News of Friday, 17th May 2024
નોટિસ આપવાથી માંડી સીઝ કરવાના કારણો CGST દ્વારા જણાવાતા નથી
GST કાયદો એકઃ SGST-CGSTમાં નિયમની અમલવારી માટે અલગ કાટલા
GSTમાં સ્પષ્ટ જોગવાઇ કરવામાં આવી હોવા છતાં અધિકારીની મનમાની યથાવત

મુંબઇ,તા. ૧૭: જીએસટી લાગુ થયા બાદ નિયમના અમલવારીમાં સ્ટેટ જીએસટી અને સેન્ટ્રલ જીએસટીમાં અલગ અલગ કાટલા હોવાના કારણે વેપારીઓની પરેશાનીમાં વધારો થયો છે. જોકે આ માટે સ્ટેટ જીએસટી કમિશનરને વખતો વખત રજુઆત કરવામાં આવી હોવા છતાં આજદિન સુધી તેનુ પરીણામ આવ્યુ નથી. જેથી આ સમસ્યાનુ કાયમી નિરાકરણ લાવવા રજુઆત કરવામાં આવી છે.
છેલ્લા કેટલાક સમયથી સ્ટેટ જીએસટી દ્વારા વેપારીને નોટીસ આપવામાં આવે છે પરંતુ તે નોટીસ આપવાનુ કારણ દર્શાવવામાં આવતુ નથી. તેવી જ રીતે જયારે નોટીસ આપવામાં આવે ત્યારે તેની જાણ કરવામાં આવતી નથી. તેના કારણે વેપારીએ જવાબ રજુ કર્યો નહીં હોવાની જણાવીને સીધી રીકવરીની જ કાર્યવાહી કરી દેવામાં આવતી હોય છે. તેની સામે સેન્ટ્રલ જીએસટી દ્વારા જીએસટીના નિયમ પ્રમાણે કરદાતાને તમામ જાણકારી આપવામાં આવતી હોય છે. આ ઉપરાંત વેપારીના જે પણ દસ્તાવેજ જપ્ત કરવામાં આવ્યા હોય તેને વધુમાં વધુ ૩૦ દિવસમાં પરત કરી દેવાના નિયમનુ પણ પાલન કરવામાં આવતુ નથી. કયા કારણોસર ડોક્યુમેન્ટ જપ્ત કરવામાં આવ્યુ તે પણ જણાવવામાં આવતુ નથી. આવા અનેક નિયમોનુ સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવતુ હોવા છતાં સ્ટેટ જીએસટીના અધિકારીઓ મનમાની રીતે કામગીરી કરી રહ્યા છે. તેના પરીણામ સ્વરુપે જ વેપારીઓની પરેશાનીમાં સતત વધારો
થઈ રહ્યો છે. આ માટે ચેમ્બરની સાથે સાથે સીએ એસોસિએશન, ટેક્સ બાર એસોસિએશન સહિતનાઓને પણ લેખિતમાં રજુઆત કરીને આ સમસ્યાનુ નિરાકરણ લાવવા જણાવ્યુ છે. આ ઉપરાંત સ્ટેટ જીએસટી કમિશનરને પણ તેની જાણકારી આપવામાં આવી હોવા છતાં પરેશાની દુર કરવાના બદલે અધિકારીઓ દ્વારા પોતાની રીતે ઘડવામાં આવેલા નિયમ પ્રમાણે જ કાર્યવાહી કરી રહ્યા છે. જેથી નિયમ પ્રમાણે કામગીરી કરવામાં આવે તેવી વેપારીઓ દ્વારા રજુઆત કરવામાં આવી રહી છે.
હાઇકોર્ટે પણ અધિકારીઓને ફટકાર લગાવી હતી
વેપારીઓને સાંભળ્યા વિના એસજીએસટીના અધિકારીઓ એક તરફી કાર્યવાહી કરીને રીકવરી કરવા ઉપરાંત મિલકત અને બેંક એકાઉન્ટ સીઝ કરી દેતા હોય છે. આ માટે હાઇકોર્ટે પણ વેપારીઓને પુરતી જાણકારી આપવાની સાથે તેઓની રજુઆત યોગ્ય રીતે સાંભળવાની પણ તાકીદ કરી હોવા છતાં સ્ટેટ જીએસટીના અધિકારીઓ હાઇકોર્ટે કરેલી ગંભીર ટીપ્પણી મુદે પણ દુર્લક્ષ સેવી રહ્યા હોવાનો ગણગણાટ વેપારીઓની સાથે ટેક્સ કન્સલટન્ટ અને સીએમાં પણ જોવા મળી રહ્યો છે.
(10:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
