<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th May 2024

ફાયર સિસ્‍ટમ તો વસાવી જાણશો પણ ચલાવશે કોણ !

તાલીમબધ્‍ધ સ્‍ટાફ વિના ફાયર સિસ્‍ટમ હોવા છતાં આગ લાગે ત્‍યારે કૂવો ખોદવા જવું પડે તેવી સ્‍થિતી ફાયર સેફટીના નિયમ પ્રમાણે એરિયા, ફાયર લોડ અને રિસ્‍ક એસેસમેન્‍ટ કીટ હોવી અનિવાર્ય

મુંબઇ,તા. ૨૯: રાજકોટ ગેમઝોનમાં બનેલી અગ્નિકાંડની દુર્ઘટનાને પગલે રાજ્‍યભરનું તંત્ર સળવળ્‍યું છે. જવાબદાર અધિકારીઓ સામે કડક એક્‍શન લેવા સાથે ફાયર એનઓસી માટે પણ સરકારે કડક તેવર અપનાવ્‍યા છે. જોકે, ખાટલે મોટી ખોડ હોય તેમ ફાયર એનનોસી માટે તંત્રના ધખારા વચ્‍ચે ફાયર સિસ્‍ટમની ટ્રેનિંગનો છેદ જ ધરાર ઉડાવી દેવાયો છે. તંત્રની લાલ આંખને પગલે લોકોએ ફાયર સિસ્‍ટમ ખરીદવા તો દોટ મૂકી છે પણ ફાયર સિસ્‍ટમ ઓપરેટ કરતા આવડતુ હોય તો આગ સામે રક્ષણ મેળવી શકાશે તે હાલ સળગતો પ્રશ્‍ન બન્‍યો છે.

રાજકોટના ગેમઝોનમાં ફાયર લોડની સામે ફાયર ફાઇટિંગ સિસ્‍ટમ લકવાગ્રસ્‍ત પુરવાર થઇ છે. ટેમ્‍પરરી સ્‍ટ્રકચરમાં રકબ, ફાયબર, ટાયર, સ્‍પંજ વિગેરેની ભરમાર સામે ફાયર સિસ્‍ટમ ધરાર અપૂરતી હતી. એરિયા, કેપેસીટી ફાયર લોડ અને રિસ્‍ક એસેસમેન્‍ટ પ્રમાણે ફાયર કીટ હોવી અનિવાર્ય છે. બીજી તરફ રાજકોટની દુર્ઘટનામાં ચોમેરથી માછલા ધોવાતા સરકારી તંત્રને ફરી ફાયર એનઓસીનો મુદ્દો યાદ આવ્‍યો છે. ૫ વર્ષ પહેલા સુરત તક્ષશિલા કાંડમાં પણ ફાયર એનઓસી મુદ્દે ભારે સળવળાટ જોવા મળ્‍યો હતો અને હંમેશાની જેમ મામલો ઠંડો પડતા ફરી સ્‍થિતી જૈસ થે થઇ ગઇ હતી. આ વખતે પણ સરકારે ફાયર એનઓસી મુદ્દે કડક તેવર અપનાવ્‍યા છે, જ્‍યાં પણ લોકોની વધુ ભીડ જામતી હોય તેવા સ્‍થળ ફરજિયાત ફાયર સિસ્‍ટમ લગાડવાના આદેશો જારી કરાયા છે. સાથોસાથ ફાયર એનઓસી ન હોય તેઓ સામે ફોજદારી ગુનો નોંધવાનો ફુંફાડો મરાયો છે. જો કે, લોકો ફાયર સિસ્‍ટમ ઇન્‍સ્‍ટોલ કરાવી તંત્ર પાસેથી ફાયર એનઓસી તો મેળવી લેશે પણ આ લાગે ત્‍યારે આ ફાયર સિસ્‍ટમ ઓપરેટ કોણ કરશે? તે યક્ષ પ્રશ્‍ન છે. શહેરમાં મોટાભાગની જગ્‍યાએ ફાયર સિસ્‍ટમ તો લગાડાઇ છે પણ અણીના સમયે શોભારૂપ પુરવાર થાય તેવી સ્‍થિતિનું નિર્માણ થયું છે. ફાયર એનઓસીની જેમ ફાયર સિસ્‍ટમની ટ્રેનિંગ પણ ફરજિયાત કરવી જોઇએ એવી માંગ ઉઠી છે. જે-તે દુકાન, મોલ, ગેમઝોન, જીમ, થિએટર, માર્કેટ, સ્‍કૂલ, કલાસીસ વિગેરેના સ્‍ટાફને ફાયર સિસ્‍ટમ ઓપરેટ કરતા આવડશે તો આગથી બચી શકાશે. નહિતર ફાયર સિસ્‍ટમ હોવા છતાં આગ લાગે ત્‍યારે કૂવો ખોદવા જવું પડે તેવી પરિસ્‍થિતિનું નિમાર્ણ થશે.

 સિકયોરિટી એજન્‍સીઝના ગાર્ડ ફાયર ટ્રેન્‍ડ હોવા જોઇએ

નિષ્‍ણાંતોના કહેવા પ્રમાણે સરકારે એનઓસી આપતા પહેલાં જે-તે સંસ્‍થા પાસે ફાયર ટ્રેન્‍ડ સ્‍ટાફ છે કે કેમ તેની તપાસ કરવી જોઇએ. એલીમેન્‍ટ્રી ફાયર ફાઇટિંગ કોર્સ ઓછામાં ઓછો એક મહિનાનો પાસ કરેલો ફાયર કમ સિકયોરિટી ગાર્ડ હોવો જોઇએ. હાલમાં દરેક જગ્‍યાએ સિકયોરિટી ગાર્ડ ફરજ બજાવતા હોય છે. આ સિકયોરિટી એજન્‍સીઝને પોલીસ કમિશનર દ્વારા લાયસન્‍સ ફાળવવામાં આવે છે. જો સરકાર એવું પ્રોવિઝન લાવે જે -તે સિકયોરિટી એજન્‍સીઝના તમામ સ્‍ટાફને ફાયર સિસ્‍ટમ ઓપરેટ કરતા આવડતુ હોય અને તેઓ ટ્રેનિંગ અંગેના સર્ટિફિકેટ્‍સ રજૂ કરે તો જ સિકયોરિટફી એજન્‍સીઝને લાયસન્‍સ આપવાની ફરજિયાત જોયવાઇ કરવી જોઇએ. સરકારે ફાયર બ્રિગેડ, પ્રાઇવેટ સંસ્‍થા કે રિટાર્યડ ફાયર ઓફિસરની મદદ લઇ ફાયર ફાઇટિંગ સિસ્‍ટમની ટ્રેનિંગના કલાસ શરૂ કરી શકે છે એવું પણ નિષ્‍ણાંતોનું સુચન છે.

ફાયર ફાઇટિંગ સિસ્‍ટમની ખરીદીમાં ૨૫ ટકા વધારો

ફાયર ફાઇટિંગ સિસ્‍ટમ અંગે સફાળા જાગેલા તંત્રએ હવે કડકાઇ દાખવી છે. ફોજદારી એક્‍શનની ચિમકી વચ્‍ચે લોકોએ ફાયર કીટ ખરીદવા દોડધામ કરવા સાથે ઇન્‍કવાયરી પણ શરૂ કરી દીધી છે. ફાયર કીટ વિક્રેતાએ જણાવ્‍યુ કે, રાજકોટની ઘટના બાદ તંત્રએ કડક વલણ અપવાનતા ફાયર કીટ ખરીદવામાં ૨૫ ટકા સુધીનો વધારો નોંધાયો છે અને આગામી દિવસોમાં આ આંકડો વધે તેવી શક્‍યતા છે.

(10:01 AM IST)