<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th May 2024

રોહતક અપક્ષ ઉમેદવાર છે સૌથી ગરીબઃ માત્ર ૨ રૂપિયા છે સંપત્તિ

જાણો કોણ છે સૌથી ધનિક..છઠ્ઠા તબક્કાના મતદાનના ઉમેદવારોને જાણો : પ્રતાપગઢથી એસયુસીઆઈ(સી)ના ઉમેદવાર રામ કુમારે યાદવે ૧૬૮૬ રૂપિયાની સંપત્તિ જાહેર કરી છે

નવી દિલ્‍હી,તા.૧૭: લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કાના મતદાનમાં ચૂંટણી લડી રહેલા લગભગ ૩૯ ટકા ઉમેદવારો કરોડપતિ છે. જેમની સરેરાશ સંપત્તિ ૬.૨૧ કરોડ રૂપિયા છે. ઉમેદવારોની વિગતો વિશે ખાસ જાણો. કોણ છે સૌથી કરોડપતિ ઉમેદવાર અને કોણ છે સૌથી ગરીબ ઉમેદવાર...

ચૂંટણી અધિકાર સંસ્‍થા એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્‍સના વિશ્‍લેષણમાં કહેવાયું છે કે ૨૫જ્રાક મેના રોજ છઠ્ઠા તબક્કાના મતદાનમાં જે ઉમેદવારોનું ભાવિ નક્કી થશે તેમાં સૌથી વધુ સંપત્તિ કુરુક્ષેત્રથી ચૂંટણી લડી રહેલા ભાજપના ઉમેદવાર નવીન જિંદાલની છે. જેમણે ૧૨૪૧ કરોડની સંપત્તિ જાહેર કરી છે અને ત્‍યારબાદ સંતૃપ્ત મિશ્રાની ૪૮૨ કરોડ રૂપિયાની તથા સુશીલ ગુપ્તાની ૧૬૯ કરોડ રૂપિયાની સંપત્તિ છે.

લોકસભા ચૂંટણી લડી રહેલા ૮૬૬ ઉમેદવારોમાંથી ૩૩૮ (૩૯ ટકા) કરોડપતિ છે અને લોકસભાની ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં પ્રતિ ઉમેદવાર સરેરાશ સંપત્તિ ૬.૨૧ કરોડ રૂપિયાની છે. છઠ્ઠા  તબક્કામાં બીજુ જનતા દળ (બીજેડી)ના તમામ ૬ ઉમેદવારો, રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) અને જેડીયુના તમામ ચાર-ચાર ઉમેદવાર, ભાજપના ૫૧ માંથી ૪૮ (૯૪ ટકા), આમ આદમી પાર્ટીના પાંચમાંથી ચાર (૮૦ ટકા) ઉમેદવારોએ એક કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ જાહેર કરેલી છે.

સૌથી ગરીબ ઉમેદવાર

- સૌથી ઓછી સંપત્તિ ધરાવતા ઉમેદવારોમાં રોહતકથી અપક્ષ ઉમેદવાર માસ્‍ટર રણધીર સિંહ સામેલ છે. જેમણે ૨ રૂપિયા સંપત્તિ જાહેર કરી છે.

- ત્‍યારબાદ પ્રતાપગઢથી એસયુસીઆઈ(સી)ના ઉમેદવાર  રામ કુમારે યાદવે ૧૬૮૬ રૂપિયાની સંપત્તિ જાહેર કરી છે.

- લગભગ ૪૧૧ (૪૭ ટકા) ઉમેદવારોએ પોતાના સોગંદનામામાં દેવાની જાહેરાત કરી છે.

- એડીઆરના રિપોર્ટ મુજબ ૮૬૬ ઉમેદવારમાંથી લગભગ ૧૮૦ (૨૧ ટકા) ઉમેદવારોએ પોતાના વિરુદ્ધ ક્રિમિનલ કેસોની વિગતો જાહેર કરેલી છે અને ૮૬૬માંથી ૧૪૧ (૧૬ ટકા)એ પોતાના વિરુદ્ધ ગંભીર ક્રિમિનલ કેસોની વિગતો આપેલી છે.

૧૨ ઉમેદવારો રહી ચૂક્‍યા છે દોષિત

- રિપોર્ટ મુજબ ઓછામાં ઓછા ૧૨ ઉમેદવારોએ એવા કેસોની જાહેરાત કરી છે જેમાં તેમને દોષિત ઠેરવવામાં આવ્‍યા છે અને ૬ ઉમેદવારોએ પોતાના વિરુદ્ધ હત્‍યા (આઈપીસીની કલમ ૩૦૨) સંબંધિત કેસ જાહેર કર્યા છે.

- એડીએઆરએ કહ્યું કે ૨૧ ઉમેદવારોએ પોતાના વિરુદ્ધ હત્‍યાની કોશિશ (આઈપીસીની કલમ ૩૦૭) સંબંધિત કેસ જાહેર કર્યા છે અને ૨૪ ઉમેદવારોએ મહિલાઓ વિરુદ્ધ ગુના સંબંધિત કેસ જાહેર કર્યા છે.

- રિપોર્ટ મુજબ ૧૬ ઉમેદવારોએ નફરત ફેલાવનારા ભાષણ સંબંધિત કેસની વિગતો જાહેર કરી છે.

(10:03 AM IST)