<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th May 2024

દિલ્હીમાં ગરમીએ હાહાકાર મચાવ્યો: નવો રેકોર્ડ બનાવ્યો: પહેલીવાર તાપમાનનો પારો 52 ડિગ્રીને પાર પહોંચ્યો

દિલ્હીના મુંગેશપુરમાં મહત્તમ તાપમાન 52.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું

નવી દિલ્હી : કાળઝાળ ગરમી અને હીટવેવ અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. બુધવારે દિલ્હીમાં એવી ગરમી પડી કે સમગ્ર દેશનો રેકોર્ડ તૂટી ગયો. ઈતિહાસમાં પ્રથમ વખત પારો 52ને પાર થયો છે. દિલ્હીના મુંગેશપુરમાં મહત્તમ તાપમાન 52.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

    આ સિવાય અન્ય ઘણા વિસ્તારોમાં તાપમાન 50 ડિગ્રીની આસપાસ નોંધાયું છે. જો કે, થોડા સમય પછી હવામાન બદલાયું અને આકાશ વાદળછાયું થઈ ગયું, જેના કારણે દિલ્હી-એનસીઆરના લોકોએ રાહતનો શ્વાસ લીધો.

  મુંગેશપુર ઉત્તર પૂર્વ દિલ્હી વિસ્તારમાં છે, જ્યાં અત્યાર સુધીની સૌથી ખરાબ ગરમી પડી છે. આ દિલ્હીના કેન્દ્ર કનોટ પ્લેસથી લગભગ 50 કિલોમીટર દૂર દિલ્હીની સીમમાં આવેલું ગામ છે. આ તાપમાન અહીં જવાહર નવોદય વિદ્યાલય સ્થિત હવામાન કેન્દ્રમાં નોંધાયું હતું.

 આ તાપમાન બપોરે 2.30 કલાકે નોંધાયું હતું. ન્યૂઝ એજન્સી એએફપીના જણાવ્યા અનુસાર, માત્ર દિલ્હીમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં આ અત્યાર સુધીનું સૌથી વધુ તાપમાન છે.

   અત્યાર સુધી સૌથી વધુ તાપમાનનો રેકોર્ડ રાજસ્થાનના નામે હતો. રાજસ્થાનના ફલોદીમાં 2016માં 51 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું, જે દેશમાં અત્યાર સુધીનું સૌથી વધુ તાપમાન હતું. અગાઉ 1956માં રાજસ્થાનના અલવરમાં પારો 50.6 સુધી પહોંચી ગયો હતો

જોકે, દિલ્હી-NCR સહિત સમગ્ર ઉત્તર ભારતમાં લોકો ભારે ગરમીનો સામનો કરી રહ્યા છે. પરંતુ દિલ્હીના મુંગેશપુર, નજફગઢ, નરેલા, જાફરપુર, પુસા, આયાનગર જેવા વિસ્તારોમાં સ્થિતિ ઘણી ગંભીર છે. મંગળવારે પણ આ વિસ્તારોમાં તાપમાન 50ની નજીક હતું. ગરમી એટલી વધી ગઈ છે કે લોકોને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.

(6:21 PM IST)