તા. ૨ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ પોષ સુદ – ૧૪ શુક્રવાર
News of Friday, 17th May 2024
દિલ્હીના કથીત દારૂ કૌભાંડમાં ઇડીની મોટી કાર્યવાહી: પહેલીવાર AAP અને કેજરીવાલને બનાવ્યા આરોપી
આ પહેલીવાર છે જ્યારે પીએમએલ કેસમાં કોઈ રાજકીય પક્ષને આરોપી બનાવવામાં આવ્યો

નવી દિલ્હી :એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ દિલ્હીના કથિત દારૂ કૌભાંડમાં મોટી કાર્યવાહી કરી છે. EDએ શુક્રવારે પૂરક ચાર્જશીટ દાખલ કરતી વખતે આમ આદમી પાર્ટી અને તેના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને પ્રથમ વખત આરોપી તરીકે નામ આપ્યા હતા. આ પહેલીવાર છે જ્યારે પીએમએલ કેસમાં કોઈ રાજકીય પક્ષને આરોપી બનાવવામાં આવ્યો છે. આ સિવાય પહેલીવાર દિલ્હીના મુખ્યમંત્રીને પણ કથિત કૌભાંડમાં આરોપી બનાવવામાં આવ્યા છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ શુક્રવારે કથિત દિલ્હી દારૂ કૌભાંડમાં રૂઝ એવન્યુ કોર્ટમાં પૂરક ચાર્જશીટ દાખલ કરી. આ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા દાખલ કરવામાં આવેલી આ આઠમી ચાર્જશીટ છે. આ ચાર્જશીટમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના નામનો આરોપી તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ મામલામાં દિલ્હીના મુખ્યમંત્રી વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી આ પ્રથમ ચાર્જશીટ છે.
આ પહેલીવાર બન્યું છે કે જ્યારે કોઈ વર્તમાન મુખ્યમંત્રી અને રાજકીય પક્ષે મની લોન્ડરિંગના આરોપોનો સામનો કર્યો હોય. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે સ્પેશિયલ જજ કાવેરી બાવેજા આગામી દિવસોમાં ED દ્વારા દાખલ કરવામાં આવેલી 200 પાનાની ચાર્જશીટની નોંધ લે તેવી શક્યતા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) ની જોગવાઈઓ હેઠળ આરોપીઓ પર આરોપ મૂકવાની માંગ કરવામાં આવી છે.
દિલ્હીના કથિત દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં 50 દિવસ સુધી તિહાર જેલમાં બંધ રહ્યા બાદ, સુપ્રીમ કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રીને ચૂંટણી પ્રચાર માટે 1 જૂન સુધી વચગાળાના જામીન આપ્યા હતા. તેમના જામીનનો વિરોધ કરતા EDએ કહ્યું હતું કે તે ટૂંક સમયમાં આમ આદમી પાર્ટીને પણ આ કૌભાંડમાં આરોપી બનાવવા જઈ રહી છે. ED આ કેસમાં અત્યાર સુધીમાં સાત ચાર્જશીટ દાખલ કરી ચૂકી છે.
EDએ પોતાની ચાર્જશીટમાં કહ્યું છે કે મનીષ સિસોદિયા અને કે કવિતાની સાથે અરવિંદ કેજરીવાલ પણ આ કેસના માસ્ટરમાઇન્ડ છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે પીએમએલએની કલમ 70 હેઠળ, આમ આદમી પાર્ટી કંપની તરીકે કાર્યવાહી કરવા માટે જવાબદાર છે. EDનું કહેવું છે કે તપાસમાં જાણવા મળ્યું છે કે આ કૌભાંડમાંથી મળેલી રકમનો ઉપયોગ આમ આદમી પાર્ટીએ તેના ગોવા ચૂંટણી પ્રચાર માટે કર્યો હતો.
દિલ્હી સરકારે 17 નવેમ્બર 2021ના રોજ નવી એક્સાઈઝ પોલિસી લાગુ કરી હતી. જુલાઈ 2022 માં, દિલ્હીના તત્કાલિન મુખ્ય સચિવે લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાને એક્સાઇઝ પોલિસીમાં અનિયમિતતાઓ અંગે એક રિપોર્ટ સુપરત કર્યો હતો. જેમાં પોલિસીમાં ગેરરીતિની સાથે તત્કાલીન નાયબ મુખ્યમંત્રી સિસોદિયા પર દારૂના વેપારીઓને અયોગ્ય લાભ આપવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આ રિપોર્ટના આધારે લેફ્ટનન્ટ ગવર્નરે CBI તપાસની ભલામણ કરી હતી. CBI FIRના આધારે EDએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો હતો.
EDનો આરોપ છે કે આબકારી નીતિમાં સુધારો કરતી વખતે અનિયમિતતાઓ આચરવામાં આવી હતી અને લાઇસન્સ ધારકોને અયોગ્ય લાભો આપવામાં આવ્યા હતા. આમાં લાયસન્સ ફી માફ અથવા ઘટાડવામાં આવી હતી. આ નીતિથી સરકારી તિજોરીને નુકસાન થયું હતું. જોકે, આ મામલે તપાસની ભલામણ કર્યા બાદ દિલ્હી સરકારે નવી એક્સાઇઝ પોલિસી પાછી ખેંચી લીધી હતી
(8:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
