<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th May 2024

TRP અગ્નિકાંડ મામલે ગુજરાત હાઇકોર્ટની લાલ આંખ : રાજકોટ તંત્ર ને પૂછ્યું '૩ વર્ષથી ચાલતું'તું તો તમે શું ઉંઘતા હતાં ?' : 3 જૂન સુધીમાં રાજકોટ સહિતના રાજ્યભરના કોર્પોરેશનને એફિડેવિટ રજૂ કરવા આદેશ : 6 જૂને વધુ સુનાવણી

ગુજરાત હાઇકોર્ટે રાજય સરકાર અને રાજકોટ મ્‍યુ.કોર્પો.નું નાક વાઢયું : આકરા શબ્‍દોમાં કાઢી ઝાટકણી : કહ્યું - અમને તમારા કે તમારા તંત્ર ઉપર ભરોસો નથી : રાજયની મશીનરી કામ કરતી નથી એટલે લોકો મરી રહ્યા છે : રાજકોટ મ્‍યુ. કમિશનરને હાઇકોર્ટે ફટકારી નોટીસ

અમદાવાદ, તા.૨૭: ગુજરાત હાઈકોર્ટે રાજકોટ ગેમ ઝોનની ઘટનાને લઈને રાજ્‍ય સરકારની ઝાટકણી કાઢી છે. ગુજરાત હાઈકોર્ટમાં સુઓમોટો કોગ્નાઈઝન્‍સ બાદ સુનાવણી દરમિયાન જસ્‍ટિસ બિરેન વૈષ્‍ણવ અને દેવેન દેસાઈની બેન્‍ચે કહ્યું કે ૨૮ લોકોના મોત હત્‍યાથી ઓછા નથી. હાઈકોર્ટે આકરી ટીપ્‍પણી કરતા કહ્યું કે અમને સરકાર અને તેની સાથે સંકળાયેલી તંત્ર પર બિલકુલ વિશ્વાસ નથી.રાજકોટમાં અગ્નિકાંડમાં સુઓમોટો મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ગુજરાત હાઈકોર્ટે સરકાર અને તંત્રની ઝાટકણી કાઢી હતી. હાઈકોર્ટે આ સમગ્ર મુદ્દે જણાવ્‍યું હતું કે, આદેશ છતાં નિયમોનું પાલન કેમ ન કરાયું. તેમજ બેદરકારી રાખી આદેશનું પાલન ન થવાથી અગ્નિકાંડ થયો. તેમજ શું ગેમઝોનમાં મંજૂરી આપવામાં આવી હતી? ગેમઝોનમાં ફાયર સેફ્‌ટીનું ધ્‍યાન કેમ ન રખાયુ

ગુજરાત હાઈકોર્ટે ૨૬મી મેના રોજ રાજકોટમાં લાગેલી આગની ઘટનાની સુઓ મોટુ સંજ્ઞાન લીધી હતી અને કહ્યું હતું કે આ માનવસર્જિત દુર્ઘટના છે. હાઈકોર્ટમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને અન્‍ય મ્‍યુનિસિપલ કોર્પોરેશનના વકીલો હાજર છે.વધુમાં હાઈકોર્ટે કહ્યું કે, આદેશ છથાં મહાનગરપાલિકાએ બેદરકારી દાખવી તેવું સમજીએ? ૪ વર્ષમાં ૬ મોટી દુર્ઘટનાં બની ત્‍યારે મહાનગરપાલિકાએ શું કર્યું? દુર્ઘટનામાં લોકોના મોત અંગે તંત્રએ શું કાર્યવાહી કરી? આપણે માણસો છીએ મીડિયા અહેવાલોની અસર થાય જ છે. તંત્રએ મીડિયાનાં અહેવાલને  પણ માની રહ્યું નથી. આવી ઘટનાઓમાં તંત્રએ ગંભીર થવાની જરૂર છે.

બધા આદેશો પછી અકસ્‍માતો શા માટે? : સુનાવણી દરમિયાન જસ્‍ટિસ બિરેન વૈષ્‍ણવ અને દેવેન દેસાઈની ખંડપીઠે પૂછયું કે આ અકસ્‍માત માટે કોણ જવાબદાર છે. કોર્ટે કહ્યું કે છેલ્લા ચાર વર્ષમાં અમે કેટલા ઓર્ડર પાસ કર્યા છે. કોર્ટે પૂછયું કે જવાબદાર

અધિકારીઓ કેમ સૂઈ રહ્યા છે. રાજકોટના ઉચ્‍ચ અધિકારીઓ ટીઆરપી ગેમ ઝોનમાં જતા હોવાનો મુદ્દો પણ કોર્ટે ઉઠાવ્‍યો છે. હાઈકોર્ટ એડવોકેટ્‍સ એસોસિએશનના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદીએ જણાવ્‍યું હતું કે ઘટના સ્‍થળની સફાઈ કરવામાં આવી રહી છે. આવી સ્‍થિતિમાં આરોપીઓ સામે પુરાવા કેવી રીતે એકત્રિત કરીશું? કોર્ટમાં હજુ સુનાવણી ચાલી રહી છે. તમામ મ્‍યુનિસિપલ કોર્પોરેશનના વકીલો તેમનો કેસ રજૂ કરશે. આ પછી રાજ્‍ય સરકારના વકીલ જણાવશે કે સરકારે શું પગલાં લીધાં છે?

રાજકોટમાં સર્જાયેલ  ગેમ ઝોન અગ્રિકાંડ મામલે હાઈકોર્ટ દ્વારા મનપા કમિ‘રને નોટીસ ફટકારવામાં આવી છે. હાઈકોર્ટે રાજકોટ મનપા કમિશનરને નોટીસ આપી જવાબ માંગ્‍યો છે. હાઈકોર્ટે કહ્યું હતું કે તમને શા માટે અમારે જવાબદાર ન ગણવા તેનો જવાબ આપે. રાજકોટ મનપા તમારા બચાવ માટે કોર્ટમાં જવાબ આપો. તેમજ ફાયર સેફ્‌ટી વિના હાઈકોર્ટ નહી ચલાવી લે.આ સમગ્ર મામલો હાઈકોર્ટ પહોચ્‍યોં હતો ત્‍યારે હાઈકોર્ટે વિભાગની ઝાટકણી કાઢતા કહ્યું છે કે ગેમઝોનને કેવી રીતે વપરાશની મંજૂરી મળી, કેટલા સમયથી આ ગેમઝોન કાર્યરત હતું છત્તા પણ કોઈ સુરક્ષાને લઈને કામગીરી કરવામાં આવી નથી. આ સમગ્ર મામલે અરજદાર હાઈકોર્ટમાં જણાવ્‍યું હતુ કે રાજ્‍ય સરકારમાં બાંધકામ માટે GDCRના નિયમોનું પાલન કરવાનું હોય છે, રાજકોટ ગેમઝોનમાં પણ કોઈપણ પ્રકારની મંજૂરી લીધી ન હતી.

ગુજરાત હાઇકોર્ટે તંત્ર અને સરકારનો ઉધડો લેતા કહ્યું હતું કે, અમને સરકાર અને તંત્ર પર ભરોસો નથી. કોઈ  પણ મંજૂરી વિના ત્રણ વર્ષથી ગેમ ઝોન ચાલતું હતું તો RMC શું કરતું હતું? આટલું જ નહીં કોર્ટે કમિશનરને  પણ તતડાવતા આકરા સવાલ કર્યા હતા.

સરકારની મશીનરી પર ભરોસો રહ્યો નથી.. : ગુજરાત હાઈકોર્ટ

હાઇકોર્ટે કહ્યું હતું, કે ‘અમને સરકારની મશીનરી પર ભરોસો નથી રહ્યો, કોર્ટના નિર્દેશો છતાં આવી ઘટનાઓ બને છે. ૧૮ મહિનાથી તમને આ ગેમ ઝોન વિશે ખબર જ નહોતી? ઉદઘાટનમાં RMC કમિશનર જાય છે તો કોર્ટના નિર્દેશોનું શું કર્યું?  કોર્ટે RMCને સવાલ પૂછયો હતો, કે ‘આ ગેમ ઝોન કયારે કામ કરતો થયો? પરમિશન માગી નહીં પણ તમારી જવાબદારી તો હતી ને.'

સરકારે કહ્યું- કોઈને છોડવામાં આવશે નહીં

હાઇકોર્ટના વેધક સવાલો પર સરકાર તરફથી એડિશનલ એડવોકેટ જનરલે જવાબ આપતા કહ્યું હતું, કે સરકાર તાત્‍કાલિક પગલાં ભર્યા છે. અને રાજ્‍યના તમામ ગેમઝોન બંધ કરાવવામાં આવ્‍યા છે. સરકાર આ ઘટના બાબતે ખૂબ જ ગંભીર છે અને કોઈને છોડવામાં આવશે નહીં. છ અધિકારીઓને સસ્‍પેન્‍ડ  પણ કરવામાં આવ્‍યા છે. છ આરોપીઓ સામે FIR કરવામાં આવી છે અને બેની ધરપકડ કરવામાં આવી છે.

અરજદારે શું કહ્યું હતું? : સુનાવણી દરમિયાન અરજદારે કહ્યું હતું કે રાજકોટ ટીઆરપી ગેમ ઝોન દ્વારા કોઈ મંજૂરી લેવામાં આવી નહોતી. મોટી સંખ્‍યામાં લોકોના મળત્‍યુ થયા એમાંય બાળકોના મળત્‍યુ થયા તે હત્‍યાથી ઓછું નથી. નિયમોના પાલન કરવામાં જ ન આવ્‍યા. અરજદારે દાવો કર્યો હતો કે આ ગેમ ઝોન એક ગેરકાયદે જગ્‍યાએ ચાલતું હતું છતાં તંત્ર અને પોલીસ દ્વારા આંખ મીચામણાં કરાયા હતા. તેના પર ગુજરાત હાઈકોર્ટે રાજકોટ મહાનગરપાલિકાના ઢીલા વલણ અને ત્રણ વર્ષ સુધી કોઈ કાર્યવાહી ન કરવા મુદ્દે આકરી ઝાટકણી કાઢી હતી.

રાજકોટ મ્‍યુનિ. કોર્પોરેશનનો હાઇકોર્ટે ત્‍યાં સુધી ઉધડો લીધો હતો કે, તમે શું આંધળા થઇ ગયા છો ? કેટલાક અધિકારીઓ તો ગેમઝોન ઉપર ગયેલા હતા તેઓ ત્‍યાં શું રમવા ગયા હતા તેવો સવાલ પણ હાઇકોર્ટે કર્યા હતા.

રાજકોટ અગ્નિકાંડના મામલે હાઇકોર્ટે આજે કઠોર ટિપ્‍પણીઓ કરતા તંત્ર દોડતું થઇ ગયું છે.(૨૩.૨૦)

રાજકોટ અગ્નિકાંડ મુદ્દે હાઇકોર્ટમાં સાડા ચાર  કલાક સુનાવણી ચાલી

RMCની કોઇ રજૂઆત થતાં કોર્ટે કહ્યું હતુ કે અમે RMCના કમિશનરને સસ્‍પેન્‍ડ કરવાના હતા પણ કરતા નથી

* રાજકોટ પોલીસ કમિશનર TRP ગેમ ઝોનને કોઇ પરમિશન અપાય હતી, તેની માહિતી આપે

* HCની વધુ કાર્યવાહી ૬ જૂને, ૩ જૂન સુધીમાં કોર્ટમાં જવાબ રજૂ કરશે

*૩ જૂન પહેલા એફિડેવિટ ફાઇલ કરશે

*બીજા કોર્પોરેશન પણ એફિડેવિટ ફાઇલ કરશે

*નોટિસ રિટર્નેબલ ૬ જૂન આગળ રેગ્‍યુલર કોર્ટ શરૂ થશે ત્‍યારે ચીફ જજની બેન્‍ચ સમક્ષ આ PIL ચાલશે.

(3:33 PM IST)