<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th May 2024

જુનમાં પણ ગરમીનો આતંક જારી રહેશે : હવામાન ખાતુ

ગુજરાત, પંજાબ, રાજસ્‍થાન, હરિયાણા, દિલ્‍હી, યુપી, મધ્‍યપ્રદેશમાં ગરમીનું જોર વધુ રહેશે : હીટવેવની પણ આગાહી

નવી દિલ્‍હી તા. ૨૯ : મે મહિનામાં પડેલી ગરમીએ અને વધતા તાપમાને લોકોના પરસેવા છોડાવી દીધા છે. ત્‍યારે હવે જૂન મહિનામાં તાપમાન વધુ રહેવાની સંભાવના છે. દક્ષિણ ભારત સિવાય દેશના બધા જ ભાગોમાં ગરમી વધી રહી છે. ત્‍યારે જૂનમાં વધારે ગરમીને લઈને IMDએ ચોમાસાને જ જવાબદાર ગણાવ્‍યું છે.

વર્ષ ૨૦૨૩ને વિશ્વનું સૌથી વધુ ગરમ વર્ષ જાહેર કરવામાં આવ્‍યું હતું. ત્‍યારે વર્ષ ૨૦૨૪ને લઈને કહેવામાં આવી રહ્યું છે કે આ બધા જ રેકોર્ડ તોડીને વર્ષ ૨૦૨૩ કરતાᅠ પણ વધારે ગરમ હોઈ શકે છે, જેના તરફ એપ્રિલ-મેનું તાપમાન ઈશારો કરી ચુક્‍યું છે. દેશના ઘણા ભાગોએ એપ્રિલ-મે મહિનામાં હીટ વેવનો માર સહન કર્યો છે ત્‍યારે હજુᅠ પણ હીટ વેવનો કહેર ચાલુ છે.

રાજસ્‍થાનના ફાલૌદી અને ચરુમાં તાપમાન ૫૦ ડિગ્રીને પાર પહોંચી ગયું છે. દેશના ઘણા ભાગોમાં પારો ૪૦ ડિગ્રીથી વધારે છે, જયારે ૪૦ ડિગ્રીથી વધુ તાપમાનની સ્‍થિતિને હીટ વેવ માનવામાં આવે છે. જો કે હવામાન વિભાગે ગરમીના કહેરથી ૩૦ મે પછી રાહત મળવાની આગાહી કરી છે, પરંતુ ગરમીની સાચી અગ્નિ પરીક્ષાનો સામનો તો જૂનમાં થવાનો છે. સીધી વાત છે કે મે મહિના કરતા બમણી ગરમી જૂન મહિનામાં પડવાની છે. આને લઈને IMDએ એલર્ટᅠ પણ જાહેર કર્યું છે.

IMD એ સોમવારે ચોમાસા અને હીટ વેવને લઈને સમીક્ષા બેઠક યોજી હતી, જેના પછી IMD એ જૂન મહિના માટે આગાહી જાહેર કરી છે. IMD અનુસાર, દક્ષિણ ભારત સિવાય સમગ્ર દેશમાં માસિક તાપમાન સામાન્‍ય કરતાં વધુ રહેવાની સંભાવના છે. જયારે દેશના મોટાભાગના ભાગોમાં લઘુત્તમ તાપમાનᅠ પણ સામાન્‍ય કરતા વધુ રહેવાની ધારણા છે.

હીટ વેવને લઈને IMDએ કહ્યું છે કે જૂન મહિનામાં સામાન્‍ય કરતા વધુ ગરમી પડવાની સંભાવના છે. IMD અનુસાર, જૂન મહિનામાં મધ્‍ય ભારત અને ઉત્તર મધ્‍ય ભારતમાં વધુ ગરમી પડશે. એટલે કે પંજાબ, રાજસ્‍થાન, હરિયાણા, દિલ્‍હી, યુપી, ગુજરાત અને મધ્‍યપ્રદેશના લોકોને મે મહિનાની સરખામણીએ જૂનમાં વધુ ગરમીનો સામનો કરવો પડી શકે છે. વાસ્‍તવમાં જૂન મહિનામાં ૩ દિવસ માટે પડતી લૂને સામાન્‍ય માનવામાં આવે છે, પરંતુ આ વખતે IMDએ જૂન મહિનામાં ૬ દિવસ સુધી હીટ વેવ રહેવાની આગાહી કરી છે.

જયારે જૂન મહિનામાં પડતી ગરમી માટે IMD એ ચોમાસાને જ જવાબદાર ગણાવ્‍યું છે. વાસ્‍તવમાં જૂનના પહેલા સપ્તાહમાં ચોમાસું દક્ષિણ અને પૂર્વ તરફ છવાઈ જશે, જેનાથી આ વિસ્‍તારોમાં ભેજ વધશે. આ કારણે ભારતના બાકીના વિસ્‍તારોમાં ફૂંકાતા પવનને કારણે ભેજનું પ્રમાણ વધશે, પરિણામે દિવસ અને રાત્રિના તાપમાનમાં વધારો થશે.

(1:18 PM IST)