News of Tuesday, 21st May 2024
દારૂ કૌભાંડ કેસ: દિલ્હી હાઈકોર્ટમાંથી મનીષ સિસોદિયાને મોટો ફટકો: ED અને CBI બંને કેસમાં જામીન અરજી ફગાવી
અગાઉ નીચલી કોર્ટે જામીન અરજી ફગાવી દીધી હતી મનીષ સીસોદીયા લગભગ 15 મહિનાથી તિહારમાં કેદ છે.

નવી દિલ્હી : દિલ્હી દારૂ કૌભાંડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાને મોટો ઝટકો લાગ્યો છે. દિલ્હી હાઈકોર્ટે ED અને CBI બંને કેસમાં તેની જામીન અરજી ફગાવી દીધી છે. જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્માની સિંગલ બેન્ચે આ નિર્ણય આપ્યો છે.
હાઈકોર્ટે બીજી વખત જામીન અરજી ફગાવી દીધી છે. સિસોદિયાએ ટ્રાયલમાં વિલંબના આધાર પર જામીન માંગ્યા હતા. હવે તે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરશે. આ પહેલા નીચલી કોર્ટે તેની જામીન અરજી ફગાવી દીધી હતી
સીબીઆઈ અને ઈડીએ ઓગસ્ટ 2022માં સિસોદિયા વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. CBIએ ગયા વર્ષે 26 ફેબ્રુઆરી 2023ના રોજ તેમની ધરપકડ કરી હતી અને તેમને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કર્યા હતા. જ્યાંથી કોર્ટે તેને પાંચ દિવસની સીબીઆઈ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. કોર્ટે 4 માર્ચે તેની કસ્ટડી વધુ બે દિવસ માટે લંબાવી હતી. 7 માર્ચે EDએ સિસોદિયાની લગભગ છ કલાક સુધી પૂછપરછ કરી હતી.
આ પછી 9 માર્ચે EDએ મની લોન્ડરિંગ કેસમાં તેની ધરપકડ કરી હતી. EDએ CBI FIRના આધારે આ કાર્યવાહી કરી હતી. 28 ફેબ્રુઆરીએ સિસોદિયાએ દિલ્હી કેબિનેટમાંથી રાજીનામું આપ્યું હતું. તેણે હાઈકોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. પરંતુ અરજીઓ નામંજૂર થતી રહી.
3 મેના રોજ સિસોદિયા જામીન માટે દિલ્હી હાઈકોર્ટ પહોંચ્યા હતા. અહીં તેની અરજી ફગાવી દેવામાં આવી હતી. આ પછી, તે 4 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, જ્યાં સુનાવણીની તારીખ 5 સપ્ટેમ્બર રાખવામાં આવી હતી પરંતુ તે દિવસે સુનાવણી ટાળી દેવામાં આવી હતી. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે 30 ઓક્ટોબરે જામીન અરજી ફગાવી દીધી હતી.
(9:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
