<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th May 2024

ચાંદીમાં આગઝરતી તેજી :ભાવ રૂપિયા 89,000ની નવી ઊંચાઈએ પહોંચ્યો :સોનામાં 150નો ઘટાડો

વિશ્વ બજારમાંથી મળેલા સંકેત વચ્ચે ચાંદીની કિંમતોમાં વિક્રમજનક તેજીનો દોર

નવી દિલ્હી : વિશ્વ બજારમાંથી મળેલા સંકેત વચ્ચે ચાંદીની કિંમતોમાં વિક્રમજનક તેજીનો દોર આગળ વધ્યો છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ખાતે ચાંદીનો ભાવ કીલો દીઠ વિક્રમજનક રૂપિયા 89,000 બોલાયો હતો. જોકે દિલ્હી ખાતે સોનાની કિંમત 10 ગ્રામ દીઠ રૂપિયા 150 ઘટીને રૂપિયા 73,900 રહ્યો હતો.

અમેરિકી ડોલર અને અમેરિકી ટ્રેઝરીની ઉપજમાં નોંધપાત્ર સુધારો થતા તેની અસર જોવા મળી હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં નજીવા પ્રમાણમાં ઘટાડો થયો છે. ઔંસ દીઠ સોનાનો ભાવ 6 ડોલર ઘટીને 2,380 ડોલર રહ્યો હતો. જ્યારે ચાંદીના ભાવ ઔંસદીઠ ભાવ 29.55 ડોલરથી વધીને 29.65 ડોલર થયા છે.

અમદાવાદ ખાતે સોનાના ભાવમાં એકંદરે સ્થિર વલણ રહ્યું હતું. જ્યારે ચાંદીના ભાવમાં સુધારો જોવા મળ્યો હતો. અમદાવાદ સોનુ (99.9) 10 ગ્રામ દીઠ ભાવ રૂપિયા 75,700 અને અમદાવાદ સોનુ (99.5) 10 ગ્રામ દીઠ ભાવ રૂપિયા 75,500 રહ્યો હતો. જોકે ચાંદીનો કિલો દીઠ ભાવ રૂપિયા 85,500થી રૂપિયા 300 વધીને રૂપિયા 85,800 રહ્યા હતા.


 

(10:07 PM IST)