News of Friday, 24th May 2024
છઠ્ઠા તબક્કાની ચૂંટણીમાં ૩૩૮ ઉમેદવારો કરોડપતિઃ સાતમા તબક્કામાં સંખ્યા ૨૯૯
છઠ્ઠા તબક્કામાં ૨૧ ટકા ઉમેદવારો સામે ફોજદારી કેસ નોંધાયા છે, જયારે સાતમા તબક્કામાં ૨૨ ટકા ઉમેદવારો સામે ફોજદારી કેસ નોંધાયા છે : છઠ્ઠા તબક્કામાં ૩૩૨ ઉમેદવારોએ ૫ થી ૧૨મા ધોરણ વચ્ચેની તેમની શૈક્ષણિક લાયકાત જાહેર કરી છેઃ ૧૫૧ ઉમેદવારોએ માહિતી આપી છે કે તેમની સામે ગંભીર ગુનાહિત કેસ નોંધાયા છેઃ જયારે ૧૩ ઉમેદવારોને દોષિત ઠેરવવામાં આવ્યા છે

નવી દિલ્હી,તા. ૨૪ : લોકસભાની ચૂંટણીના છેલ્લા બે તબક્કાનું મતદાન થવાનું બાકી છે. છઠ્ઠા અને સાતમા તબક્કામાં ૫૭-૫૭ લોકસભા સીટો માટે મતદાન થવાનું છે. છઠ્ઠા તબક્કામાં ૫૭ બેઠકો પરથી ૮૬૯ ઉમેદવારો મેદાનમાં છે, જયારે સાતમા અને અંતિમ તબક્કામાં ૯૦૪ ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. હવે એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ અને નેશનલ વોચનો રિપોર્ટ આ બે તબક્કાની સીટો પરથી ચૂંટણી લડી રહેલા ઉમેદવારોને લઈને આવ્યો છે. આ રિપોર્ટ અનુસાર, છઠ્ઠા તબક્કામાં ૨૧ ટકા ઉમેદવારો સામે ફોજદારી કેસ નોંધાયા છે, જયારે સાતમા તબક્કામાં ૨૨ ટકા ઉમેદવારો સામે ફોજદારી કેસ નોંધાયા છે.
છઠ્ઠા તબક્કામાં ચૂંટણી લડી રહેલા ૮૬૯ ઉમેદવારોમાંથી ૮૬૬ ઉમેદવારોએ નોમિનેશન સમયે આપેલા એફિડેવિટનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. ૮૬૬ ઉમેદવારોમાંથી ૧૮૦ ઉમેદવારોએ માહિતી આપી છે કે તેમની સામે ફોજદારી કેસ નોંધાયા છે, જે લગભગ ૨૧ ટકા છે. ૧૪૧ એટલે કે લગભગ ૧૬ ટકા ઉમેદવારોએ માહિતી આપી છે કે તેમની સામે ગંભીર ગુનાહિત કેસ નોંધાયા છે. છ ઉમેદવારો સામે હત્યાના કેસ અને ૨૧ ઉમેદવારો સામે હત્યાના પ્રયાસના કેસ નોંધાયા છે. ૨૪ ઉમેદવારોએ એફિડેવિટમાં માહિતી આપી છે કે તેમની વિરુદ્ધ મહિલાઓ વિરુદ્ધ અપરાધો સંબંધિત કેસ નોંધાયેલા છે, જેમાંથી ત્રણ વિરુદ્ધ બળાત્કારના કેસ નોંધાયેલા છે.
૧૬ ઉમેદવારો સામે હેટ સ્પીચના આરોપમાં કેસ નોંધવામાં આવ્યા છે. રાજકીય પક્ષોની વાત કરીએ તો મુખ્ય પક્ષોમાં આમ આદમી પાર્ટીના પાંચમાંથી પાંચ, રાષ્ટ્રીય જનતા દળના ચારમાંથી ચાર, સમાજવાદી પાર્ટીના ૧૨માંથી નવ, ભારતીય જનતા પાર્ટી ના ૫૧ માંથી ૨૮ , AITC (મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસ)ના નવમાંથી ચાર, બીજેડીના છમાંથી બે અને કોંગ્રેસના ૨૫માંથી ૮ ઉમેદવારોએ પોતાની સામે ફોજદારી કેસ જાહેર કર્યા છે.
આરજેડીના ચારેય ઉમેદવારો સામે જયારે આમ આદમી પાર્ટીના પાંચમાંથી ચાર ઉમેદવારો, સપાના ૧૨માંથી નવ ઉમેદવારો, ભાજપના ૫૧માંથી ૧૮ ઉમેદવારો, AITCના નવમાંથી ત્રણ ઉમેદવારો, બીજેડીના છમાંથી બે ઉમેદવારો અને કોંગ્રેસના ૨૫માંથી છ ઉમેદવારો સામે ગંભીર ફોજદારી કેસમાં કેસ નોંધાયેલા છે.
છઠ્ઠા તબક્કાની ચૂંટણીમાં ૮૬૬માંથી ૩૩૮ ઉમેદવારો કરોડપતિ છે. બીજેડીના તમામ છ, આરજેડી અને જેડીયુના ચારેય ઉમેદવારો, ભાજપના ૫૧માંથી ૪૮ ઉમેદવારો, સપાના ૧૨માંથી ૧૧, કોંગ્રેસના ૨૫માંથી ૨૦ ઉમેદવારો કરોડપતિ છે. આમ આદમી પાર્ટીના પાંચમાંથી ચાર ઉમેદવારો અને AITCના નવમાંથી સાત ઉમેદવારોએ તેમના સોગંદનામામાં એક કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ હોવાની માહિતી આપી છે. છઠ્ઠા તબક્કામાં ચૂંટણી લડી રહેલા ઉમેદવારોની સરેરાશ સંપત્તિ ૬ કરોડ ૨૧ લાખ રૂપિયા છે.
રાજકીય પક્ષો મુજબ જોઇએ તો બીજેડીના ઉમેદવારોની સરેરાશ સંપત્તિ ૯૫.૬૯ કરોડ રૂપિયા પ્રતિ ઉમેદવાર છે. આમ આદમી પાર્ટીના ઉમેદવારોની સરેરાશ સંપત્તિ ૪૩.૩૪ કરોડ રૂપિયા, ભાજપના ઉમેદવારોની ૪૨.૨૧ કરોડ, આરજેડીના ઉમેદવારોની ૨૭.૬૩ કરોડ રૂપિયા છે. કોંગ્રેસના ઉમેદવારોની સરેરાશ સંપત્તિ રૂ. ૧૫.૧૩ કરોડ, સપાના ઉમેદવારોની રૂ. ૧૩.૫૬, AITC ઉમેદવારોની રૂ. ૮.૪૮ કરોડ અને જેડી(યુ)ના ઉમેદવારોની રૂ. ૪.૪૫ કરોડ છે.
હવે વાત કરીએ શૈક્ષણિક યોગ્યતાની તો છઠ્ઠા તબક્કામાં ૩૩૨ ઉમેદવારોએ ૫ માથી ૧૨મા ધોરણ વચ્ચેની તેમની શૈક્ષણિક લાયકાત જાહેર કરી છે. ૪૮૭ ઉમેદવારોએ તેમની શૈક્ષણિક લાયકાત ગ્રેજયુએશન અથવા તેથી વધુ જાહેર કરી છે જયારે ૨૨ ઉમેદવારો ડિપ્લોમા ધારક છે. ૧૨ ઉમેદવારોએ પોતાને માત્ર સાક્ષર જાહેર કર્યા છે અને ૧૩ ઉમેદવારો અભણ છે. ઉંમરની દ્રષ્ટિએ ૨૫ થી ૪૦ વર્ષની વચ્ચેના ૨૭૧ અને ૪૧ થી ૬૦ વર્ષની વચ્ચેના ૪૩૬ ઉમેદવારો મેદાનમાં છે. ૧૫૯ ઉમેદવારોની ઉંમર ૬૧ થી ૮૦ વર્ષની વચ્ચે છે. આ તબક્કામાં ૯૨ મહિલાઓ ચૂંટણી મેદાનમાં છે.
આ તો થઇ છઠ્ઠા તબક્કાના ઉમેદવારોની વાત. હવે આવીએ સાતમા તબક્કાના ઉમેદવારો પર તો સાતમા તબક્કાના ૯૦૪ ઉમેદવારોમાંથી ૧૯૯ ઉમેદવારો સામે ફોજદારી કેસ નોંધાયેલા છે. ૧૫૧ ઉમેદવારોએ માહિતી આપી છે કે તેમની સામે ગંભીર ગુનાહિત કેસ નોંધાયા છે. જયારે ૧૩ ઉમેદવારોને દોષિત ઠેરવવામાં આવ્યા છે, ચાર ઉમેદવારોએ સોગંદનામામાં માહિતી આપી છે કે તેમની સામે હત્યા, ૨૭ ઉમેદવારોએ હત્યાના પ્રયાસ અને ૧૩ ઉમેદવારો સામે મહિલાઓ વિરુદ્ધના ગુનાના કેસ નોંધાયેલા છે. તેમાંથી બે વિરૂદ્ધ બળાત્કારના કેસ નોંધાયેલા છે. ૨૫ ઉમેદવારોએ માહિતી આપી છે કે તેમની સામે હેટ સ્પીચનો કેસ નોંધવામાં આવ્યો છે.
રાજકીય પક્ષો અનુસાર, AITC પાસે નવમાંથી સાત, SP પાસે નવમાંથી સાત, CPI(M) પાસે આઠમાંથી પાંચ, SAD પાસે ૧૩માંથી આઠ, BJP પાસે ૫૧માંથી ૨૩, કોંગ્રેસ પાસે ૩૧માંથી ૧૨ ઉમેદવારો સામે ફોજદારી કેસ છે. આમ આદમી પાર્ટીના ૧૩ ઉમેદવારોમાંથી પાંચ, બીજેડીના છમાંથી બે, સીપીઆઈના સાતમાંથી બે અને બસપાના ૫૬માંથી ૧૩ ઉમેદવારોએ માહિતી આપી છે કે તેમની સામે ફોજદારી કેસ નોંધવામાં આવ્યા છે. SPમાંથી નવમાંથી છ, CPI(M)માંથી આઠમાંથી ચાર, BJPમાંથી ૫૧માંથી ૧૮, AITCમાંથી નવમાંથી ત્રણ, BJDમાંથી છમાંથી બે, SADમાંથી ૧૩માંથી ચાર, આમ આદમી પાર્ટીમાંથી ૧૩ ચાર ઉમેદવારો સામે ગંભીર ગુના નોંધાયેલા છે. કોંગ્રેસના ૩૧ ઉમેદવારોમાંથી સાત, બસપાના ૫૬માંથી ૧૦ ઉમેદવારો અને સીપીઆઈના સાતમાંથી એક ઉમેદવાર સામે ગંભીર ગુનાહિત કેસ નોંધાયેલા છે. સાતમા તબક્કામાં મુખ્ય રાજકીય પક્ષોએ લગભગ ૨૨ ટકા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે જેમની સામે ફોજદારી કેસ નોંધાયેલા છે. સાતમા તબક્કામાં ૯૦૪માંથી ૨૯૯ ઉમેદવારો કરોડપતિ છે. SAD ૧૩ માંથી ૧૩, આમ આદમી પાર્ટી ૧૩ માંથી ૧૩, SP ૯ માંથી ૯, BJD ૬ માંથી ૬, કોંગ્રેસ ૩૧ માંથી ૩૦, AITC ૯ માંથી ૮, BJP ૫૧ માંથી ૪૪, CPI (M)ના આઠમાંથી ચાર અને બીએસપીના ૫૬માંથી ૨૨ ઉમેદવારોએ સોગંદનામામાં ૧ કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ હોવાની માહિતી આપી છે. આ તબક્કામાં ચૂંટણી લડી રહેલા ઉમેદવારોની સરેરાશ સંપત્તિ રૂ. ૩.૨૭ કરોડ છે.
મુખ્ય પક્ષોની વાત કરીએ તો SAD ઉમેદવારોની સરેરાશ સંપત્તિ રૂ. ૨૫.૬૮ કરોડ છે, ભાજપના ઉમેદવારોની રૂ. ૧૮.૮૬ કરોડ, સપાના ઉમેદવારોની રૂ. ૧૪.૨૩ કરોડ અને કોંગ્રેસના ઉમેદવારોની સરેરાશ સંપત્તિ રૂ. ૧૨.૫૯ કરોડ છે. આમ આદમી પાર્ટીના ઉમેદવારોની સરેરાશ સંપત્તિ ૭.૬૨ કરોડ રૂપિયા છે, BJD ઉમેદવારોની સરેરાશ સંપત્તિ ૬.૬૧ કરોડ રૂપિયા છે, AITC ઉમેદવારોની સરેરાશ સંપત્તિ રૂપિયા ૪.૧૦ કરોડ છે, BSP ઉમેદવારોની સરેરાશ સંપત્તિ રૂપિયા ૨.૨૬ કરોડ છે. CPIM ઉમેદવારોની સરેરાશ સંપત્તિ રૂ. ૧.૧૮ કરોડ છે, જયારે CPI ઉમેદવારોની સરેરાશ સંપત્તિ રૂ. ૭૫.૦૪ લાખ છે.
(12:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
