News of Wednesday, 29th May 2024
પીએમ મોદી કન્યાકુમારી જશે:વિવેકાનંદ રૉક મેમોરિયલમાં મેડિટેશન કરશે: જાણો સમગ્ર આધ્યાત્મિક યાત્રાનો શેડ્યુલ

નવી દિલ્હી :લોકસભા ચૂંટણીના 7મા અને અંતિમ તબક્કાનો ચૂંટણી પ્રચાર થંભ્યા બાદ વડાપ્રધાન મોદી પોતાની આધ્યાત્મિક યાત્રા અંતર્ગત કન્યાકુમારી જશે. અહીં વડાપ્રધાન મોદી વિવેકાનંદ રૉક મેમોરિયલ પહોંચીને મેડિટેશન કરશે. જાણીએ વડાપ્રધાન મોદીની આધ્યાત્મિક યાત્રાનો સમગ્ર પ્લાન.
કન્યાકુમારીમાં સ્થિત આ રૉક પર ક્યારેક સ્વામી વિવેકાનંદે ધ્યાન ધર્યું હતું. હવે વડાપ્રધાન મોદી પણ અહીં મેડિટેશન કરશે. વડાપ્રધાન મોદી 30 મેનાં રોજ સાંજે સવા પાંચ વાગ્યે કન્યાકુમારી પહોંચશે. તેઓ પહેલાં ભગવતી અમ્માન મંદિરમાં દર્શન અને પૂજા કરશે. જે બાદ તેઓ શનિવારે બપોર સુધી અહીં રહેશે. આ દરમિયાન તેઓ વિવેકાનંદ રૉક મેમોરિયલમાં મેડિટેશન કરશે. જાણકારી મુજબ વડાપ્રધાન મોદી શનિવાર 1લી જૂન બપોરે 3 વાગ્યાની આસપાસ નજીકમાં આવેલી એક શિલા પર બનેલી મહાન કવિ તિરુવલ્લુવરની પ્રતિમાના દર્શન કરશે અને માલા અર્પણ કરશે.
અંતિમ તબક્કાનું મતદાન 1લી જૂને થશે. કૂલ 57 સીટ પર વોટિંગ થશે. અંતિમ તબક્કાનો ચૂંટણી પ્રચાર 30 મેનાં રોજ સાંજે 5 વાગ્યે થંભી જશે. વડાપ્રધાન મોદી ચૂંટણી પ્રચાર શાંત થયા બાદ વિશ્રામ માટે તમિલનાડુના કન્યાકુમારી જશે અને કન્યાકુમારીમાં મહાસાગરની વચ્ચે આવેલી વિશાળ શિલા પર ધ્યાન ધરશે. સમાચાર એજન્સી PTIના જણાવ્યા મુજબ 1લી જૂને રવાના થતા પહેલા પીએમ મોદી તમિલ કવિ તિરુવલ્લુવરની 133 ફુટ ઊંચી પ્રતિમા જોવા જશે. અહીં પરિસર રૉક મેમોરિયલની બાજુમાં જ સ્થિત છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ 30 મેની સાંજથી 1 જૂન સુધી વડાપ્રધાન મોદી વિવેકાનંદ રૉક મેમોરિયલ પર ધ્યાન ધરશે. વડાપ્રધાન મોદીએ 2019માં કેદારનાથની રુદ્ર ગુફામાં ધ્યાન ધર્યું હતું. જ્યારે 2014માં વડાપ્રધાન મોદીએ શિવાજીના પ્રતાપગઢની મુલાકાત લીધી હતી જ્યાં શિવાજી મહારાજે પોતાના વાઘનખથી અફઝલ ખાનનું પેટ ફાડ્યું હતું.
વડાપ્રધાન મોદીના વિવેકાનંદ રૉક મેમોરિયલમાં 45 કલાકના પ્રવાસ માટે ભારે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ગુરુવારથી શનિવાર સુધી સમુદ્ર કાંઠે પર્યટકો માટે બંધ રહેશે અને ખાનગી બોટને પણ ચલાવવાની મંજૂરી નહીં હોય. દેશના દક્ષિણી કાંઠે સ્થિત આ જિલ્લામાં 2 હજાર પોલીસકર્મીઓ ગોઠવવામાં આવશે અને વિભિન્ન સુરક્ષા એજન્સીઓ વડાપ્રધાનના કાર્યક્રમ દરમિયાન ચાંપતી નજર રાખશે.
(11:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
