<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th May 2024

ભાજપ ૨૪૦ થી ૨૬૦ સીટ જીતી શકે છે : સહયોગી પક્ષો ૩૫ થી ૪૫

PK બાદ વધુ એક દિગ્‍ગજની ભવિષ્‍યવાણી...કોંગ્રેસને ૮૫થી ૧૦૦ સીટ અને ઈન્‍ડિયા એલાયન્‍સને ૧૨૦ થી ૧૩૫ સીટ એનડીએનો આંકડો ૨૭૫ થી ૩૦૫ની વચ્‍ચે પહોંચી જશે, જે સરકાર બનાવવા માટે પૂરતો હશે

નવી દિલ્‍હી, તા.૨૫: પ્રશાંત કિશોર બાદ હવે ચૂંટણી વિશ્‍લેષકમાંથી રાજકારણમાં આવેલા યોગેન્‍દ્ર યાદવે પણ આ ચૂંટણીમાં ભાજપને કેટલી સીટ મળશે એ બાબતે આગાહી કરી છે. પ્રશાંત કિશોરે પણ યોગેન્‍દ્ર યાદવની આગાહીને સમર્થન આપતા કહ્યું હતું કે, ‘યાદવના મતે ભાજપ ૨૪૦ થી ૨૬૦ સીટ જીતી શકે છે. આ સિવાય ભાજપના સહયોગી પક્ષો ૩૫ થી ૪૫ સીટ જીતી શકે છે. આવી સ્‍થિતિમાં એનડીએનો આંકડો ૨૭૫ થી ૩૦૫ની વચ્‍ચે પહોંચી જશે, જે સરકાર બનાવવા માટે પૂરતો હશે.'

પ્રશાંત કિશોરે સોશિયલ મીડિયા પર લખ્‍યું, ચૂંટણી અને સામાજિક-રાજકીય મુદ્દાઓને ઊંડાણપૂર્વક સમજનારા લોકોમાંથી એક યોગેન્‍દ્ર યાદવે પણ પોતાનું વિશ્‍લેષણ શેર કર્યું છે. તેમણે ૨૦૨૪ની લોકસભા ચૂંટણી માટે ભવિષ્‍યવાણી કરી છે. તેમના મતે ભાજપને ૨૪૦થી ૨૬૦ બેઠકો મળી શકે છે. તે જ સમયે, એનડીએમાં તેના સાથી પક્ષો પણ ૩૫ થી ૪૫ બેઠકો જીતી શકે છે. આવી સ્‍થિતિમાં ભાજપ પાસે ૨૭૫થી ૩૦૫ બેઠકો હશે. દેશમાં સરકાર બનાવવા માટે ૨૭૨ સીટ જરૂરી છે. આ લોકસભામાં ભાજપ પાસે ૩૦૩ અને એનડીએ પાસે ૩૨૩ સીટ છે. શિવસેનાએ એનડીએનો હિસ્‍સો રહીને પણ ૧૮ સીટ જીતી હતી.

યોગેન્‍દ્ર યાદવે કોંગ્રેસને ૮૫ થી ૧૦૦ સીટ અને ઈન્‍ડિયા એલાયન્‍સને ૧૨૦ થી ૧૩૫ સીટ આપી છે. ૨૦૧૯ની સામાન્‍ય ચૂંટણીમાં કોંગ્રેસને માત્ર ૫૨ સીટ મળી હતી. પ્રશાંત કિશોરે એક ઈન્‍ટરવ્‍યુમાં કહ્યું હતું કે ભાજપ બહુમતનો આંકડો સરળતાથી હાંસલ કરશે. તેમણે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી અને તેમની સરકાર પ્રત્‍યે અસંતોષનું કોઈ મોટું કારણ નથી.

(4:05 PM IST)