News of Monday, 27th May 2024
‘મોતનો માચડો' બનેલો ‘ગેમ ઝોન' ૩૦ નિર્દોષ લોકોનો જીવ લઇ ગયો : ઇજનેરો-બે પીઆઇ સહિત ૭ અધિકારી સસ્પેન્ડ
૫૦ મીટર પહોળો, ૬૦ મીટર લાંબો, બેથી ત્રણ માળ જેટલો ઉંચો લોખંડ-પતરાના ફેબ્રીકેશનથી ખડકાયો'તો : નહોતું ફાયર બ્રિગેડનું પ્રમાણપત્ર કે નહોતી એનઓસી, આગ લાગે તો તેને પહોંચી વળવા માટે નહોતા ફાયર સેફટીના સાધનોઃ આગ લાગે તો ઇજા થવાથી લઇ માનવ મૃત્યુ થવાની સતપ્રતિશત સંભાવના હોવાની જાણકારી હોવા છતાં સંચાલકોએ ચાલુ રાખ્યો હતો ગેમ ઝોન! : ફાયર ઓફિસર ભીખાભાઇ ઠેબાએ પોલીસને કહ્યું-ગેમ ઝોન સંપુર્ણ ફેબ્રીકેશનના સ્ટ્રકચર પર બન્યો હતો, જેમાં બેઝ તરીકે લોખંડની એન્ગલો અને ગેલ્વેનાઇઝના પતરાનો ઉપયોગ કરાયો હતોઃ અંદર અલગ અલગ વિભાગોમાં ગેમ ઝોનમાં મોટા પ્રમાણમાં ઇલેક્ટ્રીક વાયરીંગ અને એ.સી.ના વેન્ટ હતાં: આગ લાગે તો મનુષ્યજીવને બચાવી શકાય તેવા કોઇ અસરકાર ફાયર સાધનો નહોતાં: ફાયર બ્રિગેડમાં કદી એનઓસી માટેની અરજી ઇન્વર્ડ કરી નહોતીઃ આગને કાબુમાં લેવા કોઇ સાધન સામગ્રીની વ્યવસ્થા સંચાલકોએ રાખી નહોતી : નિર્દોષના મોત માટે જવાબદાર કોઇને નહિ છોડવા હતભાગીઓના સ્વજનો અને રાજકોટવાસીઓની આક્રોશ સાથે માંગણી : મ્યુનિસિપલ કોર્પોરેશનના આસી. ટાઉન પ્લાનર ગોૈતમ જોષી, વોર્ડ એન્જિનીયર જયદિપ ચોૈધરી, માર્ગ મકાન વિભાગના ડેપ્યુટી ઇજનેર એમ. આર. સુમા અને પારસ કોઠીયા, કાલાવડ રોડ ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વીગોરા તેમજ શહેર પોલીસ ઇન્સ્પેક્ટર વી. આર. પટેલ અને એન. આઇ. રાઠોડને સસ્પેન્ડ કરાયા

રાજકોટ તા. ૨૭: નાના મવા રોડ મોકાજી સર્કલ પાસે સયાજી હોટેલ નજીક આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં શનિવારે સાંજે બનેલી આગની ગોઝારી ઘટના ૩૨ માનવ જીવને ભરખી ગઇ છે. આ બનાવમાં સંચાલકો સહિત છ લોકોના નામ જોગ અને તપાસમાં ખુલે તેની સામે તાલુકા પોલીસમાં ગુનો દાખલ થયો છે. સમગ્ર ઘટનાની તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપી દેવામાં આવી છે. બે આરોપીને પકડી લેવાયા છે અને બાકીનાને દબોચી લેવા પોલીસની ટીમો કામે લાગી છે. પચાસ મીટર પહોળુ, સાઇઠ મીટર લાંબુ અને બેથી ત્રણ માળ જેટલુ ઉંચુ લોખંડ-પતરાનું ફેબ્રીકેશનથી માળુ ઉભુ કરી ગેમ ઝોન ઉભો કરી દેવાયો હતો. આ ગેમ ઝોન જાણે ‘મોતનો માચડો' ખડકી દેવાયો હતો, જે ૩૦ નિર્દોષ લોકોનો જીવ ઓહીયા કરી ગયો છે. આ માટે જવાબદાર તમામ સામે કડક કાર્યવાહીની લોકો માંગણી કરી રહ્યા છે. આ વચ્ચે સરકારે આકરા પગલા લઇ મહાનગર પાલિકા, માર્ગ મકાન વિભાગના અધિકારી અને શહેર પોલીસના બે અધિકારી સહિત ૭ને ધડાધડ સસ્પેન્ડ કરી નાખતા ખળભળાટ મચી ગયો છે.
ગોઝારી ઘટનામાં તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ પી. બી. (પ્રજ્ઞેશકુમાર ભીખાભાઇ) ત્રાજીયાની ફરિયાદ પરથી ધવલ કોર્પોરેશનના પ્રોપરાઇટર ધવલ ભરતભાઇ ઠક્કર, રેસ-વે એન્ટરપ્રાઇઝના ભાગીદારો અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા, પ્રકાશચંદ્ર કનૈયાલાલ હીરન, યુવરાજસિંહ હરિસિંહ સોલંકી, રાહુલ લલીતભાઇ રાઠોડ અને તપાસમાં ખુલે તે તમામ સામે આઇપીસી ૩૦૪, ૩૦૮, ૩૩૭, ૩૩૮, ૧૧૪ મુજબ આ તમામ આરોપીઓએ આશરે ૫૦ મીટર પહોળુ અને ૬૦ મીટર લાંબુ તેમજ બેથી ત્રણ માળ જેટલુ ઉંચુ લોખંડ તથા પતરાનું ફેબ્રીકેશનથી માળખુ ઉભુ કરી ગેમ ઝોન બનાવી આ ગેમ ઝોનમાં આગ લાગવાની ઘટના બને તો તેને પહોંચી વળી આગને રોકી મનુષ્ય જીવનને બચાવી શકાય તેવા કોઇ અસરકારક ફાયર ફાયટીંગના સાધનો રાખ્યા વગર તેમજ અગ્નિશમન વિભાગની એનઓસી કે પ્રમાણપત્ર મેળવ્યા વગર જોખમી જગ્યામાં ગેમ ઝોન ચલાવી ગેમ ઝોનમાં આગ લાગવાનો બનાવ બને તો આગ લાગવાથી સાદી-ગંભીર ઇજાથી લઇ માનવ મૃત્યુ થવાની સતપ્રતિશત સંભાવના હોવાની જાણકારી હોવા છતાં ગેમ ઝોન ચાલુ રાખી ...૨૮....લોકોના મૃત્યુ નીપજાવી તેમજ ધ્રુમીલ કેતનભાઇ કુજડીયા, મનિષભાઇ રમેશભાઇ ખીમસુરીયા અને જીજ્ઞાબા વિરેન્દ્રસિંહ જાડેજા ઇજા અને મહાવ્યાથા સાથે ગેમ ઝોનમાંથી બહાર ભાગી નીકળ્યા ન હોત તો તેમના પણ મૃત્યુ સંભવ હતાં તેવા જોખમમાં મુકી ગુનો કર્યો હોવાનો આરોપ ફરિયાદમાં મુકાયો છે.
પીએસઆઇ પી. બી. ત્રાજીયાએ નોંધાવેલી એફઆઇઆર અક્ષરશઃ અહિ પ્રસ્તુત છે. તેમણે જણાવ્યું છે કે તા. ૨૫/૫/૨૪ના સાંજે ૫:૪૭ કલાકે હું પોલીસ સ્ટેશને હાજર હતો ત્યારે પીસીઆર-૨૨ના ઇન્ચાર્જ મહાવીરસિંહ જાડેજાએ ફોનથી જાણ કરી હતી કે સયાજી હોટલ પાછળ ટીઆરપી ગેમ ઝોનમાં સઆગ લાગી છે. આથી હું તથા સ્ટાફના કુલદિપસિંહ, દિવ્યરાજસિંહ, નિકુંજભાઇ સહિતના તુરત ગેમ ઝોન ખાતે પહોંચ્યા હતાં. તે વખતે આગને કાબુમાં લેવા ફાયર બ્રિગેડની ટીમ કાર્યરત હતી. પોલીસ દ્વારા ભીડ અને ટ્રાફિક નિયંત્રણની કાર્યવાહી ચાલુ હતી સાથે સાથે વધુ માણસોની જરૂર પડતાં ઉપરી અધિકારી અને પોલીસ કન્ટ્રોલ રૂમમાં જાણ કરી હતી.
આગના સ્થળે જોતાં જાણવા મળેલુ કે જે.એસ. પાર્ટી પ્લોટ તથા આશુતોષ પાર્ટી પ્લોટની જગ્યા પર સંયુક્તપણે ધવલ કોર્પોરેશનના પ્રોપરાઇટર ધવલ ભરતભાઇ ઠક્કર, રેસ-વે એન્ટરપ્રાઇઝનના ભાગીદારો (૨) અશોકસિંહ જગદીશસિંહ જાડેજા (૩) કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા (૪) પ્રકાશચંદ કનૈયાલાલ હીરન ( ૫) યુવરાજસિંહ હરીસિંહ સોલંકી (૬) રાહુલ લલીતભાઈ રાઠોડ એમ છએય ભાગીદારોએ સાથે મળી ટીઆરપી ગેમ ઝોન તરીકે ઉપયોગમાં લઇ ઇન્ડોર આઉટડોર ગેમીંગની પ્રવળતી ચલાવે છે, જેમાં ઇન્ડોર ગેમ ઝોનનો વિભાગ બેથી ત્રણ માળ જેટલો ઉંચો તથા આશરે ૬૦ મીટર લાંબો તથા આશરે ૫૦ મીટર પહોળો ફેબ્રીકેશનના સ્ટ્રકચર પર ચારેબાજુ પતરાથી કવર કરી બનાવવામાં આવેલ જેના બહારના ખુલ્લા ભાગે ગો-કાટીંગ વિગેરે માટેનું મેદાન બનાવી જરૂરી સાધનો સાથે સમગ્ર જગ્યાને ટીઆરપી ગેમ ઝોન તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે.
આ ગેમ ઝોનનુ ૧૦ મીટર લાંબુ તથા આશરે ૫૦ મીટર પહોળુ ફેબ્રીકેશનનું આખું સ્ટ્રકચર આગની લપેટમાં આવેલ હોઇ આ દરમિયાન ફાયર વિભાગ દ્રારા પાણીનો છંટકાવ કરી આગને કાબુમાં લેવાની કાર્યવાહી કરવામાં આવતી હતી અને જે ભાગમાં આગ કાબુમાં આવેલ તે જગ્યાએથી પ્રવેશ કરી ફાયર વિભાગના માણસો દ્વારા આગથી બળેલા માનવ શરીરો બહા૨ કાઢેલ અને ૧૦૮ એમ્બ્યુલન્સ દ્રારા સીવીલ હોસ્પિટલ ખાતે સત્વરે મોકલી આપવામાં આવેલ હતા. દરમિયાન સજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના પી.એસ.ઓ. દ્રારા એ.ડી. નંબર- ૪૩/૨૪ ની આગળની તપાસ અમને આપતાં મૃત્યુ પામનાર ૧ થી ૨૮ લોકો કે જેમની ઉમર અલગ અલગ હતી અને તેસ્ત્રી હતાં કે પુરૂષ હતાં તે નક્કી થઇ શકે તેમ નહોતું તે તમામને ડોક્ટર દ્રારા મરણ જાહેર કરાયેલ. જે તમામના મરણોતર ફોર્મ તથા ઇન્કવેસ્ટની કામગીરી દરમિયાન જણાઈ આવેલ કે આ તમામ ક્રમ નંબર-૧ થી ૨૮ ના મળત્યુ આગથી સળગી જવાના કારણે થયેલ છે. જે બાબતે પોસ્ટમોર્ટમની કાર્યવાહી અર્થે જરૂરી યાદી ડોકટરને આપી હતી. દરમિયાન ગીરીરાજ હોસ્પીટલના ડો. કરૂ ણા સવસાણીની એમએલસી નોંધ લખાવ્યા મુજબ (૧) ધુમીતભાઈ કુંજડીયા (ઉ.વ-૧૦), (૨) મનીષભાઇ ખીમસુરીયા (ઉ વ-૨૧) (૩) જીજ્ઞાબા જાડેજા (ઉ.વ.૪૧) પણ આ બનાવના ભોગ બનનાર હોઇ આ ત્રણેયને સાદીથી લઈ ગંભીર ઈજા થઇ છે અને સારવાર હેઠળ છે.
એફઆઇઆરમાં આગળ જણાવાયું છે કે આ બનાવ અંગે આગ બુજાવવાની કામગીરીમાં રોકાયેલ ફાયર અધિકારી ભીખાભાઈ જીવાભાઇ ઠેબાનું નિવેદન લેતા જણાવેલુ કે ટીઆરપી ગેમ ઝોન સંપુર્ણ ફેબ્રીકેશનના સ્ટ્રકચર પર બનેલુ જણાય છે, જેમાં બેઝ તરીકે લોખંડની એન્ગલો તથા ગેલ્વેનાઇઝના પતરાનો ઉપયોગ કરી બનાવેલ છે. તેમજ અંદર અલગ અલગ વિભાગોમાં ગેમ ઝોન બનાવેલી હતી જેમાં ખુબજ મોટા પ્રમાણમાં ઇલેક્ટ્રીક વાયરીંગ તેમજ એ.સી.ના વેન્ટ લાગેલા . તેમજ જો આ જગ્યાએ આગ લાગવાની ઘટના બને તો તેને પહોંચી વળી રોકી શકાય તેમજ મનુષ્ય જીવને બચાવી શકાય તેવા કોઇ ખાસ અસરકારક ફાયર સાધનો જણાઇ આવ્યા નહોતાં. ફાયર અધિકારી ભીખાભાઇ ઠેબાએ એમ પણ કહ્યું હતું કે-મારી જાણકારી મુજબ આ ટીઆરપી ગેમ ઝોન દ્વારા કયારેય ફાયર એનઓસી માટે અમારા વિભાગમાં અરજી ઇન્વર્ડ કરેલ નથી કે ફાયર એનઓસી મેળવેલ નથી. કોઇપણ પ્રકારની આગને કાબુમાં લેવા માટેની સાધન સામગ્રીની વ્યવસ્થા ગેમ ઝોનના સંચાલકોએ રાખેલ ન હોવાનું પ્રાથમિક રીતે જણાઇ આવ્યું છે.
ઉપરોકત વિગતો જોતા આ સમગ્ર બનાવ ધવલ કોર્પોરેશનના પ્રોપરાઈટર ધવલભાઈ ભરતભાઈ ઠકકર તથા રેસ-વે એન્ટરપ્રાઇઝના ભાગીદારો અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા, પ્રકાશચંદ્ર કનૈયાલાલ હીરન, યુવરાજસિંહ હરિસિંહ સોલંકી અને રાહુલ લલીતભાઇ રાઠોડ એમ છએય ભાગીવદારોએ આ ટીઆરપી ગેમ ઝોન ખાતે કોઈપણ આગજનીને પહોચી વળવાના પર્યાપ્ત સાધનો કે અગ્નિ સમન વિભાગની જરૂરી મંજુરી કે એનઓસી મેળવ્યા વગર માનવ જીવન જોખમાય અને આગનો બનાવ બનયે મનુષ્યના જીવ જાય તેવી જાણકારી હોવા છતાં આ ગેમ ઝોનને બનાવી જોખમી રીતે ચાલુ રાખતાં લીધે આ બનાવ બન્યાનું જણાઈ આવે છે. સ
જેમાં ટીઆરપી ગેમ ઝોનના ંચાલકો આરોપી ધવલ કોર્પોરેશનના પ્રોપરાઈટર ધવલભાઈ ભરતભાઈ ઠકકર, રેસ-વે એન્ટરપ્રાઇઝના ભાગીદારો અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, કીરીટસિંહ જગદીશસિંહ જાડેજા, પ્રકાશચંદ કનૈયાલાલ હીરન, યુવરાજસિંહ હરીસિંહ સોલંકી તથા રાહુલ લલીતભાઈ રાઠોડ તથા તપાસમાં ખુલે તે તમામે આશરે ૫૦ મીટર પહોળુ તથા આશરે ૬૦ મીટર લાંબુ અને બે થી ત્રણ માળ જેટલું ઉંચુ લોખંડ તથા પતરાનુ ફેબ્રીકેશનથી માળખુ ઉભુ કરી ગેમ ઝોન બનાવી આ ગેમ ઝોનમાં આગ લાગવાની ઘટના બને તો તેને પહોંચીવળી આગને રોકી મનુષ્યજીવનને બચાવી શકાય તેવા કોઇ અસરકારક ફાયર ફાયટીંગના સાધનો રાખ્યા વગર ઉપરાંત અગ્નિશમન વિભાગની એનઓસી કે પ્રમાણપત્ર મેળવ્યા વગર આ જોખમી જગ્યામાં ગેમ ઝોન ચલાવી ગેમ ઝોનમાં આગ લાગવાનો બનાવ બને તો સાદી કે ગંભીર ઇજાથી લઇ માનવ મળત્યુ થવાની સંતપ્રતિશત સંભાવના હોવાની જાણકારી હોવા છતા ગેમ ઝોન ચાલુ રાખી રાખતાં......... માનવીના મૃત્યુ થયા છે. તેમજ અન્ય ત્રણ લોકો ધ્રમીલ ભાવી કેતનભાઇ કુજડીયા, મનિષભાઇ રમેશભાઇ ખીમસુરીયા અને જીજ્ઞાબા વિરેન્દ્રસિંહ જાડેજા જો ત્યાંથી નાસી-ભાગી નીકળ્યા ન હોત તો તેમના પણ મૃત્યુ થવાની પુરી સંભાવના હતી. આ લોકોને પણ જોખમમાં નાખવાનું આરોપીઓએ કૃત્ય કર્યુ હોઇ ટીઆરપી ગેમ ઝોનના સંચાલકો અને તપાસમાં ખુલે તે તમામ સામે મારી સરકાર તરફથી ફરિયાદ છે તેમ એફઆઇઆરના અંતમાં પીએસઆઇ પી. બી. ત્રાજીયાએ જણાવ્યું છે.
એફઆઇઆરમાં જે કલમો હેઠળ ગુનો દાખલ થયો છે તે જોતાં તેમાં દસ વર્ષથી માંડી આજીવન કારાવાસ સુધીની સજાની જોગવાઇ છે.
પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, જેસીપી વિધી ચોૈધરી, ડીસીપી સુધીરકુમાર દેસાઇ, ડીસીપી ડો. પાર્થરાજસિંહ ગોહિલની રાહબરીમાં ક્રાઇમ બ્રાંચના એસીપી બી. બી. બસીયા, પીઆઇ એમ. આર. ગોંડલીયા, તાલુકા પીઆઇ ડી. એમ. હરિપરા અને તેમની ટીમો તપાસ કરી રહી છે.
બીજી તરફ મ્યુનિસિપલ કોર્પોરેશનના આસી. ટાઉન પ્લાનર ગોૈતમ જોષી, વોર્ડ એન્જિનીયર જયદિપ ચોૈધરી તેમજ કાલાવડ રોડના ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વીગોરા, માર્ગ મકાન વિભાગના ડેપ્યુટી ઇજનેર એમ. આર. સુમા અને પારસ એમ. કોઠીયા તેમજ શહેર પોલીસ ઇન્સ્પેક્ટર વી. આર. પટેલ અને એન. આઇ. રાઠોડને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ આકરી કાર્યવાહીને કારણે સરકારી કચેરીઓમાં ખળભળાટ મચી ગયો છે.
(3:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
