News of Monday, 27th May 2024
IPOની અપ્રમાણિત માહિતી આપતા ફિનફલુઅન્સર્સથી રોકાણકારોને બચાવવા સેબી મેદાનમાં
IPO લાવનારી કંપનીએ અંગ્રેજી અને હિન્દીમાં ૧૦-૧૦ મિનિટનું ઓડિયો-વિઝયુઅલ પ્રેઝન્ટેશન તૈયાર કરીને પબ્લિક ડોમેનમાં મૂકવું પડશે

મુંબઇ તા. ૨૭ : દેશમાં શેરમાર્કેટ પર નજર રાખતી નિયમનકારી સંસ્થા સિકયોરિટીઝ એન્ડ એકસચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI-સેબી)એ નવા નિયમો જાહેર કર્યા છે. એમાં જણાવવામાં આવ્યું છે કે નવા ઇનિશ્યલ પબ્લિક ઓફરિંગ લાવનારી કંપનીઓએ અંગ્રેજી અને હિન્દીમાં ઓડિયો-વિઝયુઅલ પ્રેઝન્ટેશન તૈયાર કરવાં પડશે અને એમાં આ પબ્લિક ઇશ્યુ વિશેનાં તમામ ડિસ્કલોઝર્સની જાણકારી આપવાની રહેશે.
આ વિડિયો દ્વારા રોકાણકારોને ખાસ એવી સલાહ આપવામાં આવશે કે તેમણે IPOની કોઈ પણ માહિતી માટે ફાઇનેન્શ્યલ ઇન્ફલુઅન્સર્સ એટલે કે ફિનફલુઅન્સર્સ પર આધાર ન રાખવો.
સેબીના આ નવા નિયમો હેઠળ ત્ભ્બ્ લાવનારી દરેક કંપની માટે રોકાણકારોની જાગૃતિ માટે અને તેઓ IPOને સમજી શકે એ માટે ઓડિયો-વિઝયુઅલ પ્રેઝન્ટેશન તૈયાર કરવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. ફિનફલુઅન્સર્સ દ્વારા આપવામાં આવતી ગેરકાયદે અને વણજોઈતી માહિતીથી સાવચેત કરવાનો સેબીનો આ પ્રયાસ છે.
IPO લાવતી કંપની જે ઓડિયો-વિઝયુઅલ પ્રેઝન્ટેશન તૈયાર કરે એમાં ડ્રાફટ રેડ હેરિંગ પ્રોસ્પેકટસ, રેડ હેરિંગ પ્રોસ્પેકટસ અને પ્રાઇસ બેન્ડ એડ્વર્ટાઇઝમેન્ટનો સમાવેશ હોવો જોઈએ અને આ માહિતી સ્પષ્ટ હોવી જોઈએ; એમાં અપાતી જાણકારી સત્ય હોવી જોઈએ અને ગેરમાર્ગે દોરતી ન હોવી જોઈએ.
સેબીના સકર્યુલરમાં જણાવવામાં આવ્યા મુજબ આ ઓડિયો-વિઝયુઅલ પ્રેઝન્ટેશનમાં IPO લાવનારી કંપનીએ એવું જણાવવું પડશે કે રોકાણકારોને સલાહ આપવામાં આવે છે કે આ પબ્લિક ઇશ્યુ વિશે તેમણે ઇન્ટરનેટ, ઓનલાઇન વેબસાઇટ, સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ, માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ પર ફિનફલુઅન્સર્સ દ્વારા આપવામાં આવતી અન્ય કોઈ જાણકારી, દસ્તાવેજ, કન્ટેન્ટ કે માહિતી પર આધાર રાખવો ન જોઈએ.
૧૯ માર્ચે આ મુદ્દે વિવિધ સ્ટેકહોલ્ડર્સ દ્વારા રજૂ કરવામાં આવેલા ડ્રાફટ વિશે લોકોની જે ટિપ્પણી આવી એના આધારે આ સકર્યુલર તૈયાર કરવામાં આવ્યો છે.
IPO લાવનારી કંપનીએ અંગ્રેજી અને હિન્દી એમ બે ભાષામાં ૧૦-૧૦ મિનિટનું ઓડિયો-વિઝયુઅલ પ્રેઝન્ટેશન તૈયાર કરવાનું રહેશે અને તમામ મેઇન બોર્ડ પબ્લિક ઇશ્યુ માટે એને જાહેરમાં મૂકવું પડશે.
આ સકર્યુલરની જોગવાઈઓ સેબી પાસે પહેલી જુલાઈ કે એ પછી ડ્રાફટ રેડ હેરિંગ પ્રોસ્પેકટસ ફાઇલ કરનારી કંપનીઓ માટે સ્વૈચ્છિક ધોરણે રહેશે, પણ ૧ ઓકટોબર પછી DRHP ફાઇલ કરનારી કંપનીઓ માટે ફરજિયાત રહેશે.
આ નવા નિયમો એવા સમયે આવ્યા છે જયારે સેબી ફિનફલુઅન્સર્સને નિયંત્રિત કરવા માગે છે અને તેમને સેબીના દાયરામાં લાવવા માગે છે. સેબીનો ઉદ્દેશ ફિનફલુઅન્સર્સ દ્વારા અપાતા ઊંચા વળતરના દાવા પર લગામ લાવવાનો પણ છે.
સેબીનાં ચેરપર્સન માધબી પુરી બુચે એક ઇવેન્ટમાં કહ્યું હતું કે એક વાર પર્ફોર્મન્સ વેલિડેશન મેકેનિઝમ મંજૂર થશે એટલે ફિનફલુઅન્સર કોને કહેવાય અને નિયંત્રણ હેઠળની એન્ટિટીને શું કરવાની મંજૂરી છે એની સ્પષ્ટતા થઈ જશે.
ગયા વર્ષે સેબીએ સોશ્યલ મીડિયા દ્વારા ગેરકાયદે સ્ટોક ઇન્વેસ્ટમેન્ટની સલાહ આપતા ફિનફલુઅન્સર્સ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. આ ઉપરાંત સેબીએ રેગ્યુલેટેડ એન્ટિટી બ્રોકર્સ અને મ્યુચ્યુઅલ ફન્ડ્સને અનરજિસ્ટર્ડ ફિનફલુઅન્સર્સ સાથે સાંકળવા કે તેમનાં ઉત્પાદનોના પ્રચાર માટે તેમની સેવાનો ઉપયોગ કરવા પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે.
(4:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
