<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th May 2024

દિલ્હીમાં મહતમ તાપમાન ૫૦ ડિગ્રીએ પહોંચતા પાણીની ગંભીર કટોકટી સર્જાઇ

દરરોજ ૧૩૦ કરોડ ગેલન પાણીની જરૂરીયાત સામે ૧૦૦ કરોડ ગેલન પાણીની સપ્લાયઃ ૩૦ કરોડ ગેલન પાણીની અછત

નવી દિલ્હી, તા. ર૯ : દિલ્હીમાં વધી રહેલી ગરમી વચ્ચે પારો ૫૦ ડિગ્રી સેલ્સિયસને પાર થવા જઈ રહ્યો છે. હવે આવી કાળઝાળ ગરમીમાં નવું સંકટ ઊભું થયું છે. યમુના નદીમાં પાણીનું સ્તર સતત ઘટી રહ્યું છે, જેના કારણે દિલ્હી જલ બોર્ડના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુધી પહોંચતા પાણીમાં ઘટાડો થયો છે. તેનાથી દિલ્હીના પાણી પુરવઠા પર અસર પડી રહી છે અને ઘણા વિસ્તારોમાં જળ સંકટની સ્થિતિ ઉભી થવા લાગી છે. દિલ્હી સરકાર પાણીનો બગાડ રોકવા માટે સતત અપીલ કરી રહી છે. જો પાણીનો બગાડ અટકાવવામાં નહીં આવે તો દિલ્હી સરકારે ચલણ જારી કરવાની ચેતવણી પણ આપી છે. દિલ્હીના મંત્રી આતિશીએ દાવો કર્યો છે કે મે મહિનામાં હરિયાણાએ યમુના નદીમાં દિલ્હીના હિસ્સાનું પાણી છોડવાનું બંધ કરી દીધું છે. જેના કારણે જળસ્તર ઘટવાથી સંકટ ઉભુ થયું છે. તેમણે એવો પણ સંકેત આપ્યો છે કે દિવસમાં બે વખતને બદલે એકવાર પાણી આપવું જોઈએ.

મીડિયા સાથે વાત કરતી વખતે આતિશીએ એમ પણ કહ્યું કે જળ સંકટ દરમિયાન તમામ વિસ્તારોમાં પાણી પહોંચાડવા માટે ઘણા પગલાં લેવામાં આવી રહ્યા છે. આ માટે બે વખતના બદલે દિવસમાં માત્ર એક જ વખત પાણી આપવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. ઉપરાંત, જો કાર ધોવા માટે પાણીનો ઉપયોગ કરવામાં આવશે અથવા ટાંકીમાંથી ઓવરફ્લો થશે તો ૧-૨ દિવસમાં ચલણ જારી કરવામાં આવશે.

આજતકના અહેવાલ મુજબ દિલ્હીમાં પૂરતા પ્રમાણમાં પાણી પુરવઠા માટે દરરોજ ૧૩૦ કરોડ ગેલન પાણીની જરૂર પડે છે. દરેક વ્યકિત માટે દરરોજ ઓછામાં ઓછું ૨૭૪ લિટર પાણી જરૂરી છે. જૂન ૨૦૨૩માં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના દાવા મુજબ, દિલ્હી જલ બોર્ડ દરરોજ લગભગ ૧૦૦ કરોડ ગેલન પાણીની સપ્લાય કરે છે, જેનો અર્થ છે કે દિલ્હીમાં પહેલાથી જ ૩૦ કરોડ ગેલન પાણીની અછત છે.

(4:43 PM IST)