<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th May 2024

ભ્રષ્‍ટ બાબુઓ જ નહીં, રાજકારણીઓ ‘અસલી ખેલાડી'

રાજકીય પીઠબ વિના ‘પરમિશન'નો ખેલ શક્‍ય જ નથી : ગેમઝોન તો હિમશિલાના ટોપકા સમાનઃ સાંસદ, ધારાસભ્‍ય, મ્‍યુનિ. કોર્પોરેટરોને મત વિસ્‍તારની રજરેજની ખબર હોય છે : દુર્ઘટના સર્જાય એટલે રાજકારણીઓ અધિકારીઓને આગળ ધરી છટકી જાય છે, કાર્યવાહી એ તો પ્રજાનો રોષ ઠારવાનું નાટક

નવી દિલ્‍હી,તા. ૩૦: રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ બાદ ફાયર સેફટીથી માંડીને પોલીસ પરમિશનને લઇને ચર્ચા ઉઠી છે. એટલુ જ નહીં, ભ્રષ્‍ટ બાબુઓને પર આંગળી ચિંધાઇ છે. વાસ્‍વતમાં ગેમઝોન હોય કે પછી આનંદમેળો, પરમિશનનો ખેલ પાછળ ખાખી વર્દી કે ફાયર-મ્‍યુનિસિપલ કોર્પોરેશન જવાબદાર હોય છે એવું માની લેવાની જરૂર નથી. રાજકીય પીઠબળ વિના પરમિશનનો ખેલ શકય જ નથી. આ તો આગ દુર્ઘટનામાં નિર્દોષ લોકો હોમાઇ જતા સરકાર-ભાજપ સંગઠનના પદાધિકારીઓ ગુજરાતી જનતાની આંખમાં આંખ મિલાવી શકે તેવી સ્‍થિતીમાં નથી. આ કારણોસર હવે અધિકારીઓના માથે દોષનો ટોપલો ઢોળી દેવા મથામણ થઇ રહી છે. હકીકતમાં ભ્રષ્‍ટ અધિકારી-તંત્રની સાથ સાથે સ્‍થાનિક રાજકારણીઓ જ ‘અસલી ખેલાડી છે.'

રાજકોટ છેલ્લા ત્રણેક વર્ષથી વિના મંજૂરીએ ગેમઝોન ધમધમતુ હતું. એ તો ઠીક, પણ ખુદ પોલીસ અધિકારી, મ્‍યુનિ. કોર્પોરેશનના અધિકારી સહિતના ઉચ્‍ચ અધિકારીઓ આ જ ગેમઝોનમાં આનંદ માણવા નિયમિત રીતે આવતા હતા. રાજકોટના સ્‍થાનિક રાજકારણીઓની પણ અહીં અવરજવર રહી છે. મંજૂરી વિનાના ગેમઝોનમાં આગ લાગતા ૩૦ થી વધુ નિર્દોષોએ જીવ ગુમાવ્‍યા છે એટલે ભાજપના સાંસદ, ધારાસભ્‍ય, નેતાઓ, મ્‍યુનિ. કોર્પોરેટરોએ મગરના આંસુ સારીને રાજકોટની જનતાની સહાનુભૂતિ જીતવા મથામણ કરી છે. ગેરકાયદે ધમધમતાં ગેમઝોન મુદ્દે લોકોમાં રોષ ભભૂકયો છે એટલે રાજકારણીઓ હાથ ખંખેરી રહ્યા છે.

આ ઘટના બાદ લોકો જ દલીલ કરી રહ્યા છે કે, સાંસદ, ધારાસભ્‍યથી માંડીને કોર્પોરેટરોને પોતાના મત વિસ્‍તારમાં સ્‍પા હોય કે પછી ગેરકાયદેસર બાંધકામ, સ્‍પા હોય કે પછી ગેમઝોન, કયાં કયાં ધંધા ધમધમી રહ્યા છે તેની રજેરજથી રાજકારણીઓ વાકેફ હોય છે.

મહત્‍વની વાત એ છે કે, ભ્રષ્‍ટ બાબુઓ તો ગેરકાયદેસર ધમધમતા ધંધાને પરમિશન આપી દે છે પણ તેમાંય રાજકીય ભલામણ વિના આ શકય નથી. ભ્રષ્‍ટ બાબુ-રાજકારણીઓના મેળાપિપણાથી ધમધમતુ હોય છે. પણ જ્‍યારે કોઇ કરૂણાંતિકા સર્જાય ત્‍યારે રાજકારણીઓ ડગલુ પાછળ હટી જાય છે. મગરના આંસુ સારી રાજકારણીઓ જનતાની સહાનુભૂતિ મેળવી લે છે અને અધિકારીઓને જ જવાબદાર ઠેરવી પોતે છટકી જાય છે.

ચૂંટાયેલા જનપ્રતિનિધીની કોઇ જવાબદારી જ ન હોય. ભાજપના સ્‍થાનિક રાજકારણીઓને ગેરકાયદેસર ગેમઝોન દેખાયુ નહીં હોય. પણ એક વાત ચોક્કસ છે કે, રાજકીય પીઠબળ વિના આ શકય નથી. હવે અધિકારીઓને સસ્‍પેન્‍ડ અને બદલી કરીને દેખાડો કરવામાં આવી રહ્યો છે. પણ આ બધુય પ્રજાનો રોષ ઠારવાનું એક માત્ર તૂત છે. સમય જતાં બધુય ભુલાઇ જશે. ફરીએ જ રાજકીય ભલામણ થી બધાય ગેમઝોન ધમધમતા થઇ જશે. (૨૨.૫)

ગેમઝોનથી માંડી વોટરપાર્કમાં રાજકારણીઓનું પાછલા બારણે રોકાણ

ગેમઝોન હોય કે પછી વોટરપાર્ક, મનોરંજન વ્‍યવસાયમાં કેટલાંક રાજકારણીઓ રસ દાખવ્‍યો છે. ચર્ચા છે કે, ગાંધીનગરમાં એક પૂર્વ મંત્રીનો ગેમઝોન છે જેને ગુજરાત ટુરિઝમે મંજૂરી આપી છે. આ ઉપરાંત અમદાવાદમાં એક ગેમઝોનમાં એક વર્તમાન મંત્રીએ પણ પાછલા બારણે રોકાણ કર્યું હોવાનું કહેવાય છે. આમ, ગુજરાતમાં કેટલાક રાજકારણીઓએ ગેમઝોન, વોટરપાર્ક જેવા મનોરંજન વ્‍યવસાયમાં રોકાણ કર્યું હોવાની વાત છે

(10:17 AM IST)