News of Friday, 24th May 2024
કેરળમાં બેરોજગારી સૌથી વધુઃ દિલ્હીમાં સૌથી ઓછી
લેબર ફોર્સ સર્વેનો રિપોર્ટઃ ૨૨ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં દિલ્હી (૩.૧%) સિવાય સૌથી ઓછી બેકારીના દરવાળા રાજ્યોમાં ગુજરાત (૯%) અને હરિયાણા (૯.૫ %) : ૧૫ થી ૧૯ વય વર્ગમાં બેરોજગારી મામલામાં કાશ્મીર, તેલંગાણા, રાજસ્થાન અને ઓડિશા ટોચના ૫ રાજ્યોમાં સામેલ

નવી દિલ્હી,તા. ૨૪: PLFS એટલે કે સામયિક લેબર ફોર્સ સર્વેએ ૨૦૨૪ના પ્રથમ ત્રિમાસિક ગાળાના જાન્યુઆરીથી માર્ચ સુધીના ડેટા જાહેર કર્યા છે. આ દર્શાવે છે કે કેરળ ૧૫ થી ૨૯ વર્ષની વયજૂથમાં બેરોજગારીની બાબતમાં સૌથી આગળ છે અને દિલ્હીનો દર સૌથી ઓછો છે. આ કેટેગરીમાં એકંદરે બેરોજગારીનો દર ૧૭ ટકા હતો, જે ૨૦૨૩ના આ સમયગાળા કરતાં નજીવો ઓછો છે.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલમાં પ્રકાશિત PLFS ડેટા દર્શાવે છે કે જમ્મુ અને કાશ્મીર, તેલંગાણા, રાજસ્થાન અને ઓડિશા ૧૫ થી ૨૯ વય જૂથમાં બેરોજગારીના સંદર્ભમાં ટોચના ૫ રાજયોમાં છે. આ સમયગાળા દરમિયાન, તમામ વય જૂથોમાં બેરોજગારી લગભગ ૬.૭ ટકા રહી છે. જયારે ઓક્ટોબર-ડિસેમ્બરના છેલ્લા ત્રિમાસિક ગાળામાં આ આંકડો ૬.૫ ટકાની આસપાસ હતો.
૨૨ રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં દિલ્હી (૩.૧%) સિવાય સમગ્ર દેશની સ્થિતિ શું છે, ઓછા બેરોજગારી દર ધરાવતા રાજયોમાં ગુજરાત (૯%) અને હરિયાણા (૯.૫%)નો સમાવેશ થાય છે? આ સિવાય કર્ણાટકમાં આ આંકડો ૧૧.૫% હતો અને મધ્ય પ્રદેશમાં આ દર ૧૨.૧% હતો. અહીં, જમ્મુ અને કાશ્મીરમાં મહિલાઓમાં બેરોજગારીનો દર સૌથી વધુ ૪૮.૬ ટકા હતો.
જયારે કેરળમાં આ આંકડો ૪૬.૬ ટકા, ઉત્તરાખંડમાં ૩૯.૪ ટકા, તેલંગાણામાં ૩૮.૪ ટકા અને હિમાચલ પ્રદેશમાં ૩૫.૯ ટકા છે. જાન્યુઆરીથી માર્ચ ક્વાર્ટરમાં મહિલાઓમાં એકંદરે બેરોજગારીનો દર ૨૨.૭ ટકા હતો, જે ૨૦૨૩ના ૨૨.૯ ટકાના આંકડા કરતાં થોડો ઓછો હતો. PLFS દરેક ક્વાર્ટરમાં બેરોજગારી દરને માપે છે. બેરોજગારી દરની ગણતરી વર્તમાન સાપ્તાહિક સ્થિતિ એટલે કે CWCના આધારે કરવામાં આવે છે. આનો અર્થ એ છે કે જો કોઈ વ્યક્તિ અઠવાડિયાના કોઈપણ દિવસે એક કલાક પણ કામ ન કરે, પરંતુ કામ માટે શોધે અને ઉપલબ્ધ હોય, તો તેને બેરોજગાર ગણવામાં આવે છે.
(10:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
