<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th May 2024

મહાત્મા ગાંધી વિશે વિશ્વને ફિલ્મ થકી જાણવા મળ્યું !: પીએમ મોદીના દાવા પર કોંગ્રેસે કર્યો આકરો પ્રહાર

જયરામ રમેશે કહ્યું -મહાત્મા ગાંધીના વારસાને જો કોઈએ નષ્ટ કર્યો હોય તો તે ખુદ વડાપ્રધાન છે. તેમની સરકારે વારાણસી, દિલ્હી અને અમદાવાદમાં ગાંધીવાદી સંસ્થાઓનો નાશ કર્યો છે.

નવી દિલ્હી. પીએમ મોદીએ દાવો કર્યો કે ફિલ્મ દ્વારા વિશ્વને મહાત્મા ગાંધી વિશે જાણવા મળ્યું. વડા પ્રધાન મોદીએ કોંગ્રેસની ટીકા કરી હતી અને દાવો કર્યો હતો કે રિચર્ડ એટનબરોની 1982ની ફિલ્મ 'ગાંધી' બની ત્યાં સુધી વિશ્વ મહાત્મા ગાંધી વિશે વધુ જાણતું ન હતું. ન્યૂઝ ચેનલ એબીપીને આપેલા ઈન્ટરવ્યુમાં પીએમ મોદીએ દાવો કર્યો હતો કે મહાત્મા ગાંધી એક મહાન વ્યક્તિ હતા, પરંતુ દુનિયા તેમના વિશે જાણતી ન હતી. તેમણે એમ પણ પૂછ્યું કે શું છેલ્લા 75 વર્ષમાં મહાત્મા ગાંધીને વિશ્વભરમાં ઓળખ અપાવવાની જવાબદારી દેશની નથી.

   વડાપ્રધાન  મોદીએ ઈન્ટરવ્યુ દરમિયાન દાવો કર્યો હતો કે 'મહાત્મા ગાંધી વિશ્વના મહાન આત્મા હતા. શું આ 75 વર્ષમાં વિશ્વને મહાત્મા ગાંધી વિશે જણાવવાની જવાબદારી આપણી ન હતી? તેના વિશે કોઈ જાણતું ન હતું. મને માફ કરજો, પણ તેમના વિશે પહેલીવાર દુનિયામાં ઉત્સુકતા ત્યારે ઊભી થઈ જ્યારે ફિલ્મ 'ગાંધી' બની. અમે આ કર્યું નથી.' 

   તેમણે કહ્યું કે જો વિશ્વ માર્ટિન લ્યુથર કિંગ અને નેલ્સન મંડેલા જેવા અન્ય નેતાઓ વિશે જાણે છે, તો ગાંધી તેમનાથી ઓછા ન હતા. પીએમ મોદીએ દાવો કર્યો કે 'જો દુનિયા માર્ટિન લ્યુથર કિંગ, નેલ્સન મંડેલાને જાણે છે, તો ગાંધી તેમનાથી ઓછા ન હતા અને તમારે આ સ્વીકારવું પડશે. હું આ દુનિયા ફર્યા પછી કહું છું...

   ટીવી ઈન્ટરવ્યુની વીડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ કોંગ્રેસે વડાપ્રધાન મોદીની આ ટિપ્પણીની ટીકા કરી હતી. કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે વડાપ્રધાન મોદી પર 'મહાત્મા ગાંધીના વારસાને નષ્ટ કરવાનો' આરોપ લગાવ્યો હતો. રમેશે X પર લખ્યું કે 'એવું લાગે છે કે વડા પ્રધાન એવી દુનિયામાં રહે છે જ્યાં મહાત્મા ગાંધીને 1982 પહેલાં વિશ્વવ્યાપી માન્યતા મળી ન હતી. મહાત્મા ગાંધીના વારસાને જો કોઈએ નષ્ટ કર્યો હોય તો તે ખુદ વડાપ્રધાન છે. તેમની જ સરકારે વારાણસી, દિલ્હી અને અમદાવાદમાં ગાંધીવાદી સંસ્થાઓનો નાશ કર્યો છે. 

  તેમણે કહ્યું કે 'આરએસએસ કાર્યકર્તાઓની આ ઓળખ છે કે તેઓ મહાત્મા ગાંધીના રાષ્ટ્રવાદને સમજી શકતા નથી. આ તેમની વિચારધારા દ્વારા બનાવવામાં આવેલ વાતાવરણ હતું, જેના કારણે નાથુરામ ગોડસેએ ગાંધીની હત્યા કરી હતી.' રમેશે એમ પણ કહ્યું કે 2024ની લોકસભાની ચૂંટણી મહાત્માના ભક્તો અને ગોડસેના ભક્તો વચ્ચેની લડાઈ છે. તેમણે દાવો કર્યો હતો કે 'વડાપ્રધાન અને તેમના ગોડસે ભક્ત સાથીઓની હાર નિશ્ચિત છે.'

(9:18 PM IST)