<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st May 2024

બિહારમાં ચૂંટણી પછીની હિંસા : બે પક્ષો વચ્‍ચે ગોળીબાર : એકનું મોત

બિહારની સારણ લોકસભા સીટ પર સોમવારે પાંચમા તબક્કાના મતદાન બાદ હિંસા : ગોળીબારમાં ત્રણ લોકોને ગોળી વાગી હતી : બે લોકો ગંભીર રીતે ઘાયલ : સારણમાં બનેલી આ ઘટના બાદ છપરાના ભીખારી ઠાકુર ચોક પાસે મોટી સંખ્‍યામાં પોલીસ તૈનાત કરવામાં આવી છે : એસપી અને ડીએમ પણ સ્‍થળ પર હાજર

પટના તાફ ૨૧ : બિહારની સારણ લોકસભા સીટ પર સોમવારે પાંચમા તબક્કાના મતદાન બાદ હિંસાનાં સમાચાર છે. રોહિણી આચાર્ય આ બેઠક પરથી રાષ્ટ્રીય જનતા દળના ઉમેદવાર છે. સોમવારે સાંજે મતદાન સમાપ્ત થયા બાદ તે જયાં પહોંચી હતી ત્‍યાં છાપરા શહેરના બૂથ પર ભારે હોબાળો થયો હતો.

આ મામલે વિવાદ વધતાં મંગળવારે સારણમાં બંને પક્ષો વચ્‍ચે ગોળીબાર થયો હતો, જેમાં ત્રણ લોકોને ગોળી વાગી હતી. આ ઘટનામાં એક વ્‍યક્‍તિનું મોત થયું હતું. બે લોકો ગંભીર રીતે ઘાયલ છે.

ઘટના બાદ છપરાના ભીખારી ઠાકુર ચોક પાસે મોટી સંખ્‍યામાં પોલીસ તૈનાત કરવામાં આવી છે. એસપી અને ડીએમ પણ સ્‍થળ પર હાજર છે. સોમવારે સાંજે આરજેડી ઉમેદવાર રોહિણી આચાર્ય આ વિસ્‍તારના બૂથ નંબર ૧૧૮ પર પહોંચ્‍યા હતા.

આ ઘટનાના સાક્ષી બનેલા એક સ્‍થાનિક નાગરિકે જણાવ્‍યું કે બંને બાજુથી ઘણા લોકો હતા. ઘણી ભીડ હતી. બંને તરફથી લોકો લાકડીઓ લઈને આવ્‍યા હતા. ગોળીઓ પણ છોડવામાં આવી હતી. ત્રણ લોકોને ગોળી વાગી છે.

સ્‍થાનિક લોકોનો આરોપ છે કે રોહિણી આચાર્યએ બૂથ પર પહોંચ્‍યા બાદ મતદારો સાથે ગેરવર્તણૂક કરી હતી, તેમના સમર્થકો પણ તેમની સાથે હતા. રોહિણી આચાર્યને રોષે ભરાયેલી ભીડને જોતા સ્‍થળ છોડવું પડ્‍યું હતું, પરંતુ મંગળવારે સવારે જયારે વિવાદ નવેસરથી વધ્‍યો ત્‍યારે ગોળીબાર થયો હતો.

આ ઘટના અંગે સારણના એસપી ગૌરવ મંગલાએ કહ્યું કે ગઈકાલે આરજેડી અને બીજેપીના કાર્યકરો વચ્‍ચે ઝઘડો થયો હતો. જેના જવાબમાં આજે કેટલાક લોકોએ ગોળીબાર કર્યો હતો. ત્રણ લોકોને ગોળી વાગી છે, જેમાંથી એકનું મોત થયું છે. બે લોકો હોસ્‍પિટલમાં દાખલ છે. જે લોકોએ આ ઘટનાને અંજામ આપ્‍યો હતો. તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે. થોડા સમય માટે ઈન્‍ટરનેટ પર પ્રતિબંધ રહેશે.

લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કા હેઠળ સોમવારે આઠ રાજયો અને કેન્‍દ્રશાસિત પ્રદેશોની ૪૯ બેઠકો પર મતદાન થયું હતું. આ તબક્કા હેઠળ બિહારની પાંચ સીટો પર મતદાન થયું હતું, જેમાં સીતામઢી, મધુબની, મુઝફફરપુર, સારણ અને હાજીપુરનો સમાવેશ થાય છે. બિહારમાં પાંચમા તબક્કામાં ૫૨.૯૩% મતદાન થયું હતું.

(10:37 AM IST)