<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th May 2024

મમતા બેનર્જી વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદનને કારણે ભાજપના ઉમેદવાર અભિજીત ગંગોપાધ્યાયને ચૂંટણી પંચે આપી નોટિસ

ચૂંટણી પંચે મમતા બેનર્જી વિરુદ્ધ ગંગોપાધ્યાયના નિવેદનને અયોગ્ય, અવિવેકી અને અભદ્ર ગણાવ્યું : 20 મેના રોજ સાંજે 5 વાગ્યા સુધીમાં જવાબ માંગ્યો

નવી દિલ્હી : ચૂંટણી પંચે કોલકત્તા હાઈકોર્ટના પૂર્વ જજ અને લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અભિજીત ગંગોપાધ્યાયને નોટિસ આપી છે. ગંગોપાધ્યાયે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી વિશે વાંધાજનક નિવેદનો આપ્યા હતા. આ મામલે ચૂંટણી પંચે આ કાર્યવાહી કરી છે.

   ચૂંટણી પંચે મમતા બેનર્જી વિરુદ્ધ ગંગોપાધ્યાયના નિવેદનને અયોગ્ય, અવિવેકી અને અભદ્ર ગણાવ્યું છે. કારણ બતાવો નોટિસ જારી કરીને ચૂંટણી પંચે કહ્યું છે કે પ્રથમ દૃષ્ટિએ આ નિવેદન આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન છે. ગંગોપાધ્યાય પશ્ચિમ બંગાળની તમલુક બેઠક પરથી ભાજપના ઉમેદવાર છે. તેમણે બુધવારે હલ્દિયા જિલ્લામાં એક ચૂંટણી રેલીમાં મમતા વિરુદ્ધ નિવેદન આપ્યું હતું. ગુરુવારે તેનો વીડિયો સામે આવ્યો હતો

   મમતા બેનર્જીની પાર્ટી ટીએમસી (તૃણમૂલ કોંગ્રેસ)એ ગંગોપાધ્યાય વિરુદ્ધ ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી. જો કે ભાજપે આ વીડિયોને નકલી ગણાવ્યો છે. ચૂંટણી પંચને લખેલા પત્રમાં તૃણમૂલ કોંગ્રેસે કહ્યું કે અભિજીત ગંગોપાધ્યાયે સીએમ મમતા બેનર્જી વિશે "અત્યંત શરમજનક અને ઘૃણાસ્પદ નિવેદનો" કર્યા છે. તે મહિલા વિરોધી છે. મત મેળવવા માટે તે મહિલાઓ વિરુદ્ધ અભદ્ર અને અપમાનજનક નિવેદનો કરી રહ્યો છે

   તૃણમૂલ કોંગ્રેસે માંગ કરી હતી કે ચૂંટણી પંચ ગંગોપાધ્યાય સામે ફોજદારી કાર્યવાહી શરૂ કરવાના આદેશ જારી કરે. આ સાથે તેમને જાહેર સભા કે રેલીમાં ભાગ લેવા પર પ્રતિબંધ મુકવો જોઈએ. ભાજપે પશ્ચિમ બંગાળની તમલુક બેઠક પરથી ગંગોપાધ્યાયને મેદાનમાં ઉતાર્યા છે. અહીં 25 મેના રોજ મતદાન થશે.

ચૂંટણી પંચે ગંગોપાધ્યાય પાસેથી 20 મેના રોજ સાંજે 5 વાગ્યા સુધીમાં જવાબ માંગ્યો છે. આ પહેલીવાર નથી જ્યારે ગંગોપાધ્યાય પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં આવ્યા હોય. તેઓ આ પહેલા પણ વિવાદાસ્પદ નિવેદનો આપી ચૂક્યા છે

(10:05 PM IST)