<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th May 2024

ટીપીઓ સાગઠીયા, ડેપ્‍યુટી ચીફ ફાયર ઓફીસર ઠેબા, પીજીવીસીએલના એન્‍જીનીયર ચૌહાણને ઉઠાવી લેતી ક્રાઇમ બ્રાન્‍ચઃ સઘન પૂછપરછ શરૂ

ટીઆરપી ગેમઝોનની માનવ સર્જીત દુર્ઘટના અંગે ચાલતી તપાસે ગતિ પકડી : જવાબદાર કોઇ પણ ચમ્‍મરબંધીને નહિ છોડવા ઉપરથી આદેશ છેઃ ડીવાયએસપી ભરત બસીયા

રાજકોટ, તા., ર૯: ગત શનિવારે બપોર બાદ  રાજકોટના નાનામૌવા વિસ્‍તારમાં આવેલા ટીઆરપી ગેમઝોનમાં વેલ્‍ડીંગની કામગીરી દરમિયાન ઝરેલા તણખાએ વિકરાળ આગનું સ્‍વરૂપ ધારણ કરી લેતા ગણત્રીના મિનીટોમાં ગેમઝોન સ્‍મશાનઝોનમાં પલ્‍ટાઇ ગયો હતો અને ૩૦ થી વધુ માનવ જીંદગીઓ બળીને ભળથુ થઇ ગઇ હતી. અત્‍યંત કરૂણ એવી આ દુર્ઘટના બાદ સફાળી જાગેલી સરકારે તાત્‍કાલીક સ્‍પેશ્‍યલ ઇન્‍વેસ્‍ટીગેશન ટીમની રચના કરી હતી. જેણે ૩ દિવસની પ્રાથમીક તપાસના અંતે સરકારને રિપોર્ટ સુપ્રત કરતા જ ટીઆરપી ગેમઝોન દુર્ઘટનાની તપાસ કરી રહેલી રાજકોટ ક્રાઇમ બ્રાન્‍ચની તપાસમાં પણ ગતિ આવી ગઇ છે. સંચાલકો પૈકીના ૫ લોકોની અગાઉ ધરપકડ થઇ અને જુદા જુદા વિભાગના ૭ અધિકારીઓને સસ્‍પેન્‍ડ કરી નાખવામાં આવ્‍યા તેમજ રાજકોટના ૩ આઇપીએસ અને ૧ આઇએએસની બદલી કરી નાખવામાં આવી હતી. દરમિયાન આજે રાજકોટ મ્‍યુનિસીપલ કોર્પોરેશનના ટાઉન પ્‍લાનીંગ ઓફીસર એમ.ડી.સાગઠીયા, ડેપ્‍યુટી ચીફ ફાયર ઓફીસર બી.જે.ઠેબા, પીજીવીસીએલના ડેપ્‍યુટી એન્‍જીનીયર ચૌહાણને પણ ક્રાઇમ બ્રાન્‍ચે પુછપરછ માટે ઉઠાવી લીધા છે.

તપાસનીસ ડીવાયએસપી બી.બી. બસીયાએ અકિલા સાથે વાત કરતા ૩ અધિકારીઓની પુછપરછ અર્થે અટકાયત થયાનું જણાવ્‍યું હતું. તેમણે વધુમાં જણાવ્‍યું હતું કે, દુર્ઘટના માટે જવાબદાર કોઇ પણ ચમ્‍મરબંધીને નહિ છોડવા અમને ઉપરથી આદેશો મળી ચુકયા છે.

ઉલ્લેખનીય છે કે, ટીઆરપી ગેમઝોન છેલ્લા ૩ વર્ષથી વધુ સમયથી ગેરકાયદે સ્‍ટ્રકચર, ગેરકાયદે બાંધકામ, ફાયર સેફટી સંદર્ભની જરૂરી પરમીશન સહીતના કાયદાઓનો ભંગ કરી ગેરકાયદે ધમધમતુ હતું. જેમાં આગ ફાટી નિકળ્‍યા બાદ સ્‍થળ પર ઉપલબ્‍ધ ફાયર સેફટીના ટાંચા સાધનો કામ આવ્‍યા ન હતા અને ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલા અસંખ્‍ય જીંદગીઓ સેંકડો ડીગ્રી તાપમાનની ગરમીમાં હોમાઇ ગઇ હતી.

આજે સવારે નવનિયુકત મ્‍યુનિસીપલ કમિશ્નર ડી.પી.દેસાઇ ની હાજરીમાં રાજકોટ મ્‍યુનિસીપલ કોર્પોરેશનના હોલમાં દુર્ઘટનાની માહીતી મેળવવા યોજાયેલી કોન્‍ફરન્‍સ દરમિયાન ક્રાઇમ બ્રાન્‍ચના અધિકારીઓ સાદા વેષે પ્રવેશ્‍યા હતા અને કોન્‍ફરન્‍સમાં ઉપસ્‍થિત ટાઉન પ્‍લાનીંગ ઓફીસર એમ.ડી.સાગઠીયાને કાનમાં ફુંક મારી  ધીમા પગલે બહાર લઇ જઇ પોલીસની જીપમાં બેસાડી ક્રાઇમ બ્રાન્‍ચે લઇ જવાયા હતા. આવી જ રીતે ડેપ્‍યુટી ચીફ ફાયર ઓફીસર ઠેબા અને ડેપ્‍યુટી એન્‍જીનીયર પીજીવીસીએલ ચૌહાણને પણ એક પછી એક ક્રાઇમ બ્રાન્‍ચની કચેરીએ લઇ જઇ સઘન પુછપરછ હાથ ધરવામાં આવી છે. આ તમામ અધિકારીઓની દુર્ઘટના પાછળ પ્રાથમીક જવાબદારી દેખાઇ રહી છે. ત્‍યારે આવતા દિવસોમાં પુરાવાઓ મેળવી જવાબદારી ફીકસ થયે વધુ આકરા પગલા આવી શકે તેવું તપાસનીસ અધિકારી બી.બી.બસીયાએ જણાવ્‍યું હતું.

(3:13 PM IST)