<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th May 2024

બાળકીની આંગળીનું ઓપરેશન કરવાને બદલે હોસ્‍પિટલે કરી નાખ્‍યું જીભનું ઓપરેશન

કેરળની કોઝિકોડ મેડિકલ કોલેજ હોસ્‍પિટલમાં ગેરરીતિની વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી

કોચી તા. ૧૭ : કેરળની કોઝિકોડ મેડિકલ કોલેજ હોસ્‍પિટલમાં ગેરરીતિની વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ચાર વર્ષની બાળકી ગંભીર તબીબી બેદરકારીનો શિકાર બની હતી. યુવતીના પરિવારજનોના જણાવ્‍યા અનુસાર તેના એક હાથમાં છ આંગળીઓ હતી. પરિવારના સભ્‍યો તેને એક વધારાની આંગળી કાઢવા માટે હોસ્‍પિટલ લઈ ગયા. પરંતુ ડોકટરોએ તેની જીભનું ઓપરેશન કર્યું.

મીડિયા રિપોર્ટ્‍સ અનુસાર, બાળકીના એક સંબંધીએ કહ્યું, ‘અમને કહેવામાં આવ્‍યું હતું કે છોકરીની છ આંગળીઓમાંથી એક નાની સર્જરી દ્વારા કાઢી શકાય છે તેથી અમે સંમત થયા. થોડા સમય પછી, જયારે છોકરીને પાછી લાવવામાં આવી તો અમે જોઈને ચોંકી ગયા કે બાળકીના મોં પર પ્‍લાસ્‍ટરમાં હતું, જયારે અમે તેના હાથ તરફ જોયું ત્‍યારે અમને ખબર ન પડી કે છઠ્ઠી આંગળી હજી પણ ત્‍યાં જ છે.'

સંબંધીએ કહ્યું, ‘અમે આ વિશે નર્સને કહ્યું અને જયારે તેને તે સાંભળ્‍યું ત્‍યારે તે હસવા લાગી. અમને કહેવામાં આવ્‍યું કે તેની જીભમાં પણ સમસ્‍યા છે અને તે ઠીક કરવામાં આવી છે. તરત જ ડોક્‍ટર આવ્‍યા અને ભૂલ માટે માફી માંગી અને કહ્યું કે છઠ્ઠી આંગળી કાઢી નાખવામાં આવશે અને પછી તેઓ બાળકીને લઈ ગયા.'

આ સમાચાર સામે આવ્‍યા બાદ સંબંધિત અધિકારીઓએ આ મામલે તપાસના આદેશ આપ્‍યા છે. આ ઘટના એવા સમયે સામે આવી છે જયારે આ હોસ્‍પિટલ પહેલાથી જ ચર્ચામાં છે. હકીકતમાં, ૩૦ વર્ષની મહિલા હર્ષિના લાંબા સમયથી તેની ફરિયાદને લઈને વિરોધ કરી રહી હતી કે તેના સી-સેક્‍શન પછી ડોક્‍ટરોએ તેના પેટમાં કાતર છોડી દીધી હતી અને આ ફરિયાદ સાચી નીકળી હતી અને દોષિત કર્મચારીઓની ઓળખ કરવામાં આવી હતી.

(11:50 AM IST)