<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th May 2024

રાત્રે દિલ્હીમાં ફરી આગએ કહેર વર્તાવ્યો :અલગ-અલગ ઘટનાઓમાં સંખ્યાબંધ વાહનો અને ઇમારતો બળીને રાખ

આગમાં પાંચ દુકાનો બળીને ખાખ : અનેક વાહનો સળગી ગયા : મોટાપાયે નુકશાન

 

રાજધાની દિલ્હીમાં મંગળવારે રાત્રે આગની અલગ-અલગ ઘટનાઓમાં મોટું નુકસાન થયું હતું. રાત્રે લગભગ 1 વાગ્યાની આસપાસ મધુ વિહાર વિસ્તારના પાર્કિંગમાં ભીષણ આગ લાગી હતી. ગઈકાલે રાત્રે, જૂની દિલ્હીમાં ફતેહપુરી મસ્જિદ પાસેની એક ઈમારતમાં આગ લાગવાની જાણ થઈ હતી. આ આગમાં પાંચ દુકાનો પણ બળીને ખાખ થઈ ગઈ હતી.

   દિલ્હીના મધુ વિહાર વિસ્તારમાં મંડાવલી પોલીસ સ્ટેશન પાસે પાર્કિંગમાં લાગેલી આગમાં ઘણી કાર બળીને ખાખ થઈ ગઈ હતી. આગની જાણ ફાયર ટીમને ગત રાત્રે 1:17 કલાકે કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની 9 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. કલાકોની જહેમત બાદ આગ કાબુમાં આવી હતી

   ઘટના અંગે ફાયર ઓફિસર અનુપ સિંહે જણાવ્યું કે, આગની માહિતી મળતાની સાથે જ 9 ફાયર ટેન્ડર ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આગ એટલી ભીષણ હતી કે તેણે પાર્કિંગમાં એક પછી એક 20થી વધુ વાહનોને લપેટમાં લીધા હતા. આગ કાબૂમાં આવી ત્યાં સુધીમાં 17 થી 18 વાહનો બળીને રાખ થઈ ગયા હતા. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.

  ઘર પાર્કિંગમાં આગ લાગવાની ઘટનામાં ભારે નુકસાન થયું છે. 17 થી 18 વાહનો બળીને રાખ થઈ ગયા હતા અને અનેક વાહનોને પણ નુકસાન થયું હતું. પાર્કિંગમાં રાખેલી કારનો કાચ તૂટી ગયો હતો. સવારે જ્યારે લોકો જાગ્યા ત્યારે તેમને ઘટનાની જાણ થઈ. જ્યારે હું સ્થળ પર પહોંચ્યો ત્યારે મેં જોયું કે તે ભયંકર પરિસ્થિતિ હતી. ગરમીના કારણે આગ ખૂબ જ ઝડપથી ફેલાઈ હતી.

  આ દરમિયાન ગઈકાલે રાત્રે જૂની દિલ્હીમાં ફતેહપુરી મસ્જિદ પાસેની એક ઈમારતમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. દિલ્હી ફાયર અનુસાર, સવારે 3.12 વાગ્યે બિલ્ડિંગમાં આગનો કોલ આવ્યો હતો. લગભગ બે કલાકની ભારે જહેમત બાદ આઠ વાહનોએ આગ પર કાબુ મેળવ્યો હતો. સવારે લગભગ 5:10 કલાકે આગ ઓલવાઈ હતી. આગના કારણે 5 થી 6 દુકાનો બળીને રાખ થઈ ગઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈને ઈજા થઈ ન હતી. 

     દિલ્હી ફાયર સર્વિસના અધિકારીના જણાવ્યા અનુસાર ફતેહપુરી મસ્જિદ પાસે આવેલી પાંચ દુકાનોમાં આગ લાગી હતી. તેમણે કહ્યું કે આગની માહિતી સવારે 3.12 વાગ્યે મળી હતી અને આઠ ફાયર ટેન્ડરોને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા. સવારે પાંચ વાગ્યા સુધીમાં આગ કાબુમાં આવી હતી. આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી.

(1:14 PM IST)