<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th May 2024

આગકાંડઃ રાજકોટ, ગોંડલ, ભાવનગર, સુરેન્‍દ્રનગર, ધ્રોલ, ભાવનગર અને વેરાવળના ૨૫ હતભાગીઓના મૃતદેહો પરિવારજનોને સોંપાઇ ગયા

ગેમ ઝોનની ગોઝારી આગે અનેક પરિવારના હર્યાભર્યા માળા વેરવિખેર કરી નાંખ્‍યાઃ મોટાભાગનાની ઓળખ થઇ ગઇ સાથે કરૂણ કથનીઓ પણ સામે આવી : કેનેડાથી રાજકોટ આવી દૂર્ઘટનાના અઠવાડીયા અગાઉ લગ્ન કરનારા અક્ષય કિશોરભાઇ ઢોલરીયા તેના પત્‍નિ-સાળી સાથે ભોગ બન્‍યાઃ અક્ષયના માતા-પિતા ગત સાંજે અમેરિકાથી આવતાં ડીએનએ સેમ્‍પલ મોકલાયાઃ કાલે રિપોર્ટ આવશેઃ વ્‍હાલસોયા સ્‍વજનો ગુમાવનારા પરિવારોમાં શોકની કાલીમા

વેરાવળના વિવેક દુસારા, તેના પત્‍નિ  ખુશાલી અને સાળી ત્રીશાના મૃતદેહ ગત સાંજે સોંપાતા વેરાવળ-રાજકોટ ખાતે અંતિમવિધી થઇ હતી

રાજકોટ તા. ૨૯: નાના મવા રોડ પર મોકાજી સર્કલ પાસે આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં ગોઝારી આગની દુર્ઘટના અનેક પરિવારના માળા વેરવિખેર કરી ગઇ છે. મૃત્‍યુ પામેલા લોકોના ભડથું થઇ ગયેલા મૃતદેહની ઓળખ કરવા માટે ડીએનએ ટેસ્‍ટ કરાવવા પડયા છે. શનિવારથી આજ સુધીમાં જેટલા ડીએનએ સેમ્‍પલ લેવામાં આવ્‍યા તે પૈકીના ૨૫ સેમ્‍પલ મેચ થઇ જતાં આજ સુધીમાં ૨૫ મૃતદેહો તેમના સ્‍વજનોને સોંપવામાં આવ્‍યા છે. કેનેડાથી રાજકોટ આવી લગ્ન કરનારા યુવાન અને તેના પત્‍નિ અને સાળી સાથે ગેમ ઝોનની આગમાં લાપતા થયેલ હોઇ આ યુવાનના માતા ગઇકાલે અમેરિકાથી રાજકોટ આવતાં સાંજે ડીએનએ સેમ્‍પલ લેવાયા હતાં.  જેનો રિપોર્ટ હવે આવશે. આ યુવાનના પત્‍નિ અને સાળીના ડીએનએ સેમ્‍પલ મેચ થઇ ગયા હોઇ આ બંને બહેનના નિષ્‍પ્રાણ ...

ગોઝારી ગેમ ઝોનની દૂર્ઘટનામાં કાટમાળમાંથી પોલીસે ભડથું થઇ ગયેલા મૃતદેહો અને છુટા પડી ગયેલા અંગો મળ્‍યા હતાં. કયો મૃતદેહ કોનો તે ઓળખી શકાય તેવી હાલત ન હોઇ તમામ મૃતદેહના પોસ્‍ટમોર્ટમ રાજકોટ ખાતે કરાયા બાદ લાપતા સ્‍વજનોના ડીએનએ સેમ્‍પલ લેવામાં આવ્‍યા હતાં અને આ સેમ્‍પલ તથા મૃતદેહોમાંથી લેવાયેલા લોહીના સેમ્‍પલ અને લોહી ન હોય તો બીજા સેમ્‍લપ લઇ ગાંધીનગર એફએસએલમાં મોકલાયા હતાં. જે પૈકી આજ બુધવાર સુધીમાં કુલ ૨૫ મૃતદેહના ડીએનએ સેમ્‍પલ મેચ થઇ જતાં તેમના મૃતદેહો સ્‍વજનોને સોંપી દેવામાં આવ્‍યા છે. ભોગ બનનારા હતભાગીઓમાં રાજકોટ, ગોંડલ, સુરેન્‍દ્રનગર, ભાવનગર, જામનગર, ધ્રોલ, વેરાવળ સોમનાથના રહેવાસીઓનો સમાવેશ થાય છે. અત્‍યાર સુધીમાં કુલ ૨૫ મળતદેહ તેઓના સ્‍વજનોને સોંપવામાં આવેલ છે.

એસીપીશ્રી રાધિકા ભારાઇએ જણાવ્‍યા મુજબ અત્‍યાર સુધીમાં જે ૨૫ મૃતદેહ સોંપાયા છે તેમના નામ આ મુજબ છે. (૧) સત્‍યપાલસિંહ છત્રપાલસિંહ જાડેજા, રહે. રાજકોટ, (૨) સ્‍મિત મનીષભાઈ વાળા, રહે. રાજકોટ, (૩) સુનિલભાઈ હસમુખભાઈ સિધ્‍ધપુરા, રહે. રાજકોટ, (૪) જીગ્નેશ કાળુભાઇ ગઢવી, રહે. રાજકોટ, (૫) ઓમદેવસિંહ ગજેન્‍દ્રસિંહ ગોહિલ, રહે. ભાવનગર, (૬) વિશ્વરાજસિંહ જશુભા જાડેજા રહે. રાજકોટ, (૭) આશાબેન ચંદુભાઈ કાથડ, રહે. રાજકોટ, (૮) સુરપાલસિંહ અનિરૂધ્‍ધસિંહ જાડેજા, રહે. ધ્રોલ-જામનગર, (૯) નમ્રજીતસિંહ જયપાલસિંહ જાડેજા, રહે. ધ્રોલ-જામનગર, (૧૦) જયંત અનીલભાઈ ઘોરેચા, રહે. રાજકોટ, (૧૧) હિમાંશુભાઈ દયાળજીભાઈ પરમાર, રહે. રાજકોટ, (૧૨) ધર્મરાજસિંહ વિરેન્‍દ્રસિંહ જાડેજા, રહે.રાજકોટ, (૧૩) વિરેન્‍દ્રસિંહ નિર્મળસિંહ જાડેજા, રહે. રાજકોટ, (૧૪) દેવશ્રીબા હિતેન્‍દ્રસિંહ જાડેજા, રહે. સુરેન્‍દ્રનગર, (૧૫) રાજભા પ્રદીપસિંહ ચૌહાણ , રહે. રાજકોટ, (૧૬) શત્રુઘ્‍નસિંહ શક્‍તિસિંહ ચુડાસમા, રહે.ગોંડલ, (૧૭) નીરવભાઈ રસિકભાઈ વેકરીયા, રહે. રાજકોટ, (૧૮) વિવેક અશોકભાઈ દુસારા, રહે. વેરાવળ, (૧૯) ખુશાલી વિવેક દુસારા રહે. વેરાવળ, (૨૦) ખ્‍યાતીબેન રતિલાલભાઈ સાવલિયા, રહે. રાજકોટ, (૨૧) હરિતાબેન રતિલાલભાઈ સાવલિયા, રહે. રાજકોટ, (૨૨) ત્રિશા અશોકભાઈ મોડાસિયા, રહે. રાજકોટ, (૨૩) કલ્‍પેશ પ્રવીણભાઈ બગડા, રહે. રાજકોટ, (૨૪) મિતેષભાઈ બાબુભાઈ જાદવ, રહે. રાજકોટ અને (૨૫) પ્રકાશ કનૈયાલાલ હિરણ, રહે. રાજકોટનો સમાવેશ થાય છે.

 આગ કાંડમાં કેનેડાથી રાજકોટ આવી અઠવાડીયા પહેલા જ રાજકોટના ખ્‍યાતી રતિલાલ સાવલીયા સાથે કોર્ટ મેરેજ કરનારા અક્ષય ઢોલરીયાના ડીએનએ સેમ્‍પલ મોકલવાના બાકી હતાં. તેના પિતા તથા માતા  અમેરિકાથી ગત સાંજે રાજકોટ આવતાં સેમ્‍પલ લઇ ગાંધીનગર મોકલાયા છે. જે રિપોર્ટ હવે આવશે.

છુટા પડી ગયેલા અંગો કોના? તે અંગે મુંઝવણ

ડીએનએ કચેરીના કર્મચારીઓ કહે છે-આ પ્રકારનો ભયંકર અકસ્‍માત અને આવા સેમ્‍પલની કામગીરી કદી જોઇ નહોતી

અમદાવાદ તા. ૨૯: રાજકોટનાં ટીઆરપી મોલમાં થયેલા અગ્નિકાંડમાં ફાયર બ્રિગેડ અને પોલીસને શરીરથી છૂટા પડી ગયેલા સાત પગ મળ્‍યા છે. આ પગ કોના એ મુદ્દે પોલીસ મૂંઝવણમાં છે કેમ કે ડીએનએ ટેસ્‍ટમાં આ પગના ડીએનએ પોતાનાં સ્‍વજનો ગુમ થયાં હોવાની ફરિયાદ નોંધાવનારાં લોકોમાંથી કોઈની સાથે મેચ થતા નથી.

ડીએનએ મેચ કરવાની કામગીરી  ગાંધીનગરની ન્‍યાય સહાયક વિજ્ઞાનની કચેરીના ડીએનએ વિભાગમાં ચાલી રહી છે. આ કામગીરી કરી રહેલા કર્મચારીઓનું કહેવું છે કે, આવો ભયંકર અકસ્‍માત અને આ પ્રકારનાં ડીએનએ સેમ્‍પલ અમે જિંદગીમાં કદી જોયાં નથી. ગેમ ઝોનમાં ગો-કાર્ટ માટેના મેદાનમાં વચ્‍ચે વચ્‍ચે ટાયરો ગોઠવાયેલાં હતાં. આગની દુર્ઘટનાનો ભોગ બનેલાં લોકોનું માંસ આગમાં ભૂંજાઈને કાળું પડી ગયું હતું. ટાયરો પર માંસના લોચેલોચા ચોંટેલા મળ્‍યા છે આ માંસના લોચા એક જ વ્‍યક્‍તિના નથી પણ અલગ અલગ વ્‍યક્‍તિના છે. કાળાં કલરના ટાયર પર ભૂંજાઈને કાળાં થયેલા માંસના લોચામાંથી ડીએનએ ટેસ્‍ટ માટે સેમ્‍પલ લેવાનું કામ બહુ કપરું છે એવું ડીએનએ વિભાગનાં સૂત્રોનું કહેવું છે.

કોઇના સ્‍વજનો ગુમ હોય તો તુરંત પોલીસની આ નંબરો પર સંપર્ક કરો

 રાજકોટઃ ગેમ ઝોન દુર્ઘટનામાં ક્રાઈમ બ્રાંચના એસીપી ભરત બી. બસિયાએ જણાવ્‍યું હતું કે ઘટનાની તા.૨૫થી કોઇ પરિવારની વ્‍યક્‍તિ ગુમ થઈ હોય અને તે વ્‍યક્‍તિ ગેમ ઝોનમાં ગયાની શંકા હોય તો ગુમ થનાર વ્‍યક્‍તિ અંગે પોલીસ અધિકારીઓને જાણ કરવી. આ માટે એસીપી ક્રાઈમ બસિયાના મોબાઇલ નંબર ૯૦૩૩૬ ૯૦૯૯૦, પીઆઈ ગોંડલિયા, ૯૬૮૭૬.૫૪૯૮૯, પીઆઈ એસ.એમ. જાડેજા, ૯૭૧૪૯ ૦૦૯૯૭, પીએસઆઇ આર.એચ.ઝાલા, ૯૮૨૫૮ ૫૫૩૫૦, પીએસઆઈ સાકરિયા ૮૦૦૦૦ ૪૦૦૫૦ ઉપર સંપર્ક કરી માહિતી આપવાની અપીલ કરવામાં આવી છે. બીજી બાજુ ગેમઝોનના સીસીટીવી ફૂટેજ પણ ચકાસવામાં આવી રહ્યા છે. શનિવારે જે સમયે આગ લાગી તે અગાઉ કેટલા લોકો અંદર ગયા હતા અને કેટલા બહાર નીકળી શકયા હતા તેની વિગત મેળવાઈ રહી છે.

(12:03 PM IST)