News of Monday, 27th May 2024
અમુલ્ય માનવ જીંદગીની રક્ષાની જવાબદારી બંધારણ મુજબ સરકારની છે : TRP અગ્નિકાંડના જવાબદાર ઉચ્ચ અધિકારીઓ સામે એફઆઇઆર કરો : શકિતસિંહ ગોહીલ
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ 'બેક સીટ'ને અવગણી કડક પગલા ભરેઃ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ધનપતિઓના ૧૬ લાખ કરોડ માફ કરી શકે છે તો મૃતકોના પરિવારોને મોટું વળતર આપે : પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષની માંગણી : અઢળક સંપતિ કોઇ જીવ પાછો નહિ આપી શકેઃ કોઇ શબ્દો મૃતકોને સજીવન નહિ કરી શકે : કોઇ SIT નુકશાન ભરપાઇ કરી શકે : મૃતકોના પરિવાર માટે સરકારના કોઇ શબ્દો પુરતા નથી : આવતીકાલે દરેક જીલ્લા મથક ઉપર બિન રાજકીય રીતે કોંગ્રેસ શ્રધ્ધાંજલીના દિવડા જલાવશે : શકિતસિંહ ગોહીલ

આજે રાજકોટ કોંગ્રેસના કાર્યાલય ખાતે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શકિતસિંહ ગોહીલે આક્રોશભેર દુર્ઘટના માટે જવાબદાર ઉચ્ચ અધિકારીઓ સામે એફઆઇઆર નોંધવાની અને પરિવારને મોટું વળતર આપવાની મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સમક્ષ માંગણી કરી હતી. તસ્વીરમાં ટીઆરપી ગેમઝોનમાં મહેમાનગતિ માણવા ગયેલા આઇએએસ અને આઇપીએસ અધિકારીઓની સોશ્યલ મીડીયામાં વહેતી થયેલી તસ્વીર દર્શાવી તેમની ગુન્હાહિત બેદરકારી છતી તેઓએ કરી હતી. જે પ્રથમ તસ્વીરમાં નજરે પડે છે. પત્રકાર પરીષદમાં શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી, ધારાસભ્ય ઋત્વીકભાઇ મકવાણા, પરેશ ધાનાણી, લલીતભાઇ વસોયા, લલીતભાઇ કગથરા, ઇન્દ્રનીલ રાજયગુરૂ અને ગુજરાત એનએસયુઆઇના પ્રમુખ નરેન્દ્ર સોલંકી સહિતના આગેવાનો નજરે પડે છે. (ફોટોઃ સંદીપ બગથરીયા)
રાજકોટ, તા., ર૭: રાજકોટના ઇતિહાસમાં સૌથી વધુ ગોઝારી ગણી શકાય તેવી ઘટના શનિવારે ટીઆરપી ગેમઝોનમાં તંત્રની ગુન્હાહિત બેદરકારીના કારણે બની ગઇ. જેમાં ૩૦-૩૦ લોકો બળીને ભડથું થઇ ગયા. આ ઘટના સંદર્ભે આજે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શ્રી શકિતસિંહ ગોહીલે રાજકોટમાં પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે, અમુલ્ય માનવ જીંદગીની રક્ષાની જવાબદારી બંધારણ મુજબ સરકારની છે. આ ઘટના માટે જવાબદાર સીધા જ ઉચ્ચ અધિકારીઓ છે. જેમની સામે એફઆઇઆર નોંધવા હું મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ સમક્ષ માંગણી કરૂ છું. ગુજરાતમાં તંત્રની બેદરકારીના કારણે સામાન્ય માણસ ભોગ બન્યો હોય તેવી આ પ્રથમ ઘટના નથી. સુરતના તક્ષશીલા કલાસીસનો અગ્નિકાંડ, મોરબી ઝુલતા પુલની હ્ય્દય દ્રાવક ઘટના, વડોદરામાં ભુલકાઓનો ભોગ લઇ જનાર ભયંકર બોટ દુર્ઘટના પછી પણ સરકારે કોઇ શીખ લીધી નહિ એટલે રાજકોટની આ અતિ કરૂણ અને કમનસીબ ઘટના બની છે.
અગન જવાળાઓમાં ટુકડા-ટુકડા થઇ ગયેલા જીવની સરકાર માટે કે જવાબદાર તંત્ર માટે કોઇ કિંમત નથી ! અઢળક સંપત્તિ એક પણ જીવ પાછો લાવી શકવાની નથી, સરકારના કોઇ શબ્દો ભોગ બનનાર મૃતકોના પરિવાર માટે મલમ રૂપ બનવાના નથી. કોઇ એસઆઇટી ૩૦ પરિવારોને પડેલી ખોટ ભરપાઇ કરી શકવાની નથી.
શ્રી ગોહીલે શોકમિશ્રીત રોષ સાથે વધુમાં જણાવ્યું હતું કે, ભાજપને ભંડોળ આપતા ભ્રષ્ટાચારીઓના પાપે રાજકોટની દુઘર્ટના બની છે. પાલનપુરમાં નવનિર્મિત બ્રિજનું ઉદઘાટન થાય તે પહેલા તૂટી પડયો અને તેની નીચે દલીત પરિવાર કચડાઇ મર્યુ છતાં સરકારના પેટનું પાણી હલ્યું નહિ. કમનશીબ બાબત તો એ છે કે, આ પુલ બનાવનારી કંપનીને અગાઉ બ્લેકલીસ્ટ કરવામાં આવી હતી. પાછળથી ભાજપને ભંડોળ આપી દીધું એટલે ફરી તેને કામ સોંપાયું અને નબળા કામને કારણે પુલ ધરાશાયી થયો. નાની-મોટી બાબત તંત્રથી અજાણ રહી ગઇ હોય તે અલગ બાબત છે. નાના બાંધકામો, ઝુંપડા, ઓટલા તોડી મોટાભા થતા અધિકારીઓને ચાર-ચાર વર્ષથી કોઇ પણ સરકારી એજન્સીઓની પરવાનગી વગર છડેચોક ધમધમતો ટીઆરપી ગેમઝોન નજરે ચડયો કેમ નહિ? તેની પાછળ કારણ એ છ ેકે આ ઝોનની મુલાકાત ભૂતકાળમાં તત્કાલીન કલેકટર, તત્કાલીન જીલ્લા પોલીસ વડા, તત્કાલીન ડીસીપી, તત્કાલીન મ્યુનિસીપલ કમિશ્નર સહીતના આઇએએસ અને આઇપીએસ અધિકારીઓ લઇ ચુકયા હતા. એટલું જ નહિ મેયર સહિતના મ્યુનિસીપલ કોર્પોરેશનના પદાધિકારીઓ પણ ટીઆરપી એરીનામાં હાજર હોય તેવા ફોટો ગેમઝોનના સોશ્યલ મીડીયામાં દેખાય છે. આ ઉપરાંત પુર્વ ધારાસભ્ય અરવિંદ રૈયાણી, કિશોર રાઠોડ સહીતની બીજેપીની ટીમ અહિંની મુલાકાતે આવી હોવાના ફોટોઝ પણ ગેમઝોનની સાઇટ ઉપર જોવા મળે છે. જયારે ઉચ્ચ અધિકારીઓ અને ભાજપના પદાધિકારીઓના ચાર હાથ ગેમઝોન ઉપર હોય ત્યારે નાના અધિકારીઓની શું વિસાત કે નિયમનું પાલન કરાવી શકે? તેવો વેધક પ્રશ્ન શ્રી ગોહીલે કર્યો હતો.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હું એવી સરકારનો પણ સાક્ષી છું જેમણે રેલ અકસ્માત થયો હોય તો નૈતિક જવાબદારી સ્વીકારી રેલ મંત્રીએ રાજીનામું ધરી દીધું હોય, પ્લેન અકસ્માત થયો હોય તો ઉડ્ડયન મંત્રીએ રાજીનામુ ધરી દીધું હોય. આ ગોઝારી ઘટનાની જવાબદારી સ્વીકારી ભાજપ સરકાર શું નૈતિકતા દાખવી શકશે? આ સરકાર તો વધુ હપ્તા ઉઘરાવી ભાજપની તિજોરી ભરી શકે તેવા અધિકારીઓને ફિલ્ડ પોષ્ટીંગ આપે છે અને સારા અધિકારીઓને સાઇડ પોષ્ટીંગ આપે છે. મને કહેતા જરા પણ ખચકાટ થતો નથી કે ભાજપે પ્રજાલક્ષી અધિકારીઓ જેવા કે આર.બી.શ્રીકુમાર, રાહુલ શર્મા, સતીષ વર્મા, રજનીશ રાય જેવા આઇપીએસ અધિકારીઓની કારકીર્દી ખતમ કરી નાખી છે. અધિકારીઓનો પગાર ભાજપની તિજોરીમાંથી નથી આવતો જનતાની પરસેવાની કમાણીમાંથી ચુકવાતા ટેક્ષમાંથી આવે છે માટે કોઇ અધિકારી ભાજપનો સેવક નથી તે જનસેવક છે તે સમજી લેવું જોઇએ. સીએમ ભુપેન્દ્રભાઇ પોતે સરકાર ચલાવતા નથી પરંતુ બેક સીટમાંથી અન્ય કોઇ સરકાર ચલાવે છે તે વાત સર્વવિદિત થઇ ગઇ છે. ત્યારે આ કરૂણ દુર્ઘટનામાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ એક સારા નેતા હોવાના નાતે બેક સીટને અવગણી ઉચ્ચ અધિકારીઓ સામે એફઆઇઆર દાખલ કરવાની સુચના આપે તેવી મારી માંગણી છે. મારી બીજી માંગણી એ છે કે નાના-મોટા વળતર કોઇ પરિવારને વ્હાલસોયો પરત નહિ આપી શકે. જે પરિવારો ગેમઝોનમાં ૯૯ રૂપીયાની કન્શેસન ટીકીટ ઉપર ગયા હોય તેમની આર્થીક હાલત આપણે સમજી શકીએ છીએ. આવા પરીવારોને મોટી આર્થીક મદદ મળે તેવી માંગણી હું વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સમક્ષ કરૂ છું અને રાજકારણથી ઉપર ઉઠીને ૩૦ પરિવારો માટે દાખલા રૂપ કાર્યવાહી થાય તેવી માંગણી કરૂ છું. તેમણે જણાવેલ કે ધનપતિઓના ૧૬ લાખ કરોડ માફ કરી શકતા નરેન્દ્રભાઇ મૃતકોના પરિવારોને મોટું વળતર અપાવે તેવી માંગણી કરૂ છું.
(5:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
