News of Monday, 27th May 2024
જીમ ટ્રેનર સુનિલ સોની ૧૨ દિવસ પહેલા જ ગેમ ઝોનમાં નોકરીએ જોડાયો હતો...સ્વજનોનું આક્રંદ-અમને એમ હતું જીવતો હશે, પણ લાશ ઘરે આવી!
રાજકોટમાં જુના એરપોર્ટ પાસે યોગેશ્વર સોસાયટીમાં રહેતાં સોની પરિવારે ૩૮ વર્ષનો દિકરો ગુમાવતાં અરેરાટી : સવારે અંતિમયાત્રામાં સર્જાયા કરૂણ દ્રશ્યોઃ આઠ વર્ષની પુત્રીએ પિતાનું છત્ર ગુમાવ્યું: દિકરી બે દિવસથી જમી નથીઃ પરિવારજનોએ કહ્યું-સુનિલે અનેકના જીવ બચાવ્યા અને પોતે જી ગુમાવી દીધોઃ અમને હતું સ્ટાફના કર્મચારીઓ બચી ગયા એમાં સુનિલ પણ હશે, પણ તેનો મૃતદેહ ઘરે આવ્યોઃ અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં સગા-સ્નેહીઓ-મિત્રો સામેલ થયાઃ શોકની કાલીમા : શનિવારે બહુ ગિરદી હશે તમે આજે જ આવી જાવ તેમ કહેતાં સુનિલભાઇની દિકરી સહિત ૧૨થી વધુ સગા સંબંધીઓએ શુક્રવારે ગેમ ઝોનની મજા માણી હતી

રાજકોટ તા. ૨૭: ગેમ ઝોનની ગોઝારી આગમાં ભોગ બનેલા ત્રીસ હતભાગીઓના ડીએનએ સેમ્પલ લઇ ઓળખ કરવાની કામગીરીને વેગવંતી બનાવવામાં આવતાં આજે સવારે ચાર મૃતદેહોના ડીએનએ સેમ્પલ મેચ થઇ જતાં પરિવારજનોને મૃતદેહ સોંપાતા અરેરાટી વ્યાપી ગઇ હતી. જે પૈકી રાજકોટના જુના એરપોર્ટના ગેઇટ પાસે યોગેશ્વર સોસાયટીમાં કંકાવટી મકાન ખાતે રહેતાં સુનિલભાઇ હસમુખભાઇ સિધ્ધપુરા (ઉ.વ.૩૮)નો મૃતદેહ આજે સવારે સગાને સોંપાતા અંતિમયાત્રા નીકળી ત્યારે કરૂણ દ્રશ્યો સર્જાયા હતાં. પરિવારજનોએ આક્રંદ સાથે કહ્યું હતું કે અમારો દિકરો તો બધાને બચાવે એવો હતો, એણે કદાચ કેટલાયના જીવ બચાવ્યા હશે અને પોતાના જીવની આહુતિ આપી દીધી હશે! અમને એમ હતું કે એ જીવતો જ હશે, પણ આજે તેની ભડથું થઇ ગયેલી લાશ આવી હતી. ભગવાના તેના આત્માને શાંતિ આપે.
વધુ માહિતી મુજબ સુનિલભાઇ બે ભાઇથી નાના હતાં અને અગાઉ જીમ ટ્રેનર તરીકે નોકરી કરતાં હતાં. બાર દિવસ પહેલા જ તેઓ ટીઆરપી ગેમ ઝોનમાં નોકરીમાં જોડાયા હતાં. બપોરે એકથી રાતના બાર સુધી તેમની નોકરીનો સમય હતો. શનિવારે તેઓ બપોરે પત્નિ સીમાને હું નોકરીએ જાઉ છું...તેમ કહીને નીકળ્યા બાદ આજે જ્યારે પતિનો ભડથું થઇ ગયેલો નિષ્પ્રાણ દેહ ઘરે આવ્યો ત્યારે કાળો કલ્પાંત સર્જાયો હતો. સ્વ. સુનિલકુમાર સિધ્ધપુરા રાજકોટના સ્વ. શીવજી વલ્લભજી અનમ-બારદાનવાળાના જમાઇ થતાં હતાં. સંતાનમાં આઠ વર્ષની એક પુત્રી છે. જેણે પિતાની છત્રછાંયા ગુમાવી છે.
વધુ માહિતી મુજબ સુનિલભાઇ સિધ્ધપુરા બારેક દિવસથી જ ગેમ ઝોનમાં નોકરીમાં જોડાયા હોઇ શુક્રવારે તેમના સગાએ ફોન કરી અમારે ગેમ ઝોનમાં આવવું છે તેમ કહેતાં સુનિલભાઇએ તેમને તમે આજે શુક્રવારે જ આવી જાય, કાલે શનિવારે બહુ ગિરદી હશે...તેમ કહેતાં બારેક સગા સ્વજનોએ શુક્રવારે જ ગેમ ઝોનની મુલાકાત લઇ મજા માણી હતી. આ બધાની સાથે સુનિલભાઇની દિકરી પણ હતી. એકની એક લાડકવાયી દિકરી પપ્પા ક્યારે આવશે પપ્પા ક્યારે આવશે? એવુ સતત બે દિવસથી પુછતી હતી, તે જમી પણ નહોતી. આજે તેના પિતાનો મૃતદેહ ઘરે લાવવામાં આવ્યો ત્યારે આ દિકરીને કોઇ બીજા સગાના ઘરે મોકલી દેવી પડી હતી. તેમ સ્વજનોએ જણાવ્યું હતું. સુનિલભાઇની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં સગા, સ્નેહીઓ, મિત્રો જોડાયા હતાં. આ વખતે અતિ કરૂણ દ્રશ્યો સર્જાયા હતાં.
(3:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
