News of Tuesday, 21st May 2024
સપ્ટેમ્બરમાં ૭૫ નગરપાલિકા, ૧૭ તાલુકા પંચાયત, બે જિલ્લા પંચાયત, ૭૦૦૦ ગ્રામ પંચાયતોની ચૂંટણી
છેલ્લા બે વર્ષથી ટલ્લે ચડેલી ચૂંટણી યોજાય તેવા સંકેતઃ લોકસભાના પરિણામો ભાજપ માટે સારા આવ્યા તો તાત્કાલિક ધોરણે આ ચૂંટણીની જાહેરાત કરી દેવાશે, નહીં તો બેથી ત્રણ મહિના ચૂંટણી પાછળ ખેંચવામાં આવી શકે છે : ગુજરાતની ગ્રામ પંચાયતોમાં છેલ્લા બે વર્ષથી વહીવટદાર તરીકે તલાટી ભૂમિકા ભજવી રહ્યા છેઃ ગામનું સંચાલન તલાટીના માથે આવી પડયું છેઃ ચૂંટણી નહીં યોજાવાના કારણે ગામડાનો વિકાસ રૂંધાઇ રહ્યો છે

નવી દિલ્હી,તા. ૨૧: ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના પડઘમ શાંત થયા છે, ત્યારે ગુજરાતમાં આગામી સપ્ટેમ્બર મહિનામાં રાજયની ૭૫ નગરપાલિકા, ૧૭ તાલુકા પંચાયત, બે જિલ્લા પંચાયત અને ૭૦૦૦ ગ્રામ પંચાયતોની છેલ્લા બે વર્ષથી ટલ્લે ચડેલી ચૂંટણી યોજાય તેવા સંકેત મળી રહ્યા છે.
આ માટે રાજય ચૂંટણી આયોગ દ્વારા આગામી બે મહિનામાં તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવશે. સત્તાવાર સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર, લોકસભાના પરિણામો ભાજપ માટે સારા આવ્યા તો તાત્કાલિક ધોરણે આ ચૂંટણીની જાહેરાત કરી દેવાશે, નહીં તો બેથી ત્રણ મહિના ચૂંટણી પાછળ ખેંચવામાં આવી શકે છે. રાજયની ગ્રામ પંચાયતોમાં છેલ્લા બે વર્ષથી વહીવટદાર તરીકે તલાટી ભૂમિકા ભજવી રહ્યા છે. ગામનું સંચાલન તલાટીના માથે આવી પડ્યું છે. ચૂંટણી નહીં યોજાવાના કારણે ગામડાનો વિકાસ રૂંધાઇ રહ્યો છે. રસ્તા, પાણી, આરોગ્ય, સફાઈ તેમજ દાખલા જેવી અનેક સમસ્યા ઊભી થઈ છે. આ ઉપરાંત, તલાટી પાસે એકથી વધુ ગામના ચાર્જ હોવાથી કામનું ભારણ વધારે હોય છે, ત્યારે તલાટી એક ગામમાં રહીને સમસ્યાઓને ન્યાય આપી શકતો નથી. આવા સંજોગોમાં વહીવટદાર રાજ ખતમ થાય અને વહેલાસર ચૂંટણી યોજાય તે જરૂરી છે.
છેલ્લા બે વર્ષથી ટલ્લે ચડેલી આ ચૂંટણી હાલ તો આગામી નવરાત્રી દરમિયાન યોજાય તેવા સંકેત છે. રાજયની ૭૫ નગરપાલિકા, ૧૭ તાલુકા પંચાયત, બે જિલ્લા પંચાયત તેમજ ૭૦૦૦ જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે. ગત ઓગસ્ટ મહિનામાં નિવૃત્ત ન્યાયમૂર્તિ કે એસ ઝવેરી પંચના રિપોર્ટ બાદ OBC અનામત ૨૭% કરવાની જાહેરાત ગત ઓગસ્ટ મહિનામાં રાજય સરકાર દ્વારા કરવામાં આવી હતી. ઝવેર કમિશનના રિપોર્ટ અનુસાર, ગ્રામીણ વિસ્તારે ૫૨્રુ ને શહેરી વિસ્તારમાં ૪૬.૪૩ ટકા ઓબીસી સમાજની વસ્તી છે તેને અનુલક્ષીને ઓબીસી સમાજ માટે અનામત બેઠકો જિલ્લા પંચાયતોમાં ૧૦૫ થી વધીને ૨૨૯ અને ૨૪૮ તાલુકા પંચાયતમાં ૫૦૬ થી વધીને ૧,૦૮૫ , રાજયની કુલ ૧૪૫૬૨ ગ્રામ પંચાયતોમાં ૧૨,૭૫૦ થી વધીને ૨૫૩૪૭ બેઠકો એ જ રીતે નગરપાલિકામાં પણ મોટાપાયે બેઠકો વધી રહી છે.
લોકસભાની ચૂંટણીના પરિણામો આવતાની સાથે જ રાજય ચૂંટણી આયોગ દ્વારા આ માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવશે, જેમાં અનામત વર્ગીકરણની કાર્યવાહી પૂરી કરવાની સાથે નવી મતદાર યાદી તૈયાર કરવામાં આવશે અને મતદાર મંડળો રચાશે. નોંધનીય છે કે, સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં રાજકીય પક્ષો માટે ગ્રામ્ય સ્તરનું સંગઠન મહત્વની ભૂમિકા અદા કરતું હોય છે. પંચાયતની ચૂંટણીમાં કોઈ પક્ષ સીધો ભાગ લેતું નથી પણ તે પોતાના સમર્થકોને ટેકો જાહેર કરતા હોય છે.
(9:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
