News of Monday, 27th May 2024
૧૮ લાખ પુરૂષો પણ સ્થૂળતાથી બચ્યા
બિહારમાં દારૂબંધીના કારણે જાતીય હિંસામાં ૩.૬ ટકાનો ઘટાડો

નવી દિલ્હી તા. ૨૭ : બિહારમાં ૨૦૧૬માં દારૂબંધીને કારણે દરરોજ અને સાપ્તાહિક દારૂ પીનારા લોકોની સંખ્યામાં ૨૪ લાખ (૭.૮ ટકા)નો ઘટાડો થયો છે. એટલું જ નહીં, જાતીય હિંસાના કેસોમાં ૨૧ લાખ (૩.૬ ટકા)નો ઘટાડો નોંધાયો છે. ‘ધ લેન્સેટ રિજનલ હેલ્થ સાઉથઈસ્ટ એશિયા જર્નલ'માં પ્રકાશિત થયેલા નવા અભ્યાસમાં આ વાત સામે આવી છે.
રિપોર્ટ અનુસાર, દારૂબંધીના કારણે રાજયમાં ૧૮ લાખ પુરૂષો મેદસ્વી બનવાથી પણ બચી ગયા છે. સંશોધકોની ટીમમાં અમેરિકાની ઇન્ટરનેશનલ ફૂડ પોલિસી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના સંશોધકો પણ સામેલ હતા. સંશોધકોએ રાષ્ટ્રીય અને જિલ્લા સ્તરે આરોગ્ય અને ડોર-ટુ-ડોર સર્વેના ડેટાનું વિશ્લેષણ કર્યું. આલ્કોહોલ નિયમનની કડક નીતિઓને કારણે રાજયમાં ગુના અને આરોગ્યમાં સુધારો થયો છે, એમ અભ્યાસના લેખકોએ જણાવ્યું હતું.
સંશોધકોના જણાવ્યા અનુસાર, પ્રતિબંધ પહેલાં, બિહારમાં પુરૂષોમાં દારૂનું સેવન ૯.૭ ટકાથી વધીને ૧૫ ટકા થઈ ગયું હતું, જયારે પડોશી રાજયોમાં તે ૭.૨ ટકાથી વધીને ૧૦.૩ ટકા થઈ ગયું હતું. પ્રતિબંધ બાદ આ ટ્રેન્ડ બદલાયો છે. બિહારમાં દારૂના વપરાશમાં ૭.૮ ટકાનો ઘટાડો થયો છે, તેવી જ રીતે બિહારમાં પણ મહિલાઓ સામેની હિંસામાં ઘટાડો જોવા મળ્યો છે. ભાવનાત્મક હિંસાના દરમાં ૪.૬ ટકા અને જાતીય હિંસામાં ૩.૬ ટકાનો ઘટાડો થયો છે.
(11:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
