<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st May 2024

ચેતજો..વજન ધીરે ધીરે ઘટાડવો જરૂરી : ઉતાવળ સ્‍વાસ્‍થ્‍ય માટે નુકશાનકારક

આઇસીએમઆરની ગાઈડલાઇન : સપ્‍તાહમાં અડધો કિલો ઘટાડવું હિતાવહ સ્‍થૂળતા ઓછી કરવાવાળી દવાઓ ટાળવાની પણ સલાહ

નવી દિલ્‍હી તા. ૨૧ : ઈન્‍ડિયન કાઉન્‍સિલ ઓફ મેડિકલ રિસર્ચ એ વજન ઘટાડવાનો પ્રયાસ કરતા લોકોને ઝડપી વજન ઘટાડવાની પદ્ધતિઓ અને સ્‍થૂળતા ઘટાડવાની દવાઓ લેવાથી બચવા ચેતવણી આપી છે. એક સાથે વધુ પડતું વજન ઓછું કરવું સ્‍વાસ્‍થ્‍ય માટે સારું નથી. દર અઠવાડિયે અડધો કિલોગ્રામ વજન ઘટાડવું સલામત છે. ICMRએ આ અંગે માર્ગદર્શિકા જાહેર કરી છે. આ મુજબ, વજન ઘટાડવાનો આહાર દરરોજ એક  હજાર કેલેરી કરતાં ઓછો ન હોવો જોઈએ. તેમાં તમામ પોષક તત્‍વો હોવા જોઈએ. ICMR એ વજન ઘટાડવા દરમિયાન શરીરને સ્‍વસ્‍થ રાખવા માટે આહારમાં તાજા શાકભાજી, આખા અનાજ, કઠોળ અને ફળોનો સમાવેશ કરવાનું સૂચન કર્યું છે. માર્ગદર્શિકામાં કહેવામાં આવ્‍યું છે કે મેદસ્‍વી લોકોએ ખાંડ, પ્રોસેસ્‍ડ ઉત્‍પાદનો અને ફળોના રસનું સેવન ટાળવું જોઈએ. નિયમિત શારીરિક પ્રવૃતિઓ અને યોગ વજન ઘટાડવાનો સારો માર્ગ છે.

ICMR માર્ગદર્શિકા અનુસાર, BMI (બોડી માસ ઇન્‍ડેક્‍સ) ૨૩ થી ૨૭.૫ કિલોની વચ્‍ચેનું વજન વધારે છે. શહેરોમાં પુખ્‍ત વયના ૩૦ ટકા, જયારે ગ્રામીણ વિસ્‍તારોમાં ૧૬ ટકા પુખ્‍ત વયના લોકોનું વજન વધારે છે. વધતી જતી ઉંમર સાથે આવા લોકોને અનેક ગંભીર રોગોનો શિકાર થવાનું જોખમ રહે છે. તેમને સુગરયુક્‍ત પીણાં મર્યાદિત કરવાની સલાહ આપવામાં આવી છે.

માર્ગદર્શિકામાં કહેવામાં આવ્‍યું છે કે પર્યાપ્ત લીલા શાકભાજી સાથે સંતુલિત આહારનો દૈનિક દિનચર્યામાં સમાવેશ કરવો જોઈએ. ફાઇબર અને પોષક તત્ત્વોથી ભરપૂર ખોરાક તૃષ્‍ણાને અટકાવશે અને વધારાની કેલરીની જરૂરિયાત ઘટાડશે. ઓછી કેલરી, વિટામિન, મિનરલ અને  ફાયબરયુક્‍ત આહાર વજન ઘટાડવામાં મદદ કરશે. આરોગ્‍યપ્રદ ખાદ્ય તેલનું સેવન કરો. ઓલિવ ઓઈલ સૌથી ફાયદાકારક માનવામાં આવે છે.

(1:49 PM IST)