News of Friday, 24th May 2024
મોબાઇલ પર બિનજરૂરી ફોન કે મેસેજ કરનારા નંબર મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં સામેલ થશે
સરકાર ઘડી રહી છે નવી ગાઇડલાઇન્સ : મોબાઇલ - ગ્રાહકોની સુરક્ષા માટે સરકાર જે નવો નિયમ લાવી રહી છે

નવી દિલ્હી તા. ૨૪ : મોબાઇલ ફોન પર કરવામાં આવતા બિનજરૂરી ફોનને મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં સામેલ કરવા માટે કેન્દ્ર સરકાર નવો નિયમ લાવી રહી છે. આમેય દેશમાં મોબાઇલ ફોનથી છેતરપિંડીના કેસ વધી રહ્યા છે અને લોકો બનાવટી ફોન અને મેસેજથી પરેશાન છે એટલે આ સમસ્યાનો ઉકેલ લાવવા સરકારે કમર કસી છે. મોબાઇલ-ગ્રાહકોની સુરક્ષા માટે સરકાર જે નવો નિયમ લાવી રહી છે એમાં બિનજરૂરી કોલ, પ્રમોશનલ કોલ અને મેસેજને અનફેર ટ્રેડ પ્રેક્ટિસિસમાં સામેલ કરવાની વિચારણા છે. આનું કારણ એ છે કે મોબાઇલ ફોનથી લોકોને છેતરવામાં આ પ્રકારના કોલ અને મેસેજની મહત્ત્વની ભૂમિકા રહે છે. આ નિયમો અમલમાં આવશે એ પછી આ પ્રકારે કોલ કરનારા કે મેસેજ મોકલનારા લોકોને ગ્રાહકોની સુરક્ષાના કાયદા હેઠળ જવાબદાર ગણવામાં આવશે.
ડિપાર્ટમેન્ટ ઓફ કન્ઝ્યુમર અફેર્સ આગામી થોડા મહિનામાં આ સંદર્ભની એક ગાઇડલાઇન તૈયાર કરશે. એમાં ટેલી-માર્કેટિંગ જેવાં કે બેન્ક, રિયલ એસ્ટેટ કંપનીઓ કે અન્ય ગ્રાહકલક્ષી કંપનીઓ દ્વારા પ્રમોશનલ કે પૈસાની લેણદેણ સાથે સંકળાયેલા મેસેજ મોકલવાના કેસમાં જવાબદારી નક્કી કરવાના નિયમો ઘડવામાં આવશે. આવું કરનારા લોકો સામે ક્રિમિનલ એક્ટિવિટી હેઠળ કાર્યવાહી કરવાની જોગવાઈ રાખવામાં આવશે.
આ સંદર્ભમાં એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘કયા પ્રકારના કોલ કે મેસેજને બનાવટી કે ખોટો કોલ ગણવો એની ગાઇડલાઇન તૈયાર થશે. એમાં એ પણ નક્કી કરવામાં આવશે કે પ્રમોશનલ કે કોઈ પણ પ્રકારની લેવડ-દેવડની બાબતને સાંકળતા કોલ અધિકૃત ચેનલથી કરવાના રહેશે અને આમ નહીં થાય તો એવા લોકો સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. એમાં પ્રમોશનલ અને બિનજરૂરી કોલ અને મેસેજને રેગ્યુલર નંબર સિરીઝથી મોકલી નહીં શકાય.'
ભારત SMS ફિશિંગ મામલે સૌથી મોટું માર્કેટ છે. ફિશિંગ એટલે કોઈનો સેન્સિટિવ ડેટા મેળવવાનો પ્રયાસ. આનું કારણ એ છે કે ભારતમાં મોબાઇલ-યુઝર્સની સંખ્યા વધુ છે અને ડેટાના માસિક દર પણ ઘણા ઓછા છે. એવું માનવામાં આવે છે કે દર ૧૨ મોબાઇલ-યુઝરમાંથી એકની સાથે દર મહિને ફિશિંગ થાય છે. અહીં દર મહિને ભારતીયોને ૧૨૦થી ૧૫૦ મિલ્યન ફિશિંગ મેસેજ મોકલવામાં આવે છે. આશરે ૩,૦૦,૦૦૦ લોકો સ્કેમિંગનો શિકાર બને છે, પણ માત્ર ૩૫,૦૦૦થી ૪૫,૦૦૦ લોકો જ તેમની સાથે થયેલી છેતરપિંડીનો ગુનો દાખલ કરાવે છે.
(11:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
