<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th May 2024

ટુંકા આર્થિક સ્‍વાર્થ માટે લોકહિત ગિરવે મૂકનારા સામે ગાળિયો કસાયો : કોઇ પણ બાંધછોડ નહિ

નિયમોનો ઉલાળીયો કરનારનું હવે આવી બનશે

ધાર્મિક સ્‍થળો, મેળાવડાઓ, હોસ્‍પિટલો - શાળા - કોલેજો - મોલ - મલ્‍ટિપ્‍લેકસ - રેસ્‍ટોરન્‍ટ - ગેમઝોન - શોરૂમની ઉલટતપાસ : ફાયર NOC ન હોય તેની સામે થશે કેસ

નવી દિલ્‍હી, તા.૨૯: રાજકોટના ગેમઝોનમાં બનેલી આગની ગોઝારી ઘટનામાં ૨૮ થી ૩૦ નિર્દોષ લોકોનો ભોગ લેવાયા બાદ હાઇકોર્ટની આકરી ટિપ્‍પણીને પગલે રાજય સરકાર કોઇપણ બાંધછોડ કરવા માંગતી નથી. સરકાર એકશન મોડમાં આવી ગઇ છે અને હવે નિયમોનો ભંગ કરનાર સામે આકરા પગલા ભરવાના નિર્દેશો જારી થયા છે. કોમર્શિયલ  બિલ્‍ડીંગો, હોસ્‍પિટલો, ગેમઝોન, જીમ, સ્‍કુલ, કોલેજો, ફુડ કોર્ટ, રેસ્‍ટોરન્‍ટ, હોટલો તેમજ જયાં મોટી સંખ્‍યામાં લોકો ભેગા થતા હોય તેવા સ્‍થળે ફાયર સેફટીની ચકાસણી, આગજની કે અન્‍ય કોઇ ઘટના બને તો બહાર નીકળવા માટેના ઉપલબ્‍ધ વિકલ્‍પો છે કે નહિ તેની પણ તપાસના આદેશો આપવામાં આવ્‍યા છે.

ગુજરાતમાં કોઈ મોટી દુર્ઘટના બને ત્‍યાર પછી થોડા દિવસ માટે સરકારી તંત્ર એલર્ટ થઈ જાય છે અને જાતજાતના આદેશ છૂટવા લાગે છે. તાજેતરમાં રાજકોટમાં ગેમ ઝોનની ઘટના પછી હવે દરેક જગ્‍યાએ ફાયર NOCનો આગ્રહ રાખવામાં આવી રહ્યો છે. રાજ્‍ય સરકારે કલેક્‍ટરોને આદેશ આપ્‍યો છે કે તમામ ધાર્મિક સ્‍થળો, શૈક્ષણિક સંસ્‍થાઓ અને મનોરંજનની પ્રવળત્તિ થતી હોય ત્‍યાં ફાયર એનઓસીની ચકાસણી કરવામાં આવે, તથા જ્‍યાં પરવાનગી લેવામાં આવી ન હોય ત્‍યાં ગુનો નોંધવામાં આવે.

રાજ્‍ય સરકારની આ કામગીરી કેટલા સમય સુધી ચાલશે તે નક્કી નથી, પરંતુ અત્‍યારે સરકારી તંત્ર સક્રિય થયું હોય તેવો દેખાવ કરે છે. આજે રાજ્‍ય સરકારે તમામ જિલ્લા કલેક્‍ટરોને આદેશ કર્યો છે કે જેની પાસે ફાયર NOC ના હોય તેની સામે ગુનો નોંધવામાં આવે. કલેક્‍ટરોએ જિલ્લા પોલીસ વડાને સૂચના આપી દીધી છે. તેમાં ગુના નોંધવા માટે સ્‍પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્‍યો છે.  આ સૂચના અનુસાર રાજ્‍યમાં રાજકોટની ઘટનાનું ફરીથી પુનરાવર્તન ન થાય તેની તકેદારીના ભાગરૂપે કાર્યવાહી કરવામાં આવશે. રાજ્‍યમાં તમામ શહેરોના મંદિર, મસ્‍જિદ, સ્‍કૂલ, કોલેજ, મોલ, થિયેટર, ફૂડ માર્કેટ, વસ્‍તી ગીચતા ધરાવતા માર્કેટ, ગેમ ઝોન સહિતના તમામ સ્‍થળો કે જ્‍યાં મોટી સંખ્‍યામાં પ્રજા એકઠી થાય છે એ તમામ સ્‍થળોની ચકાસણી કરવા માટે જણાવવામાં આવ્‍યું છે.

આ આદેશમાં જણાવ્‍યું છે કે દરેક જગ્‍યાએ સ્‍થાનિક મામલતદાર-નાયબ મામલતદાર અને પોલીસ સંયુક્‍ત રીતે ચકાસણી કરવા જશે. જે તે એકમમાં ફાયર એનઓસી છે કે નહીં તેની ચકાસણી કરશે. કોઈ એકમ પાસે ફાયર એનઓસી નહીં હોય તો એકમ સામે તાત્‍કાલિક ગુનો નોંધવા માટેની કાર્યવાહી કરવામાં આવશે.

અલગ અલગ જિલ્લાઓમાં અત્‍યારે સ્‍કૂલોમાં પણ ફાયર સેફ્‌ટી અને ફાયર એનઓસી અંગે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. અમદાવાદમાં ગઈકાલે ૧૫૦ સ્‍કૂલોમાં ચેકિંગ કરવામાં આવ્‍યું હતું. અમદાવાદ શહેર અને ગ્રામ્‍યની મળીને કુલ ૧૬૦૦થી વધુ સ્‍કૂલોમાં ઝચ્‍બ્‍ કચેરીની ૩૦થી વધુ ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવશે.

અમદાવાદમાં ડીઈઓ કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ૧૦૦ સ્‍કૂલોમાં ચેકિંગ કરવામાં આવ્‍યું હતું. હાલમાં ૨૦ ટીમો દ્વારા ચેકિંગની કામગીરી થઈ રહી છે. જે શાળાઓની ફાયર એનઓસીની મુદ્દત એક મહિનામાં પૂરી થવાની હોય તેમને ફાયર એનઓસી રિન્‍યુ કરવા માટે જણાવાયું છે. કેટલીક જગ્‍યાએ ફાયર સેફ્‌ટીના સાધનો છે, પરંતુ તે બંધ હાલતમાં પડેલા છે અથવા તેનો કયારેય ઉપયોગ જ નથી થયો. આ ઉપરાંત આ સાધનો વસાવ્‍યા પછી તેને કેવી રીતે ચલાવવા તેની તાલીમ પણ જરૂરી બાબત છે. અમદાવાદ ગ્રામ્‍યની શાળાઓમાં હાલમાં ચેકિંગ ચાલુ છે.

(10:43 AM IST)