<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st May 2024

જો વ્‍યકિતનું મન અને શરીર શુધ્‍ધ હશે તો ઇશ્વર સુધી પ્રાર્થના જરૂર પહોંચશે : મારૂતિમાન ગિરિજી મહારાજ

નવાર્ણ મંત્ર અને ગાયત્રી મંત્ર પાવરફુલ મંત્ર છે : સતયુગમાં ઇશ્વરે કહેલું કે આ મંત્રોનું ઉચ્‍ચારણ જે કરશે તે ઇશ્વર સમાન થઇ જશે : જે સનાતની છે જેમને આપણી સંસ્‍કૃતિનો ખ્‍યાલ નથી તેવા ૧૦૦૦૦ લોકોને વૈદિક વિધિથી પૂજા પાઠ શીખવાડવાનું મારૂ ધ્‍યેય : મહારાજે સંસાર છોડ્‍યાના ત્રણ જ મહિનામાં બ્રહ્મચારી, સન્‍યાસી અને પીઠાધીશની ઉપાધિ પણ મેળવી લીધી એટલે કે ૧૫ વર્ષની ઉપલબ્‍ધિ ત્રણ જ મહિનામાં મેળવી

રાજકોટ : નર્મદા તટે આવેલ જાંજરડા આશ્રમ સંકર્ષણ મહાદેવ મંદિર કલ્‍યાણ ધામ આશ્રમના મહંત તેમજ ભુજથી ગઢ સિસા તરફ નાના રતડીયા ગામમાં આવેલ શ્રી આશાપુરા પીઠના ઉત્તરાધિકારી શ્રી મારૂતિમાન ગિરિજી મહારાજ અકિલાના આંગણે પધાર્યા હતા અને આધ્‍યાત્‍મ તેમજ સનાતન માં તેમને થયેલા અનુભવો વર્ણવ્‍યા હતા. મૂળ રાજકોટના અને આઇટી ક્ષેત્રમાં રહી મોબાઈલ એપ્‍લિકેશન અને વેબસાઈટ બનાવતા તેમજ રાજકોટમાં મારૂતિ બીઝ પ્રા. લિ. મારૂતિ ફાઉન્‍ડેશન ટ્રસ્‍ટ અને મારૂતિ ફીન ક્રેડિટ સોસાયટીમાં કાર્યરત એવા રાજેશભાઈ મશરૂ નાનપણથી જ ધર્મના રંગે રંગાયેલા હતા. ગયા વર્ષે ચતુર માસમાં જગતગુરૂ મુક્‍તેશ્વરાનંદ શંકરાચાર્ય મહારાજ પાસે રહ્યા અને ત્‍યાંથી સન્‍યાસી જીવન તરફ વળવાનો નિર્ધાર કર્યો. જગતગુરૂ એ રક્ષાબંધન પર તેમને મંત્ર દીક્ષા આપેલી. ત્‍યારે તેઓ એમપીમાં હતા અને જગદગુરૂ એ માતા સાથે ફોન પર વાત કરી અને પુત્રની સંસાર ત્‍યાગવાની ઈચ્‍છા દર્શાવી માતાએ હા પાડી અને ગત દેવ દિવાળી પછી રાજકોટ ના ગરેડિયા કુવા રોડ પર આવેલ પંચમુખી હનુમાનજી મંદિરથી રાજેશભાઈએ વિદાય લીધી અને ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી કલ્‍યાણ ગિરિજી મહારાજ પાસે દિક્ષા લઇ શ્રી મારૂતિમાન ગિરિજી મહારાજ બન્‍યા.

નર્મદા તટે બલરામજી દ્વારા સ્‍થાપિત શિવલિંગ જેનું નામ સંકર્ષણ મહાદેવ છે હાલ તેઓ ત્‍યાં મહંત તરીકે કાર્યરત છે. બલરામજી દ્વારા સ્‍થાપિત શિવલિંગ છે અને બલરામજીનું જન્‍મ પહેલાનું નામ છે સંકર્ષણ હતુ. સંસ્‍કૃતમાં એનો મતલબ એક ગર્ભ છે એમાંથી બીજા ગર્ભમાં ટ્રાન્‍સફર કરવું એવો થાય છે. આ સ્‍થાન જાંજળ ગામથી ત્રણ કિલો મીટરના અંતરે સિનોર તાલુકામાં વડોદરા જિલ્લામાં આવેલું છે. જે ડભોઇ થી ૪૦ કિલો મીટર થાય છે.

આધ્‍યાત્‍મમાં આપને એવું શું લાગ્‍યું કે આ રસ્‍તો પસંદ કર્યો? મારૂતિમાન ગિરિજી મહારાજે જણાવ્‍યું કે, આધ્‍યાત્‍મ એ તો મહાસાગર છે. ખાસ તો જે હિન્‍દુઓ છે, સનાતની છે જેમને આપણી સંસ્‍કૃતિનો ખ્‍યાલ નથી તેવા લોકોને વૈદિક વિધિથી પૂજા પાઠ શીખવાડવાનું મારૂ ધ્‍યેય છે. આવા ૧૦,૦૦૦ લોકો સંસારમાં રહી વૈદિક વિધિથી પૂજા પાઠ શીખે એજ મારૂ લક્ષ્ય છે. જેમાં અત્‍યાર સુધી ૫૦૦ લોકોને આ વિધિ શીખવાડી પણ છે. ભવિષ્‍યમાં આ લોકો તેમાં એકનો ઉપરો કરતા જાય તેમ લોકો શિખતા જશે. સામાન્‍ય રીતે આપણે જે દીવો કરીએ તે ઈશ્વર સુધી પહોંચ્‍યો કે નહીં તેજ વૈદિક  વિધિથી શીખવવાનો ઉદ્દેશ છે. પૂજા કરતા પહેલા આસનનું પવિત્ર કરણ કરવું, શરીરનું શુદ્ધિકરણ એટલે કે પવિત્ર કરણ કરવું, ત્‍યાર પછી આચમન કરવું, ત્‍યાર પછી પ્રાણાયામ કરો, ત્‍યાર પછી હાથ સાફ કરી દિપ પ્રાગટ્‍ય અને મંત્રોચ્‍ચાર મને પછી ક્ષમા યાચના કરો આજ યોગ્‍ય રીત છે. જેમા તમે જે કંઈ મંત્રોચ્‍ચાર કરો છો તે ઈશ્વર સુધી પહોંચે છે. આજે દરેક પોતાની રીતે ઈશ્વર ભક્‍તિ કરે છે પણ તેના સુધી પહોંચતી નથી કારણ તેને સંકલ્‍પ નથી લીધો. ઈશ્વર સુધી પહોંચાડવા પહેલા સંકલ્‍પ લેવો પડે. જો વ્‍યક્‍તિનું મન અને શરીર શુદ્ધ હશે તો ઈશ્વર સુધી પ્રાર્થના જરૂર પહોંચશે.

મંત્ર શક્‍તિની વાત જણાવતા મહારાજ કહે છે પહેલા બ્રહ્માષા આવે એટલે એ કોઈ અષા નથી સાદુ એક તીર છે પણ તેને મંત્ર દ્વારા બ્રહ્માષા બનાવાયું છે. ત્‍યાર પછી નવાર્ણ મંત્ર આવે અને ત્‍યાર પછી ગાયત્રી મંત્ર આવે. નવાર્ણ મંત્ર અને ગાયત્રી મંત્ર પાવરફુલ મંત્ર છે. સતયુગમાં ઈશ્વરે કહેલું કે આ મંત્રોનું ઉચ્‍ચારણ જે કરશે તે ઈશ્વર સમાન થઈ જશે. કલિયુગ આવતા આવતા આ બંને મંત્રને ક્‍લિત કરી દીધા છે. આ બંને મંત્રો બોલતા પહેલા ૧૫ થી ૨૦ મિનિટ યોગ્‍ય વૈદિક વિધિ કરવી પડે છે ત્‍યારબાદ જ આ મંત્ર બોલી શકાય છે. વિધિ વિના બોલવાથી કોઈ ફળ મળતું નથી પણ વિધિ કરીને બોલવાથી સતયુગનું ફળ મળે છે. નવાર્ણ મંત્ર ચૈત્ર મહિનાની નવરાત્રી પર સંન્‍યાસી દ્વારા યજ્ઞ થકી સિદ્ધ કરી શકાય છે. સન્‍યાસીઓ સંસારીને મંત્ર સાધના આપી શકે છે અને સિદ્ધ પણ થાય છે પરંતુ તે મંત્ર પાંચ લાખ વખત બોલવો પડે છે અને એ પણ વૈદિક વિધિથી જ. તેના નિયમો પણ અઘરા છે. બ્રહ્મચારી હોવું, તામસિક ખોરાક ન લેવો વગેરે.

શ્રી મારૂતિમાન ગિરિજી મહારાજની આધ્‍યાત્‍મિક સફર ખૂબ ઝડપે પસાર થઈ અને આશાપુરા પીઠ (આશાપુરા મઢ નહીં) ના ઉત્તરાધિકારી તરીકે પિઠાધીશની ઉપાધિ પણ મળી ગઈ. નિયમ પ્રમાણે દીક્ષા પછી ૮-૧૦ વર્ષે સન્‍યાસી દીક્ષા મળે. સન્‍યાસી દીક્ષા મળ્‍યા ના પાંચેક વર્ષ પછી મહંત કે પીઠાધીશ તરીકેનુ પદ મળે. મહારાજે સંસાર છોડ્‍યા ના ત્રણ જ મહિનામાં  બ્રહ્મચારી, સન્‍યાસી અને પીઠાધીશ ની ઉપાધિ પણ મેળવી લીધી એટલે કે ૧૫ વર્ષની ઉપલબ્‍ધિ ત્રણ જ મહિનામાં મેળવી. ભુજ થી ગઢશીશા તરફ જતા નાના રતડીયા ગામ આવે ત્‍યાં શ્રી આશાપુરા પિઠ છે. ત્‍યાં શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર કલ્‍યાણ ગિરિજી મહારાજે મારૂતિ માન ગિરિ મહારાજને પીઠના ઉત્તરાધિકારી બનાવ્‍યા છે. મહારાજ કહે છે, હું જયારે કચ્‍છ આવેલો ત્‍યારે કલ્‍યાણ ગિરિ મહારાજે કહેલું તું અહિં સાધનામા બેસ અને જાંજરડા જતો રહે. સાધના કરી પરત ગુરૂજી સાથે કચ્‍છ આવ્‍યો ત્‍યારે મને પીઠાધીશ ઉતરાધીકારી બનાવતા હું શોકમગ્ન થઇ ગયો હતો.

આજે લોકોના જીવનમાં અનેક શું છે તો એ પ્રશ્નોમાંથી મુક્‍તિ મેળવવા અને આધ્‍યાત્‍મ તરફ મળવા માટે શું કરવું જોઈએ? મહારાજે જણાવ્‍યું કે, બે વસ્‍તુ છે કા સંસારમાં રહેવું અને કા સંસાર છોડવો પણ હું એવું નથી ઈચ્‍છતો કે કોઈ સંસાર છોડે. સંસારમાં રહીને પણ તમે સન્‍યાસી જેવું જીવન વિતાવી શકો છો. સન્‍યાસી જીવન અઘરૂં છે સંકલ્‍પ કરવો પડે તમારા માટે અને કાં લોકો માટે. જો તમે સાધના કરવા બેસી જાવ તો સ્‍વયં માટે ઈશ્વર પ્રાપ્તિ છે. અને બીજું લોકોને ધર્મના માર્ગ ઉપર લઈ જવા એ કાર્ય કરવું. આમાં ત્રીજો કોઈ ઓપ્‍શન નથી. મેં લોકોને ધર્મ માર્ગ તરફ લઈ જવાનો સંકલ્‍પ કર્યો છે. સન્‍યાસી દીક્ષા પહેલા પણ હું આજ કાર્ય કરતો હતો. વૈદિક વિધિ મુજબ સામાન્‍ય રોજબરોજની પૂજા કરવાથી પણ સંસારમાં રહી સન્‍યાસી જેવું જીવન જીવી શકાય છે. સંસારમાં રહીને પણ તમે પાંચ મિનિટ ઈશ્વરની પ્રાર્થના કરશો તો તે તરત સાંભળશે.

ઈશ્વરને પામવા માટે શું કરવું જોઈએ? મારૂતિમાન ગિરિ મહારાજે જણાવ્‍યું કે,  ભગવાન  શ્રી રામ હોય, શ્રી કૃષ્‍ણ હોય કે તમારા ઇષ્ટદેવ હોય કોઈપણનું નામ જાપ કરવું જોઈએ. આપણા સનાતન ધર્મ મુજબ આપણે જયારે ગુરૂ પાસે જઈએ ત્‍યારે ગુરૂ જે મંત્ર આપે તે સ્‍વીકારીએ છીએ. ખરેખર સનાતન ધર્મમાં એવું કહે છે કે ઈષ્ટદેવ કયા છે જે મુજબ તમને ગુરૂ એજ મંત્ર આપે એ એની જવાબદારી છે. દરેક મંત્રને સિદ્ધ કરવા પડે છે. જોકે ઓમકાર એકજ મંત્ર એવો છે જે નથી શ્રાપિત કે નથી ક્‍લિત. જો ગુરૂ દ્વારા મળે તો તેના માટે વિનિયોગ કે ન્‍યાસ કરવો પડતો નથી. જનોઇ ધારી ઓમ બોલી શકે એ એનો નિયમ છે જોકે તે પણ ગુરૂ દ્વારા આપવામાં આવે તો. બાકી ઓમ બોલવાનો અધિકાર કોઇને નથી. વિધિમાં પણ ભ્રામણો ‘અરી હિ ઓમ' બોલે છે. 

મંત્ર શક્‍તિ થી શું પામી શકાય છે? તેઓએ જણાવ્‍યું કે, કયો મંત્ર છે તેના પર નિર્ભર કરે છે.  હું બધાને કહું છું તેમ નવાર્ણ મંત્ર અને ગાયત્રી મંત્ર શ્રેષ્ઠ છે.  સનાતન ધર્મમાં આપણે ચતુર્માસ ભૂલી ગયા છીએ જેથી આપણે દુઃખી થઈએ છીએ. ચાતુર્માસના ઉપવાસ નથી કરવાના પરંતુ સાડા ચાર મહિના સુધી આપણે પણ સાધુ સંતોની જેટલી થાય તેટલી સેવા કરવી જોઈએ. જેટલો સમય હોય એટલી યથાશક્‍તિ સેવા કરવી જોઈએ. આમ કરવાથી એ વ્‍યક્‍તિ  જિંદગી આખી દુઃખી નહીં થાય. મહારાજ કહે છે કે, હું એટલું જ ઈચ્‍છું છું કે લોકો એક ગ્રંથ મુજબ પોતાના જીવનનું પાલન કરે. જેના માટે ૨૪ કલાક મારો સપોર્ટ તેમને આપીશ. લોકો સનાતન સંસ્‍કૃતિને જાળવી રાખે તે જરૂરી છે.

કોઈપણ યજ્ઞ કરો ત્‍યારે અગ્નિદેવનો વાસ પૃથ્‍વી ઉપર હોય તે ખાસ જોવું જરૂરી

સામાન્‍ય રીતે આપણે કોઇપણ પ્રસંગ કે ધાર્મિક વિધિ અનુસંધાને યજ્ઞ કરતા હોઈએ છીએ. આ બાબતે મારૂતિમાન ગિરિજી મહારાજે જણાવ્‍યું કે, કોઈપણ યજ્ઞ કરો ત્‍યારે અગ્નિદેવનો વાસ પૃથ્‍વી ઉપર હોય એ ખાસ જોવું જરૂરી છે. અગ્નિદેવ આકાશ લોકમાં હોય અને પૃથ્‍વી પર યજ્ઞ કરવાથી સુખ જતું રહે છે. શાષાો મુજબ અગ્નિદેવ આકાશ, પૃથ્‍વી, પાતાળમાં ફરે છે માટે એ ખાસ જોવું જરૂરી છે કે જયારે પણ અગ્નિદેવનો વાસ પૃથ્‍વી પર હોય ત્‍યારે યજ્ઞ કરવાથી ઉચિત ફળ મળે છે. અગ્નિદેવનો વાસ પૃથ્‍વી પર જાણવા માટેનું પણ એક વૈદિક ગણિત છે. નવરાત્રી, શિવરાત્રી, દશેરા વગેરે જેવી ધાર્મિક તિથિએ અગ્નિદેવ પૃથ્‍વી પર નિવાસ કરતા હોય ત્‍યારે તિથિ જોયા વિના યજ્ઞ થઈ શકે છે.

બિમાર લોકોને આપેલ જલથી દવા લાગુ પડી જાય છે

ગરેડિયા કૂવા રોડ પર આવેલ પંચમુખી હનુમાનજી મહારાજની પરમ કૃપાથી બિમાર વ્‍યક્‍તિઓને મારૂતિમાન ગિરિ મહારાજ જલ આપે છે. જેનાથી દર્દીને તે જે દવા લેતા હોય તે લાગુ પડી જાય છે. શક્‍ય હોય ત્‍યાં સુધી તેઓ ખુદ બિમાર વ્‍યક્‍તિ પાસે જઇ જલ આપે છે. કોઇપણ રોગિસ્‍ટને તેઓ જે દવા લેતા હોય તે લાગુ પડી જાય છે. મહારાજ રાજકોટ હતા ત્‍યારે અનેક દર્દીઓના ઘરે જલ પહોંચાડ્‍યું છે. મહારાજ પ્રખર જયોતિષ પાસેથી કુંડળીની વિદ્યા પણ શિખ્‍યા છે.

હવન સમયે અલૌકિક શક્‍તિનો અનુભવ થયો

નર્મદા તટે આવેલ જાંજરડા આશ્રમ સંકર્ષણ મહાદેવ મંદિર કલ્‍યાણ ધામ આશ્રમ ના મહંત શ્રી મારૂતિમાન ગિરિજી મહારાજે તેમને થયેલ અલૌકિક દિવ્‍ય અનુભૂતિની માહિતી આપતા કહ્યું કે, ચૈત્ર નવરાત્રી પર નવ દિવસ આશ્રમમાં દુર્ગા સપ્તસતી અને નવાર્ણ મંત્રનો અખંડ હવન કરેલો. એ નવ દિવસ દરમિયાન લૌકિક શક્‍તિ ની અનુભૂતિ થયેલી જેનું વર્ણન  થઈ શકે તેમ નથી.  પણ એવું ચોક્કસ કહી શકાય કે જાણે ઈશ્વર સાથે વાતો કરી હોય તેવી અનુભૂતિ થઈ. દરેક સન્‍યાસી ઈશ્વર સાથે વાતો કરતા જ હોય. હું જયારે પણ સાધના કે મંત્રો જાપ કરતો હું ત્‍યારે એ શક્‍તિના દર્શન અચૂક થાય છે અને ઘણી વખત દર્શન થયા છે. મા દુર્ગા અને શિવના દર્શન થયા છે.

શિવનો સાક્ષાત્‍કાર થયો છે

શ્રી મારૂતિમાન ગિરિજી મહારાજ જયારે સંસારમાં હતા ત્‍યારે ૨૫ વર્ષ સતત દર સોમવારે ઇશ્વરિયા મહાદેવ ના દર્શન કરવા અચૂક જતા. કોઈપણ પરિસ્‍થિતિ હોય તેઓ મહાદેવના દર્શન કરવાનું ક્‍યારેય ચૂક્‍યા નથી. અને દર શ્રાવણ મહિનો આખો ઈશ્વરીયા મહાદેવના દર્શન કરવા જતા. આ નિયમ મુજબ એક વખત તેઓ મંદિરે દર્શન કરવા ગયા અને અતિ ભયંકર ઈલેક્‍ટ્રીક શોક લાગ્‍યો તેમ છતાં તેમનો વાળ પણ વાંકો થયો નહીં. એજ રીતે ઈશ્વરીયા મહાદેવ પહોંચવામાં ક્‍યારેય તેમને તકલીફ પડી નથી. શ્રાવણ મહિનાનો એક દિવસ હતો. મોડું થઈ ગયું હોય એટલે આરતીની ઉતાવળ હતી પણ ઈશ્વરીયા ગામ જતા ફાટક ક્રોસ કર્યું અને વાહનમાં પેટ્રોલ ખલાસ થઈ ગયું. તરત જ એક ભાઈ બજાજ સ્‍કૂટર લઇ તેમની પાછળ આવ્‍યા. એ ભાઈએ તેમના ખીસ્‍સા માંથી રૂમાલ કાઢી પેટ્રોલની ટાંકીમાં બોળ્‍યો અને મારા વાહનમાં નિચોવી દીધો. દર્શન કરી ફરી વખત પેટ્રોલ પંપ સુધી પહોંચું એટલું પેટ્રોલ તેમણે પુરી આપ્‍યું. હવે નળી વિના ટાંકિમાંથી રૂમાલ વડે પેટ્રોલ કઇ રીતે પૂરી શકાય?  મારો એ રોજનો રસ્‍તો તેમ છતાં એ ભાઈને મેં ફરી ક્‍યારેય ત્‍યાં જોયા નહીં.  એજ રીતે એક વખત હું મંદિરે દર્શન કરતો હતો અને પરત ફર્યો ત્‍યારે મારા વાહનની ચાવી ખોવાઇ ગઈ. અડધો કલાક સુધી પણ મળી નહીં અંતે ચાવી મળી. હું રાજકોટ પહોંચ્‍યો અત્‍યારે ખબર પડી કે અડધો કલાક પહેલા અહીં અનરાધાર વરસાદ હતો.

 હનુમાન જયંતિ નહિ પણ જન્‍મોત્‍સવ કહેવાય

સામાન્‍ય રીતે હનુમાનજીના જન્‍મ દિવસે આપણે હનુમાન જયંતિ કહીએ છીએ. મહારાજનું કહેવું હતું કે, હનુમાનજી હજી પણ આ પૃથ્‍વી પર છે. તેઓની જયંતિ નહિ જન્‍મોત્‍સવ કહેવું જોઇએ. એજ રીતે સમુદ્રમહન વખતે મહાલક્ષ્મીજીનું પ્રાગટ્‍ય થયું હોય ગર્ભમાંથી જન્‍મ થયો હોય મહાલક્ષ્મી પ્રાગટ્‍ય દિવસ કહેવું જોઇએ.

દશ મહાવિદ્યા પ્રાપ્ત કરવાની મારી ઈચ્‍છા છે

શ્રી મારૂતિમાન ગિરિજી મહારાજે જણાવ્‍યું હતું કે, સનાતન ધર્મની સર્વશ્રેષ્ઠ વિદ્યા છે દસ મહાવિદ્યા. મારે આ દસ મહાવિદ્યા પ્રાપ્ત કરવાની ઈચ્‍છા છે. જેમાં કદાચ હું ત્‍યાં સુધી પહોંચી ન પણ શકું. ૧૦ મહાવિદ્યા થી ઉપર કશું જ નથી. આ મહાવિદ્યાને સાધવી પડે અને તેમાં બે સાધના સુધી હું પહોંચી ગયો છું. મેં આ વિદ્યા પ્રાપ્તિ ગુરૂજી પાસેથી મેળવી છે. ૧૦ મહાવિદ્યા હજી સુધી કોઈને મળી નથી. થઈ કદાચ હું મહાવિદ્યા ને પ્રાપ્તિ કરી શકીશ પણ તેની સિદ્ધિ નહીં કરી શકું.  પ્રાપ્તિ અને સિદ્ધિ માં તફાવત છે. પ્રાપ્તિ એટલે મને જે વિદ્યા મળી છે તે હું લોકોને આપતો રહીશ જયારે સિદ્ધિ એટલે સ્‍વયં માટે મેળવેલી વિદ્યા જે કોઈને આપવાની હોતી નથી પણ ઈશ્વરના સંપર્કમાં રહેવાનું હોય છે.

: સંપર્ક :

શ્રી મારૂતિમાન ગિરિજી મહારાજ

ફોન :  ૯૨૨૭૭૪૪૦૦૪

વોટ્‍સએપ : ૭૬૯૮૬૮૮૦૯૯

(10:04 AM IST)