<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th May 2024

હિટ એન્ડ રન કેસ પછી પૂણેમાં ફર્યુ બુલડોઝર : ૫૦ થી વધારે રેસ્ટોરન્ટનો ભૂકકો બોલાવાયો

 

પૂણે : પૂણેમાં પોર્શ કાર થી ૨ યુવા એન્જીનીયરોને કચડી નાખવાના કેસમાં પોલીસ પછી હવે પૂણે મ્યુનિસીપલ  કોર્પોરેશન(પીએમસી)પણ હરકતમાં આવ્યું છે.પીએમસીએ શહરભરમાં  રૂફટોપ પબ, કલબ, હોટલ અને રેસ્ટોરંટના અનધિકૃત બાંધકામ વિરૂધ્ધ અભિયાન છેડયું છે.જો કે સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે કોર્પોરેશનને પહેલા સાંઠ ગાંઠથી આની સામે આંખ આડા કાન કર્યા અને હવે કલ્યાણી નગર હીટ એન્ડ રન કાંડ પછી દેખાડા માટે કાયવાહી કરી રહયું છે.

રિર્પોટસ અનુસાર, બુધવારે પીએમસીએ પોતાની કાર્યવાહી તેજ કરીને ત્રણ મુખ્ય પબ સહિત કુલ ૫૪ રેસ્ટોરન્ટ, પબ,કલબોને તોડી નાખી.પીએમસીએ કુલ ૫૪૩૦૦ અરસ ફુટના અનધિકૃત બાંધકામો જમીનદોસ્ત કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે રવિવારે સવારે ૧૭ વર્ષ આઠ મહિનાના છોકરાએ પોર્શેકારથી કલ્યાણીનગર જંકશન નજીક બાઈકસવાર બે સોફટવેર એન્જીનીયરો અનીસ અહુદીયા (૨૪) અને અશ્વિની કોસ્ટા (૨૪) ને  ગંભીર રીતે ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે બન્નેના મોત ઘટનાસ્થળે  જ થઇ ગયા હતા. ઘટના સમયે આ કાર નામી રીયલ એસ્ટેટ ધંધાર્થી  વિશાલ અગ્રવાલનો સગીર પુત્ર કથિત રીતે દારૂના નશામાં ચલાવી રહયો હતો. પૂણે પોલીસે  આરોપી છોકરાના પિતાની પોતાની કાર સગીર પુત્રને આપવાના આરોપમાં ધરપકડ કરી હતી. સાથે જ જે પબ–બારમાં આ સગીર છોકરાએ દારૂ પીધો હતો તેના માલિક, મેનેજરની ધરપકડ કરીને બાર સીલ કરી દીધો હતો. વિશાલ અગ્રવાલને ૨૪ મે સુધી પોલીસ કસ્ટડીમાં મોકલ્યો છે.

(4:43 PM IST)