News of Friday, 24th May 2024
ઘરમાં જે રોકડ રાખો છો તે અનધિકૃત હોય તો ૩૭ ટકા દંડ ચુકવવો પડશે
આવકવેરા વિભાગ દ્વારા દરોડામાં જે રકમ જપ્ત કરાય છે તે બિનહસાબી હોય છે

નવી દિલ્હી,તા. ૨૪: જો તમે વર્કિંગ વુમન છો અથવા તમારા પરિવારનું ધ્યાન રાખો છો, તો તમારે ઘરમાં રોકડ રાખવી જ જોઈએ. શકય છે કે તમે તમારી બચત રોકડમાં રાખો. પરંતુ શું તમે જાણો છો કે અમુક સંજોગોમાં ઘરમાં રોકડ રાખવાથી તમને ભવિષ્યમાં સમસ્યા થઈ શકે છે. જો કે તમારા સાચા દસ્તાવેજોના કારણે આ સમસ્યાથી બચી શકાય છે, પરંતુ આ માટે તમારે સાવધાન રહેવું પડશે અને સંપૂર્ણ તૈયારી રાખવી પડશે.
ભલે ભારત ડિજિટલ અર્થવ્યવસ્થાના લક્ષ્યને ઘણી હદ સુધી હાંસલ કરી રહ્યું હોય તેવું લાગે છે, પરંતુ પરંપરાગત રીતે ભારતીયો હંમેશા ઘરમાં રોકડ રાખે છે. મહિલાઓ ખાસ કરીને પોતાની બચત ઘરમાં જ રાખે છે. લોકો સમયની જરૂરિયાત મુજબ અને કટોકટીની સ્થિતિમાં રોકડની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ઘરે રોકડ રાખે છે.
આવી સ્થિતિમાં સવાલ એ ઊભો થાય છે કે શું મોદી સરકાર દ્વારા રોકડ રાખવાની કોઈ ઉપલી મર્યાદા નક્કી કરવામાં આવી છે. તો તેનો જવાબ આપતાં ટેકસ મામલાના નિષ્ણાત કન્સલ્ટન્ટ પ્રશાંત જૈન કહે છે કે આવી કોઈ મર્યાદા નથી.
ટેકસ નિષ્ણાતોના મતે, આવકવેરા કાયદામાં પણ કાયદેસરના નાણાં અંગે કોઈ જોગવાઈ અથવા કેપિંગ નથી. કોઈપણ વ્યકિત ઈચ્છે તેટલી રોકડ પોતાની પાસે, ઘરે કે ઓફિસમાં રાખી શકે છે, પરંતુ તેની સાથે એક કેશ છે, જે અમે તમને આગળ જણાવવા જઈ રહ્યા છીએ.
અવારનવાર આપણે સમાચારોમાં સાંભળીએ છીએ કે કોઈ અમલદાર કે અધિકારીના ઘર કે ઓફિસ પર દરોડા પાડવામાં આવ્યા હતા અને રોકડ જપ્ત કરવામાં આવી હતી. રિકવર કરાયેલી રોકડ અનધિકૃત રોકડ છે જેના પર પ્રશ્નો ઉભા થયા છે. તેવામાં તમને પણ દરેક વખતે કેટલાક સવાલ થતાં હશે.
આવકવેરા વિભાગ દ્વારા પાડવામાં આવેલા દરોડામાં માત્ર તે જ રોકડ જપ્ત કરવામાં આવી છે જેની આવકનો સ્ત્રોત અનધિકૃત છે. કેટલાક કિસ્સામાં સંબંધિત વ્યકિતઓની ધરપકડ પણ કરવામાં આવે છે. મુખ્ય વાત એ છે કે રોકડ કયાંથી આવી તેનો જવાબ તમારી પાસે હોવો જોઈએ, આ પુરાવા તરીકે તમારી પાસે હોવો જોઈએ.
તમે તમારી રોકડના સ્ત્રોતને સમજાવી શકવા જોઈએ અને માહિતી આપી શકવા જોઈએ. આ સ્ત્રોત કાયદેસર હોવો જોઈએ અને તેમાં કોઈપણ પ્રકારની કરચોરી ન હોવી જોઈએ. જો કે, જો તમે રિકવર થયેલી રોકડ રકમ અને તેના ભંડોળના સ્ત્રોતને જાહેર કરવામાં અસમર્થ છો, તો આ રકમના ૧૩૭ ટકા સુધીનો ટેકસ તમારા પર લાદવામાં આવી શકે છે.
આનો અર્થ એ છે કે તમારી પાસે જે પણ રોકડ છે તે ટેકસ વિભાગ દ્વારા જપ્ત કરી શકાય છે અને તેના ઉપર તમારે દંડ તરીકે ૩૭ ટકા વધુ ચૂકવવા પડી શકે છે. એટલે એટલું તો સ્પષ્ટ છે કે તમારે ઘરમાં કેટલા રુપિયા પડ્યા છે તેનાથી સરકારને કોઈ લેવાદેવા નથી જોકે શરત એટલી કે તે રુપિયા કઈ રીતે કમાયા અને તેના પર ટેકસ ભર્યો કે નહીં આ દરેક બાબતની માહિતી તમારી પાસે હોવી જોઈએ.
(ડિસ્કલેમરઃ અહીં આપવામાં આવેલ કાયદાકીય સલાહ અને જાણકારી ફકત પ્રાથમિક અને સામાન્ય જાણકારીના હેતુસર છે. કોઈપણ નિર્ણય લેતા પહેલા કાયદાના જાણકાર અને તમારા વકીલની સલાહ લેવી જરુરી છે.)
(4:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
