News of Tuesday, 21st May 2024
દેશમાં કોરોનાના નવા વેરિએન્ટની એન્ટ્રી: ગુજરાતમાં KP.1 અને KP.2ના 25 કેસ નોંધાયા :લોકોમાં વધી ચિંતા
અત્યાર સુધીમાં દેશમાં KP.1ના 34 અને KP.2ના 290 કેસ : સિંગાપુરમાં હાહાકાર મચાવનાર કોરોનાના નવા વેરિએન્ટ FLiRTના KP.1 અને KP.2 બે સ્ટ્રેન:આ બન્ને સ્ટ્રેન ઝડપથી વધી રહ્યાં છે

નવી દિલ્હી ;સિંગાપુરમાં હાહાકાર મચાવનાર કોરોના વાઈરસના નવા વેરિએન્ટ KP.1 અને KP.2એ ગુજરાત સહિત સમગ્ર દેશમાં માથું ઊંચકી રહ્યો છે. અત્યાર સુધીમાં દેશમાં KP.1ના 34 અને KP.2ના 290 કેસ સામે આવી ચૂક્યા છે.
આ અંગે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સુત્રોના જણાવ્યા મુજબ, આ તમામ કેસ JN-1ના સબ વેરિએન્ટ ટાઈપ છે. કોરોનાના નવા વેરિએન્ટમાં હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓ અને ગંભીર દર્દીઓમાં વધારો નથી થયો, જે એક રાહતની વાત છે. કોવિડના નવા વેરિએન્ટ KP.1 અને KP.2ના સામે આવી રહેલા કેસથી ગભરાવાની જરૂર નથી.
ભારતમાં KP.1ના 34 કેસ દેશના સાત રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં નોંધાયા છે. જે પૈકી સૌધી વધુ 23 પોઝિટિવ કેસ માત્ર પશ્ચિમ બંગાળમાંથી સામે આવ્યા છે. આ ઉપરાંત ગુજરાત-રાજસ્થાનમાં 2-2, ગોવા, હરિયાણા અને ઉત્તરાખંડમાં 1-1, મહારાષ્ટ્રમાં 4 કેસ નોધાયા છે.
આવી જ રીતે દેશમાં KP.2 વેરિએન્ટના 290 કેસ નોંધાયા છે. જે પૈકી સૌથી વધુ 148 કેસ તો એકલા મહારાષ્ટ્રમાં જ નોંધાયા છે. આ સિવાય ગુજરાતમાં 23, રાજસ્થાનમાં 21, ઓડિશામાં 17, ઉત્તરાખંડમાં 16, પશ્ચિમ બંગાળમાં 36, ગોવામાં 12, મધ્ય પ્રદેશ અને દિલ્હીમાં 1-2, હરિયાણામાં 3, ઉત્તર પ્રદેશમાં 8 અને કર્ણાટકમાં 4 કેસ સામે આવ્યા છે.
CDCના ડેટા અનુસાર, કોરોનાના નવા વેરિએન્ટ FLiRTના KP.1 અને KP.2 બે સ્ટ્રેન જ છે. આ બન્ને સ્ટ્રેન ઝડપથી વધી રહ્યાં છે. જે વ્યક્તિના શરીરમાં પ્રવેશીને સંક્રમણ વધારે છે. કોરોનાનો આ નવો વેરિએન્ટ ઓમિક્રોન જેવો જ છે, જે ઝડપથી લોકોમાં સંક્રમણ ફેલાવે છે.
જણાવી દઈએ કે, સિંગાપુરમાં કોરોનાની એક નવી લહેર જોવા મળી રહી છે. જ્યાં 5 થી 11 મે સુધીમાં 25,900થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી KP.1 અને KP.2ના બે તૃતિયાંશથી વધુ કેસ છે. સતત ફેલાઈ રહેલા સંક્રમણને જોતા સિંગાપુર સરકાર દ્વારા લોકોને ફરીથી માસ્ક પહેરવાની અપીલ કરવામાં આવી રહી છે.
(11:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
