે. એસવી રાજુએ કહ્યું ના, મની ટ્રેલ રૂ. 45 કરોડનું છે પરંતુ લાંચ રૂ. 100 કરોડની હતી. રાજુએ એમ પણ કહ્યું કે કેસમાં જપ્તી હોવી જરૂરી નથી

નવી દિલ્હી :દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડમાં મની લોન્ડ્રિંગના આરોપી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડને પડકારતી અરજીનો વિરોધ કરતી વખતે, EDએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે અરવિંદ કેજરીવાલે 100 કરોડ રૂપિયાની લાંચ માંગી હતી અને અમારી પાસે કેજરીવાલ વિરુદ્ધ પૂરતા પુરાવાઓ પણ છે. આ સંદર્ભમાં EDએ કોર્ટમાં સાક્ષીઓના નિવેદનો ટાંક્યા જેમણે કેજરીવાલ પર લાંચ લેવાનો આરોપ લગાવ્યો હતો.
જો કે, કોર્ટે કેજરીવાલ પર આરોપ લગાવતા માત્ર નિવેદનોને ધ્યાનમાં લેવા અને જે નિવેદનોમાં તેમના પર આરોપો નથી લગાડવામાં આવ્યા તે છોડી દેવા અંગે EDને પ્રશ્ન કર્યા. કોર્ટે પૂછ્યું હતું કે શું EDએ પીએમએલએની કલમ 19 હેઠળ કેજરીવાલને દોષિત ઠેરવવા માટેના નિવેદનોને તથ્ય અને માન્યતાના આધાર તરીકે ગણ્યા હતા. સમગ્ર સામગ્રી ધ્યાનમાં લેવામાં આવી હતી કે નહીં.
ગુરૂવારે ED દ્વારા આ કેસની તપાસ સાથે સંબંધિત ફાઇલો અને કેસ ડાયરી પણ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. EDએ કોર્ટને એ પણ જણાવ્યું કે ટૂંક સમયમાં જ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવશે. આ અંગે કામ ચાલી રહ્યું છે. EDએ ગુરુવારે કેજરીવાલની અરજીની સુનાવણીની યોગ્યતા પર પણ સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે આ અરજી સાંભળવા યોગ્ય નથી. તેમણે એમ પણ કહ્યું કે જે રીતે કોર્ટ કેસની સુનાવણી કરી રહી છે તે મિની ટ્રાયલ જેવું છે. આ કરી શકાતું નથી.
EDએ વચગાળાના જામીન પર બહાર આવ્યા બાદ કેજરીવાલ દ્વારા ફરી જેલમાં જવાનું ટાળવા આમ આદમી પાર્ટીને વોટ કરવાની અપીલ કરવાના નિવેદનનો મુદ્દો ઉઠાવ્યો, પરંતુ કોર્ટે કહ્યું કે તેઓ આ બાબતે જવા નથી માગતા. શુક્રવારે પણ આ કેસની સુનાવણી થશે. અરવિંદ કેજરીવાલે પીએમએલએમાં થયેલી ધરપકડને સુપ્રીમ કોર્ટમાં પડકારી છે. દિલ્હી હાઈકોર્ટે ધરપકડને યોગ્ય ગણાવી હતી, જેની સામે કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. એક્સાઇઝ પોલિસી કૌભાંડમાં મની લોન્ડરિંગના આરોપમાં EDએ 21 માર્ચે કેજરીવાલની ધરપકડ કરી હતી.
સુપ્રીમ કોર્ટે 10 મેના રોજ ચૂંટણીને ધ્યાનમાં રાખીને કેજરીવાલને 1 જૂન સુધી વચગાળાના જામીન આપ્યા હતા, જ્યારે તેમની ધરપકડને પડકારતી અરજી પેન્ડિંગ હતી. કોર્ટે કેજરીવાલને બીજી જૂને ફરીથી આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો છે. આ કેસની સુનાવણી જસ્ટિસ સંજીવ ખન્ના અને દીપાંકર દત્તાની બેન્ચ કરી રહી છે. ગુરુવારે, એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજુ, ED તરફથી હાજર થયા, તેમણે કહ્યું કે ED પાસે કેજરીવાલ વિરુદ્ધ પૂરતા પુરાવા છે. કેજરીવાલે રૂ. 100 કરોડની લાંચ માંગી હતી અને પરિણામે પૈસા આવ્યા હતા અને ગોવાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી દ્વારા ઉપયોગમાં લેવાયા હતા.
આ કેસમાં આમ આદમી પાર્ટીને આરોપી બનાવવામાં આવશે. ED પાસે સીધો પુરાવો છે કે કેજરીવાલ ગોવામાં સેવન સ્ટાર હોટલમાં રોકાયા હતા, જેનો એક ભાગ દિલ્હીના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા ચૂકવવામાં આવ્યો હતો અને બીજા ભાગની ચૂકવણી ચનપ્રીત સિંહે કરી હતી, જેમની પાસેથી પૈસા આવ્યા હતા. એસવી રાજુએ કહ્યું કે આ લોકો તપાસમાં સહકાર આપતા નથી.
તેમણે રાઘવ મંગુટાના નિવેદન તરફ કોર્ટનું ધ્યાન દોર્યું જેમાં કહેવામાં આવ્યું છે કે અરવિંદ કેજરીવાલે 100 કરોડ રૂપિયાની લાંચ માંગી હતી. તેમણે કહ્યું કે આ નિવેદન તપાસ અધિકારી માટે પીએમએલએની કલમ 19 હેઠળ તેમની ધરપકડ કરવા માટે વિશ્વાસ કરવાનું કારણ છે. પ્રથમ દૃષ્ટિએ, કેજરીવાલ સામે કલમ 4 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પૂરતી સામગ્રી છે જેના આધારે તપાસ અધિકારી આ નિષ્કર્ષ પર પહોંચી શકે છે. તેમણે કહ્યું કે આ તબક્કે સાક્ષીઓના નિવેદનોની સત્યતા ચકાસી શકાતી નથી. કોર્ટ કેસની યોગ્યતામાં જઈ શકે નહીં.
જ્યારે એએસજી રાજુ કલમ 164 હેઠળ મેજિસ્ટ્રેટ સમક્ષ નોંધાયેલા રાઘવ મંગુટાના નિવેદનોને ટાંકી રહ્યા હતા, ત્યારે બેન્ચે તેમને સાક્ષીઓના નિવેદનોને સ્વીકારવા અને ધ્યાનમાં લેવા અંગે ઘણા પ્રશ્નો પૂછ્યા હતા. ખંડપીઠે કહ્યું કે કેજરીવાલ વતી એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે EDએ સાક્ષીઓના અગાઉના નિવેદનો પર ભરોસો કર્યો નથી અને તેમને રેકોર્ડ પર લીધા નથી જેમાં કેજરીવાલ આરોપો નથી લગાડવામાં આવ્યા, તપાસ એજન્સી દ્વારા ફક્ત તે જ નિવેદનો પર વિશ્વાસ કરવામાં આવ્યો છે કે જેમાં તેમના પર આરોપ લગાડવામાં આવ્યા છે. ત્યારે તમે જણાવો કે શું ફાઈલમાં તમે તે નિવેદનો સામેલ કર્યા છે અથવા તેમના પર વિશ્વાસ ન કરવા માટેનું કોઈ કારણ નોંધ્યું છે.
જ્યારે એએસજીએ નામાં જવાબ આપ્યો, ત્યારે બેન્ચે કહ્યું કે તમારે તેને ફાઇલમાં રેકોર્ડ કરવું જોઈતું હતું, શું તમે દલીલો દરમિયાન તમારા કેસને ઈમ્પ્રુવ કરી રહ્યા છો. બેન્ચે કહ્યું કે જો તમે તે નિવેદનો પર વિશ્વાસ ન કરતા હોવ તો પણ તમારે રેકોર્ડ કરવું જોઈએ કે તમે તેમના પર વિશ્વાસ નથી કર્યો. જસ્ટિસ ખન્નાએ એમ પણ કહ્યું કે જો કોર્ટ ધરપકડને રદ કરે છે, તો તે કહી શકે છે કે સંબંધિત સામગ્રીને ધ્યાનમાં લેવામાં આવી નથી.
જો કે, તેમણે સ્પષ્ટતા કરી હતી કે તેઓ વર્તમાન કેસ વિશે આ વાત નથી કહી રહ્યા. બેન્ચે એમ પણ કહ્યું કે સરકારી સાક્ષીઓની તપાસ અલગ-અલગ ધોરણો પર કરવામાં આવે છે. તેના પર ASG રાજુએ કહ્યું કે તેમની પાસે નિવેદનના સમર્થન માટે પુરાવા પણ છે. 100 કરોડની લાંચ માંગવામાં આવી હતી. બેન્ચે ટિપ્પણી કરી હતી કે લાંચની રકમ હવે ઘટીને 45 કરોડ રૂપિયા થઈ ગઈ છે કારણ કે તમારી પાસે આટલું જ મની ટ્રેલ છે. એસવી રાજુએ કહ્યું ના, મની ટ્રેલ રૂ. 45 કરોડનું છે પરંતુ લાંચ રૂ. 100 કરોડની હતી. રાજુએ એમ પણ કહ્યું કે કેસમાં જપ્તી હોવી જરૂરી નથી.
.
(11:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
