News of Monday, 27th May 2024
મૃતદેહો સોંપાય ત્યારે તેમના પરિવાર સાથે નાયબ મામલતદારને મોકલવા આદેશો
રાજકોટ ઉપરાંત ધ્રોલ - મોરબી - વીરપુર - ગોંડલ - ઉપલેટા પંથકના હતભાગીઓ હોય તમામ મામલતદાર પાસેથી વિગતો મંગાવાઇ : મૃતકોના પરિવારોને સીધા બેંક ખાતામાં ૬ લાખ જમા કરવા અંગે સીટી પ્રાંત-૧ ડો. ચાંદની પરમારે કાર્યવાહી શરૂ કરી : સિવિલમાં ૨૦ નાયબ મામલતદારોની ટીમ ઉતારતા કલેકટર

રાજકોટ તા. ૨૭ : ટીઆરપી ઝોનની ભયાનક બનેલી આગની ઘટનામાં કુલ ૩૦ના કરૂણ મોત નીપજ્યા છે, ડીએનએ ટેસ્ટ દ્વારા ઓળખ થઇ રહી છે, દરમિયાન રાજકોટ કલેકટરશ્રી પ્રભવ જોષીએ એક મહત્વનો નિર્ણય લઇ જેમ જેમ મૃતદેહોની ઓળખ થાય અને તેમના પરિવારને સોંપાય ત્યારે તે પરિવારને તેમના ઘર સુધી મૂકવા જવા અંગે એક-એક નાયબ મામલતદારને જવાબદારી સોંપી છે, આ નાયબ મામલતદાર મૃતદેહ અને પરિવાર સાથે ઘર સુધી જશે, સાંત્વના પાઠવશે અને જે તે જવાબદાર અધિકારીને રીપોર્ટ કરશે.
રાજકોટ ઉપરાંત ધ્રોલ, મોરબી, વીરપુર, ગોંડલ, ઉપલેટા પંથકના હતભાગીઓ હોય તે તમામ મામલતદારોને આદેશ કરી આ ભોગ બનનારના પરીવારોની યુધ્ધના ધોરણે બેંક ડીટેઇલ સહિતની વિગતો મંગાવાઇ છે.
આ ઉપરાંત કલેકટરની સૂચના બાદ સીટી પ્રાંત-૧ ડો. ચાંદની પરમાર દ્વારા જેમ જેમ મૃતકોની ઓળખ થતી જાય છે તેમ તેમ જે તે મૃતકના પરિવારજનો પાસેથી બેંક ખાતા નંબર - તેમની ડીટેઇલ મંગાવી બેંક ખાતામાં ડાયરેકટ સીધા ૬ લાખ જમા કરવા અંગે કાર્યવાહી શરૂ કરાઇ છે, અત્યાર સુધીમાં ૪થી વધુ મૃતદેહોની ઓળખ થઇ છે, અને સાંજ સુધીમાં તેમના પરિવારજનોના ખાતામાં ડાયરેકટ ૬ લાખ જમા થઇ જશે.
દરમિયાન રાજકોટ જીલ્લા કલેકટરે એક આદેશ દ્વારા ૨૦ જેટલા નાયબ મામલતદારોની ટીમો સિવિલ હોસ્પિટલમાં ઉતારી દીધી છે અને નવા આદેશો મુજબ આ ટીમ કાર્યવાહી કરશે.
(3:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
