News of Friday, 24th May 2024
પશ્ચિમ બંગાળમાં ૨૬ મેના રોજ રિમલ સર્જી શકે છે ભારે તારાજી
પશ્ચિમ બંગાળમાં વાવાઝોડાનો મોટો ખતરોઃપશ્ચિમ બંગાળના કેટલાક જિલ્લાઓમાં ૮૦ થી ૧૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાશે

નવી દિલ્હી, તા.૨૪
પ્રી મોનસૂન સિઝનમાં બંગાળની ખાડીમાં મોટાભાગે વાવાઝોડું આવતું હોય છે. આ વખતે હવામાન વિભાગે ૨૬ મેના રોજ રિમલ વાવાઝોડું આવવા અંગેની વાત કહી છે. જોકે આ વખતે વાવાઝોડું ચૂંટણી દરમિયાન પશ્ચિમ બંગાળમાં ત્રાડવ મચાવી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ વાવાઝોડું રિમલ ૨૬ મેના રોજ ૧૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સાથે બાંગ્લાદેશ સાથે અથડાશે.
આ સમયગાળા દરમિયાન બંગાળના કેટલાક જિલ્લાઓમાં ૮૦ થી ૧૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાશે. બંગાળની ખાડીમાં વિકસતું આ વાવાઝોડું ૨૫ મેના રોજ ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ જશે અને ૨૬ મેના રોજ સવારે ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ જશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પશ્ચિમ બંગાળના મિદનાપુર, દક્ષિણ ૨૪ પરગણા, ઉત્તર ૨૪ પરગનામાં આ ચક્રવાતની ભારે અસર પડશે.
આ જિલ્લાઓમાં ૨૫મીથી ૪૦થી ૫૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે અને ૨૬મીએ પવનની ઝડપ ૮૦થી ૧૦૦ કિલોમીટરની વચ્ચે રહેશે. આવી સ્થિતિમાં વ્યાપક નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે.
આ સિવાય હવામાન વિભાગ દ્વારા કોલકાતા, હાવડા, નાદિયા અને ઝારગ્રામ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. માછીમારોને દરિયામાં જવાની મનાઈ ફરમાવવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ૨૬મીએ બાંગ્લાદેશમાં લેન્ડફોલ થયા બાદ પણ પશ્ચિમ બંગાળમાં ૨૭મી સુધી ભારે વરસાદ અને તેજ પવન ચાલુ રહેશે.
તમને જણાવી દઈએ કે સામાન્ય રીતે હિંદ મહાસાગરમાં પ્રી-મોનસૂન અને ચોમાસા દરમિયાન તોફાનો આવે છે. આ વાવાઝોડું અરબી સમુદ્ર અથવા બંગાળની ખાડી ઉપર બને છે. આ વર્ષે પ્રિ-મોન્સૂનમાં એટલે કે એપ્રિલ અને જૂન વચ્ચે વાવાઝોડાની શક્યતા ઓછી હતી. જો કે આ વખતે ચોમાસામાં ભારે તોફાન આવવાના છે. ગયા વર્ષે ૨૦૨૩ માં, બંગાળની ખાડી પર એક અત્યંત તીવ્ર ચક્રવાતી વાવાઝોડું 'મોચા' આવ્યું હતું. લાંબી દરિયાઈ મુસાફરી પછી, વાવાઝોડું મ્યાનમાર તરફ આગળ વધ્યું અને ૧૪ મે ૨૦૨૩ ના રોજ સિત્તવે નજીકના દરિયાકાંઠાને પાર કર્યું. જો કે, પ્રિ-મોન્સુન તોફાનો એપ્રિલ કરતાં મે મહિનામાં વધુ વાર આવે છે અને તેમની સંખ્યા અરબી સમુદ્ર કરતાં બંગાળની ખાડી પર વધારે છે.
(8:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
