<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th May 2024

કતરણથી ભરેલી એક બોરી રસ્તા પર પડેલી મળી આવી

ચૂંટણીને કારણે નોટોની કતરણ મળવાનો મામલો ચર્ચામાં:ઉત્તર પ્રદેશના ઉન્નાવ જિલ્લામાં રસ્તામાં કરન્સી કતરણથી ભરેલી બોરી જોઈને ત્યાંનાં લોકોમાં કુતૂહલ સર્જાયું હતું

ઉન્નાવ, તા.૧૭

ઉત્તર પ્રદેશના ઉન્નાવ જિલ્લામાં કતરણથી ભરેલી એક બોરી રસ્તા પર પડેલી મળી આવી હતી. કરન્સી કતરણથી ભરેલી બોરી જોઈને ત્યાંનાં લોકોમાં કુતૂહલ સર્જાયું હતું. આ કરન્સીની થેલી ક્યાંથી આવી? આ કાળું નાણું છે, જેનો નાશ કરીને રસ્તા પર આકસ્મિક રીતે ફેંકી દેવામાં આવી છે? જેવા જાત જાતના પ્રશ્નો લોકો કરી રહ્યા છે. રસ્તાના કિનારે પડેલી આ બોરીનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

કાઢી નાખવામાં આવેલી કતરણમાં ૧૦ રૃપિયાથી લઈને ૫૦૦ રૃપિયા સુધીની નોટો સામેલ છે. પોલીસે કહ્યું કે આ મામલો ધ્યાનમાં લેવામાં આવ્યો છે. આ નોટોની કતરણની તપાસ કરવામાં આવી રહી છે.રસ્તાના કિનારે પડેલી પ્લાસ્ટિકની થેલીમાં ૧૦, ૨૦, ૫૦, ૧૦૦, ૨૦૦ અને ૫૦૦ રૃપિયાની નોટોની કતરણ છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ બોરી છેલ્લા ત્રણ દિવસથી આ રીતે પડી છે. આ સમાચાર ફેલાતાની સાથે જ નોટોની કતરણ જોવા માટે લોકોની ભીડ એકઠી થવા લાગી. ઘણા લોકો તેમના પરિવારના સભ્યોને બતાવવા માટે તેમના બોરીમાંથી નોટોની નાની કતરણ પણ લઈ જઈ રહ્યા છે.

રસ્તાના કિનારે કરન્સી કતરણની થેલી ક્યાંથી આવી તે હજુ સુધી જાણી શકાયું નથી. વર્ષ ૨૦૧૮માં નોટબંધી દરમિયાન પણ, બાંગરમાઉ વિસ્તારમાં બિલહૌર રોડ પર અને સુલતાનપુર અને ગંજમુરાદાબાદ વચ્ચે હરદોઈ-ઉન્નાવ રોડ પર ખંતીમાંથી નોટોની કતરણ મળી આવી હતી.

જો કે, તે સમયે ભારતીય ચલણ બહારની નોટોના ટુકડાને કારણે આ બાબત પર ચર્ચા થઈ શકી ન હતી. આ વખતે લોકસભાની ચૂંટણીને કારણે નોટોની કતરણ મળવાનો મામલો ચર્ચામાં છે.

આ મામલે સીઓ બાંગરમાઉ અરવિંદ ચૌરસિયાએ કહ્યું કે આ મામલો પોલીસના અંડરમાં છે. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે ગઈ હતી. આ સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે. નોટો ભરેલી આ બોરી ક્યાંથી આવી તે જાણવાના પ્રયાસો ચાલુ છે? કરન્સી કતરણની આ થેલી છેલ્લા બે-ત્રણ દિવસથી જે તે જગ્યા પર જ પડી છે.

(7:48 PM IST)