<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th May 2024

કાળઝાળ ગરમીની અસરઃ છઠ્ઠા તબક્કામાં બપોર સુધીમાં ધીમુ મતદાન

રાષ્‍ટ્રપતિ-ઉપરાષ્ટ્રપતિએ કર્યું મતદાન : ૮૮૯ ઉમેદવારો મેદાનમાં : અનેક દિગ્‍ગજોનું ભાવિ ઇવીએમમાં કેદ : પ.બંગાળમાં મહદ અંશે હિંસાની સાથે સૌથી વધુ મતદાન :૮ રાજ્‍યોમાં ૫૮ બેઠકો ઉપર મતદાન : પ. બંગાળમાં સૌથી વધુ તો પાટનગર દિલ્‍હીમાં મતદાનમાં સુસ્‍તી નજરે પડી

નવી દિલ્‍હી તા. ૨૫ : લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં દિલ્‍હીની તમામ સાત બેઠકો સહિત છ રાજયો અને બે કેન્‍દ્રશાસિત પ્રદેશોની ૫૮ બેઠકો માટે આજે મતદાન થઈ રહ્યું છે. બપોર સુધીમાં અંદાજે ૫૦ થી ૫૫ ટકા મતદાન થયું છે. સૌથી વધુ પશ્ચિમ બંગાળમાં અત્‍યાર સુધીમાં અંદાજે ૬૦ ટકા થી વધુ મતદાન થયું છે. સવારથી જ ઠેર ઠેર લાંબી લાઈનો જોવા મળી હતી. બિહારમાં ૫૦ ટકા, હરિયાણામાં ૪૫ ટકા,જમ્‍મુ કાશ્‍મીરમાં ૪૩ ટકા, જારખંડમાં ૫૦ ટકા, દિલ્‍હીમાં ૪૫ ટકા, ઓડિશામાં ૪૫ ટકા થી વધુ, યુપીમાં ૪૭ ટકા, પશ્ચિમબંગાળમાં ૬૦ ટકાથી વધુ મતદાન થયું છે. આ દરમિયાન બંગાળમાંથી હિંસાના સમાચાર સામે આવ્‍યા છે. PDP ચીફ અને અનંતનાગ-રાજૌરી લોકસભા સીટના ઉમેદવાર મહેબૂબા મુફતીએ જમ્‍મુ અને કાશ્‍મીરના અનંતનાગમાં પાર્ટીના નેતાઓ અને કાર્યકરો સાથે વિરોધ કર્યો. જયારે દિલ્‍હીમાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ સોનિયા ગાંધી સાથે મતદાન કર્યું હતું.

લોકસભા ચૂંટણી ૨૦૨૪ના છઠ્ઠા તબક્કા માટે મતદાન ચાલી રહ્યું છે. આ દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, કેન્‍દ્રીય મંત્રી હરદીપ પુરી, વિદેશ મંત્રી એસ. જયશંકર, સાંસદ ગૌતમ ગંભીર, નવી દિલ્‍હી સીટના ભાજપના ઉમેદવાર બાંસુરી સ્‍વરાજ સહિત અનેક દિગ્‍ગજોએ વહેલી સવારે મતદાન કર્યું હતું. સૌએ મતદારોને ઉત્‍સાહભેર મતદાન કરી લોકશાહીના પર્વમાં સહયોગ આપવા અપીલ કરી છે. વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ પણ લોકોને છઠ્ઠા તબક્કા માટે મોટી સંખ્‍યામાં મતદાન કરવાની અપીલ કરી છે. આ સમયગાળા દરમિયાન સાત રાજયો અને એક કેન્‍દ્રશાસિત પ્રદેશની કુલ ૫૮ બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. રોબર્ટ વાડ્રા અને પ્રિયંકા ગાંધીના બાળકો મિરાયા વાડ્રા અને પુત્ર રેહાન વાડ્રાએ પણ આજે મતદાન કર્યું હતું. છઠ્ઠા તબક્કામાં, ૮૮૯ ઉમેદવારોની વિશ્વસનીયતા દાવ પર છે

વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ X પર લોકોને પોતાનો મત આપવા અપીલ કરી છે. તેમણે પોતાની પોસ્‍ટમાં લખ્‍યું, ‘હું તમામ લોકોને વિનંતી કરૂં છું કે જેઓ ૨૦૨૪ની લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં મતદાન કરી રહ્યા છે તેઓ મોટી સંખ્‍યામાં મતદાન કરે. દરેક મતની ગણતરી થાય છે, લોકશાહી ત્‍યારે ખીલે છે જયારે તેના લોકો ચૂંટણી પ્રક્રિયામાં રોકાયેલા અને સક્રિય હોય છે. હું ખાસ કરીને મહિલા મતદારો અને યુવા મતદારોને મોટી સંખ્‍યામાં મતદાન કરવા વિનંતી કરૂં છું.'

કેન્‍દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી અને તેમના પત્‍ની લક્ષ્મી પુરીએ મતદાન કર્યું. હરિયાણાના પૂર્વ સીએમ અને કરનાલથી ભાજપના ઉમેદવાર મનોહર લાલ ખટ્ટરે પોતાનો મત આપ્‍યો. મત આપ્‍યા બાદ ખટ્ટરે કહ્યું કે મેં મારો મત આપ્‍યો છે. હું લોકોને લોકશાહીના આ પર્વમાં ભાગ લેવાની અપીલ કરું છું અને ભાજપ પક્ષને મત આપવા પણ અપીલ કરું છું. કોંગ્રેસના ઉમેદવાર મારા માટે પડકાર નથી.

પશ્ચિમ બંગાળના તામલુકમાં તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરને માર મારવામાં આવ્‍યો છે. તૃણમૂલ કોંગ્રેસે આની પાછળ ભાજપનો હાથ હોવાનો આરોપ લગાવ્‍યો છે બેઠક આ સિવાય ઓડિશાની ૪૨ વિધાનસભા સીટો પર પણ મતદાન થઈ રહ્યું છે.

છઠ્ઠા તબક્કામાં ઘણા દિગ્‍ગજ નેતાઓ મેદાનમાં છે. આમાંથી ત્રણ કેન્‍દ્રીય મંત્રી ધર્મેન્‍દ્ર પ્રધાન, કૃષ્‍ણ પાલ સિંહ ગુર્જર અને રાવ ઈન્‍દ્રજીત સિંહ મેદાનમાં છે. ત્રણ પૂર્વ મુખ્‍યમંત્રીઓ મહેબૂબા મુફતી, મનોહર લાલ ખટ્ટર અને જગદંબિકા પાલ પણ ચૂંટણી લડી રહ્યા છે. આ સિવાય મનોજ તિવારી, મેનકા ગાંધી, નવીન જિંદાલ, બંસુરી સ્‍વરાજ, સંબિત પાત્રા, રાજ બબ્‍બર, નિરહુઆ પણ પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. જયારે મનોજ તિવારીની સામે કન્‍હૈયા કુમાર મેદાનમાં છે. ચૂંટણી પંચના જણાવ્‍યા અનુસાર છઠ્ઠા તબક્કાની ચૂંટણીમાં ૮૮૯ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. જેમાં ૭૯૭ પુરૂષ અને ૯૨ મહિલા ઉમેદવારો છે.

છઠ્ઠા તબક્કાના મતદાન માટે ૧.૧૪ લાખ મતદાન મથકો પર ૧૧.૪ લાખ મતદાન અધિકારીઓ તૈનાત કરવામાં આવ્‍યા છે. ૧૧.૧૩ કરોડથી વધુ મતદારો ચૂંટણી લડી રહેલા ૮૮૯ ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરશે. આ મતદારોમાં ૫.૮૪ કરોડ પુરૂષો, ૫.૨૯ કરોડ મહિલાઓ અને ૫,૧૨૦ અન્‍ય મતદારોનો સમાવેશ થાય છે. છઠ્ઠા તબક્કા માટે ૮૫ વર્ષથી વધુ ઉંમરના ૮.૯૩ લાખથી વધુ નોંધાયેલા મતદારો અને ૧૦૦ વર્ષથી વધુ ઉંમરના ૨૩,૬૫૯ મતદારો છે. ૯.૫૮ લાખ વિકલાંગ મતદારો છે, જેમને તેમના ઘરની આરામથી મતદાન કરવાનો વિકલ્‍પ આપવામાં આવ્‍યો છે.

(3:13 PM IST)