<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th May 2024

મુકેશ અંબાણીથી એક જ ક્રમ પાછળ છે ગૌતમ અદાણી

શેરબજારની તેજીની વચ્ચે ઉદ્યોગપતિની નેટવર્થમાં વધારોઃએક સપ્તાહમાં સંપત્તિ ૯ બિલિયન ડોલર વધી

મુંબઈ, તા.૨૪

શેરબજારમાં તેજીની વચ્ચે ભારતીય ઉદ્યોગપતિઓની નેટવર્થમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા થોડા દિવસોમાં અદાણી ગ્રુપની કંપનીઓના શેરમાં  તેજી જોવા મળી છે. જેનો સીધો ફાયદો અદાણીની નેટવર્થમાં થયો છે. તાજેતરના બ્લૂમબર્ગ બિલેનિયર ઈન્ડેક્સના જણાવ્યા મુજબ છેલ્લા એક સપ્તાહમાં ગૌતમ અદાણીની સંપત્તિ ઝડપથી વધી છે. પહેલા તેમણે ૧૦૦ બિલિયન ડોલર ક્લબમાં બીજી વખત એન્ટ્રી મારી અને હાલ તેમની નેટવર્થ ૧૦૯ બિલિયન ડોલર છે. એટલે કે એક સપ્તાહમાં અદાણીની સંપત્તિમાં ૯ બિલિયન ડોલરનો વધારો થયો છે.

બ્લૂમબર્ગની અબજોપતિઓની યાદીમાં ગૌતમ અદાણી હાલમાં ૧૩મા ક્રમે છે. મુકેશ અંબાણી તેમનાથી માત્ર એક ડગલું આગળ છે. હાલમાં મુકેશ અંબાણી એશિયાના સૌથી અમીર વ્યક્તિ છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની નેટવર્થ લગભગ ઇં૧૧૪ બિલિયન છે. અબજોપતિઓની યાદીમાં ગૌતમ અદાણી સંપત્તિમાં મુકેશ અંબાણી કરતાં લગભગ ૫ અબજ ડોલર પાછળ છે.

જો રેક્નની વાત કરીએ તો બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સમાં મુકેશ અંબાણી ૧૨મા સ્થાને છે જ્યારે ગૌતમ અદાણી ૧૩મા સ્થાને છે. તમને જણાવી દઈએ કે, આ અઠવાડિયે અદાણી ગ્રુપની તમામ ૧૦ કંપનીઓના શેરમાં ઉછાળો જોવા મળ્યો હતો. જોકે, શુક્રવારે ટ્રેડિંગ સપ્તાહના છેલ્લા દિવસે અદાણી ગ્રુપની કંપનીઓના શેરમાં થોડું દબાણ જોવા મળી રહ્યું છે. રેકોર્ડ ઉંચી સપાટીએ પહોંચ્યા બાદ શેરબજારમાં પણ પ્રોફિટ બુકિંગનો દબદબો છે.

બર્નાર્ડ આર્નોલ્ટ બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સમાં ટોચ પર છે, તેમની કુલ સંપત્તિ ઇં૨૧૧ બિલિયન છે, જેફ બેઝોસ બીજા સ્થાને છે, ટેસ્લાના વડા એલોન મસ્ક ત્રીજા સ્થાને છે, માર્ક ઝકરબર્ગ ચોથા સ્થાને છે, લેરી પેજ ૫માં સ્થાને છે. બિલ ગેટ્સ તેના છઠ્ઠા નંબર પર એક સ્થાન પાછળ છે.ઉલ્લેખનીય છે કે શુક્રવારે શેરબજારમાં નવો રેકોર્ડ બન્યો છે. સેન્સેક્સે ૭૫૫૦૦નો આંકડો પાર કર્યો છે, જ્યારે નિફ્ટીએ ૨૩૦૦૪ પોઈન્ટનો રેકોર્ડ સ્પર્શ કર્યો છે.

(7:51 PM IST)