<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th May 2024

રાજકોટમાં ગેમઝોનના અગ્નિકાંડમાં મોટી બેદરકારી: ફાયર NOC જ નહોતું : ફાયર સેફ્ટીના સાધનો માત્ર શોભાના ગાંઠિયા સમાન

ગેમઝોનનું આજદિન સુધી ફાયર સેફ્ટીની અરજી જ કરાઈ નથી::ફાયર સેફ્ટીના સાધનોનું ઈન્સ્ટોલેશન જ કરેલ નથી. ત્યારે ફેબ્રિકેશનનું બાંધકામ કેવી રીતે ખડકી દેવાયું: માસૂમોની જિંદગી સાથે આટલો મોટો ખેલ ખેલવાનો પરવાનો કોણે આપ્યો

રાજકોટમાં ગેમઝોનમાં આગનું તાંડવ સર્જાયુ અને ફરી એકવાર આગની આ ઘટનામાં સૌથી મોટી બેદરકારી સામે આવી, આ અગ્નિકાંડમાં ગેમઝોનમાં રહેલા ફાયર સેફ્ટીના સાધનો શોભાના ગાંઠિયા સમાન હોવાનું સામે આવ્યુ છે. તો બીજી તરફ ગેમઝોનમાં ફાયર NOC જ ન હતુ

રાજકોટમાં વેકેશનની મજા માણતા 12 બાળકો સહિત 24 લોકોની જિંદગી આગમાં ભૂંજાઈ ગઈ. પરિવારજનોને તો એ પણ નથી ખબર કે પોતાના બાળકોના મૃતદેહ ક્યાં છે. આગ એટલી વિકરાળ હદે ફેલાઈ હતી કે હવે એ માતાપિતા એમના બાળકોના મૃતદેહને પણ ઓળખી નહીં શકે. 

  આગની આ ઘટનામાં માત્ર ગેમઝોનના માલિક જ નહીં તંત્રની પણ સૌથી મોટી બેદરકારી સામે આવી છે. TRP ગેમઝોનમાં ફાયર NOC જ ન હોવાનો મોટો ખુલાસો થયો છે. એટલું જ નહીં કેટલાય સમયથી ચાલતા આ ગેમઝોનનું આજદિન સુધી ફાયર સેફ્ટીની અરજી જ કરાઈ ન હતી.

ફાયર NOC વિના આ ગેમઝોન કોની રહેમનજરથી ધમધમી રહ્યુ હતુ! માસૂમોની જિંદગી સાથે આટલો મોટો ખેલ ખેલવાનો પરવાનો કોણે આપ્યો. જે નિર્દોષ માસૂમો જે બે ઘડીની મજા માણવા માટે ગેમઝોનમાં ગયા હતા તેમને ક્યા ખબર હતી નઘરોળ તંત્રના પાપે તેમને જિંદગીથી હાથ ધોવાનો વારો આવશે.

 

તંત્રની બેદરકારીની હદ તો એ છે કે ગેમઝોનમાં રહેલા ફાયર સેફ્ટીમા સાધનો માત્ર શોભાના ગાંઠિયા સમાન હોવાનું સામે આવ્યું છે. છેલ્લા કેટલાય સમયથીઆ ગેમઝોન ધમધમે છે અને NOC બાબતે હજુ સુધી કોર્પોરેશનમાં અરજી જ કરાઈ નહોંતી. ત્યારે સવાલ એ પણ છે આજ સુધી તંત્ર દ્વારા પણ કેમ એ બાબતે ચેકિંગ હાથ ધરવામાં ન આવ્યુ ? ક્યા મોટા માથાની રહેમ નજર હેઠળ આ બધુ ચાલી રહ્યુ હતુ તે પણ મોટો સવાલ છે ?

 

RMC તંત્ર પર પણ સવાલ ઉઠે છે કે મોટી મોટી વાતો કરતું RMCની મંજૂરી વગર આટલુ મોટું ગેમઝોન કેવી રીતે શરૂ થઈ ગયું ? ગેમઝોનની મંજૂરી આપતી વખતે શું ફાયર સેફ્ટી બાબતે કોઈ ચેકિંગ જ ન કરવામાં આવ્યુ ? જ્યાં ભૂલકાઓ આવવાના હોય ત્યા સલામતી સાથે આટલી હદની બેદરકારી, અને નિર્દોષોની જિંદગી સાથે રમત રમવા માટે જવાબદાર કોણ?

ચીફ ફાયર ઓફિસર સ્પષ્ટ કહી રહ્યા છે કે કોઈ NOC લીધી નથી અને NOC અત્યારસુધી આપેલ પણ નથી. ફાયર સેફ્ટીના સાધનોનું ઈન્સ્ટોલેશન જ કરેલ નથી. ત્યારે ફેબ્રિકેશનનું બાંધકામ કેવી રીતે ખડકી દેવાયું.અધિકારીઓ પણ પોતાની જવાબદારીમાંથી છટકતા જોવા મળ્યા. ત્યારે હવે આ મોતના જવાબદાર કોણ તે મોટો સવાલ છે.

(11:27 PM IST)