<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st May 2024

લુણાવાડાના હિંદોલ્યામાં એક શખ્સને જાહેરમાં તાલિબાની સજા અપાઈ : વીડિયો વાયરલ થતાં 4 શખ્સો સામે ફરિયાદ

શખ્સનું અપહરણ કરીને દોરડા વડે બાંધી ઢોર માર મારવામાં આવ્યો

મહીસાગર જિલ્લાના લુણાવાડામાં એક શખ્સને તાલિબાની સજા આપવામાં આવી હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. શખ્સનું અપહરણ કરીને દોરડા વડે બાંધી ઢોર માર મારવામાં આવ્યો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત આ શખ્સને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. બનાવ અંગે શખ્સના પરિવાર દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવતા ચાર શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, મહિસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં આવેલા હિંદોલિયા ગામના ધુળાભાઈ માછી કોઇ કામ અર્થે ધાસવાડા ગયા હતા. જ્યાં કેટલાક ઇસમો દ્વારા અંગત અદાવત રાખીને છેતરીને તેમની જ કારમાં તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું. બાદમાં ધુળાભાઈને દોરડા વડે બાંધીને જાહેરમાં ઢોર માર મારી તાલીબાની સજા આપવામાં આવી હતી.

ગંભીર રીતે ઇજાગ્રસ્ત ધુળાભાઈને તેમના ગામમાં પરત મુકી આવ્યા હતા. માર મારવામાં આવ્યો હોય તેવો એક વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો થઇ ગયો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત ધુળાભાઈને તેમના પરિવારજનો દ્વારા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. લુણાવાડાની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેમને ગોધરા સિવિલ હોસ્પિટલ વધુ સારવાર અર્થે લઇ જવામાં આવ્યા હતા. સમગ્ર મામલે ધુળાભાઈના પરિવાર દ્વારા ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. જેના પગલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(1:42 PM IST)