News of Friday, 17th May 2024
ગુજરાતમાં ધમધોકાર આર્થિક ગતિવિધિ થઇ રહ્યાનો પુરાવો
એપ્રિલમાં ગુજરાત GSTની આવકમાં દેશમાં ત્રીજા નંબરે
મહારાષ્ટ્રની જીએસટીની આવક ગુજરાત કરતા બમણી પણ બંને રાજયનો ગ્રોથ એકસરખો

નવી દિલ્હી,તા. ૧૭: ગુજરાતમાં કોરોનાના સમયથી મંદ રહેલી ઔદ્યોગિક-વાણિજિયક પ્રવૃત્તિઓ ૨૦૨૪માં પૂર્ણ રીતે ધમધમતી થતા રાજય સરકારને જીએસટીની ભરપૂર આવક થઇ રહી છે. એપ્રિલ-૨૦૨૪માં ગુજરાત સરકારને થયેલી જીએસટીની આવક રૂ. ૧૩,૩૦૧ કરોડ રહી હતી. જે દેશમાં ત્રીજા નંબરે હતી. ૨૦૨૩ના વર્ષ કરતા પણ ગુજરાતની આવકમાં વધારો થવા પામ્યો હતો. જો કે, મહારાષ્ટ્રની આવક ગુજરાત કરતા બમણાંથી પણ વધુ રહી હતી. તો બીજા નંબરે કર્ણાટકની આવક ૧૫,૯૭૮ કરોડ રહી હતી. કેટલાક રાજયનો જીએસટીની આવકનો ગ્રોથ વધુ હતો પરંતુ આવક ઓછી રહી હતી.
ગુજરાતમાં ધંધાકીય ગતિવિધિ વધતા તેની અસર સીધી રાજય સરકારને ગુડ્ઝ સર્વિસ ટેક્સ (જીએસટી) થકી થતી આવક પર પડી છે. એપ્રિલ-૨૦૨૩માં ગુજરાતને જીએસટી પેટે આવક ૧૧,૭૨૧ કરોડની થઇ હતી તેમાં ૧૩ ટકા જેટલા વધારા સાથે એપ્રિલ-૨૦૨૪માં તે ૧૩,૩૦૧ કરોડ થઇ હતી. મહારાષ્ટ્રની આવક એપ્રિલ-૨૦૨૪માં ૩૭,૬૭૧ કરોડ અને કર્ણાટકની આવક ૧૫,૯૭૮ કરોડ રહી હતી. મહારાષ્ટ્રની આવક વધુ હતી પણ ગત વર્ષની સરખામણીએ આવકનો ગ્રોથ ગુજરાત જેટલો ૧૩ ટકાનો જ રહ્યો હતો. જયારે કર્ણાટકની આવક વધી હતી પણ ગ્રોથ ૯ ટકા હતો. ગુજરાત જેવા રાજયના મહત્ત્વના ફાળાના કારણે સમગ્ર દેશની જીએસટીની આવક પણ વિક્રમજનક ૨.૧૦ લાખ કરોડ (એપ્રિલ-૨૦૨૪)ની રહી હતી.
નાગરિકો ઉપર સરેરાશ જીએસટીના કારણે દરેક ચીજ વસ્તુની ખરીદીમાં ગુણાત્મક અને ભારે બોજો પડી રહ્યો છે પરંતુ રાજયની આવકમાં ધરખમ વધારો થઇ રહ્યો છે તે આંકડા કહી રહ્યા છે. જો કે અનેક રાજય એવા છે જેમની જીએસટીની આવકમાં સામાન્ય વધારો કે ભારે ઘટાડો પણ થવા પામ્યો છે. તે જોતા ગુજરાત ઔદ્યોગિક દૃષ્ટિએ દેશમાં અગ્રેસર અને ગ્રોથ એન્જિન કેમ ગણાય છે તે સ્પષ્ટ થાય છે. જે રીતે ગુજરાતમાં વાઇબ્રન્ટ સમિટ પછી વધુ ઔદ્યોગિક એકમો ચાલુ વર્ષે સ્થપાવા જઇ રહ્યા છે તે જોતા આગામી વર્ષોમાં ગુજરાત જીએસટી આવકમાં દેશમાં પ્રથમ નંબરે રહે તેવા અણસાર છે.
૨૦૨૪ની માર્ચ મહિનામાં પણ ગુજરાતની આવક ૧૧૩૯૨ કરોડ હતી જે માર્ચ-૨૦૨૩ કરતા ૯૯૧૯ કરોડ એટલે કે ૧૫ ટકા વધારે રહી હતી. જે ગુજરાતમાં ધમધોકાર આર્થિક ગતિવિધિ થઇ રહ્યાનો પુરાવો છે. (૨૨.૫)
વિવિધ રાજયની GST આવક-ગ્રોથ
રાજય એપ્રિલ-૨૦૨૩ એપ્રિલ-૨૦૨૪ ગ્રોથ
મહારાષ્ટ્ર ૩૩૧૯૬ ૩૭૬૭૧ ૧૩%
કર્ણાટક ૧૪૫૯૩ ૧૫૯૭૮ ૯%
ગુજરાત ૧૧૭૨૧ ૧૩૩૦૧ ૧૩%
ઉત્તર પ્રદેશ ૧૦૩૨૦ ૧૨૨૯૦ ૧૯%
પંજાબ ૨૩૧૬ ૨૭૯૬ ૨૧%
હરિયાણા ૧૦૦૩૫ ૧૨૬૧૮ ૨૧%
દિલ્હી ૬૩૨૦ ૭૭૭૨ ૨૩%
રાજસ્થાન ૪૭૮૫ ૫૫૫૮ ૧૬%
પ.બંગાળ ૬૪૪૭ ૭૨૯૩ ૧૩%
ઝારખંડ ૩૭૦૧ ૩૮૨૯ ૩%
મધ્ય પ્રદેશ ૪૨૬૭ ૪૭૨૮ ૧૧%
અરુણાચલ પ્રદેશ ૨૩૮ ૨૦૦ -૧૬%
લક્ષદ્વીપ ૩ ૧ -૫૭%
આંધ્ર પ્રદેશ ૪૩૨૯ ૪૮૫૦ ૧૨%
(7:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
