<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th May 2024

પેકડ ફૂડ ખાતા હોતો સાવધાન : નુકસાન અંગે ICMRની ચેતવણી

અલ્ટ્રા પ્રોસેસ્ડ ફુડ સ્વાસ્થ્ય માટે હાનીકારક : વધુ ખાંડ અને મીઠું હોય છે પેકડ ફુડમાં શુગરનું પ્રમાણ નક્કી થવું જોઇએ : હેલ્થ ડ્રીંકનું સેવન પણ ઘટાડો

નવી દિલ્હી તા. ૩૦ : ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અને નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ન્યુટ્રિશનની નિષ્ણાત સમિતિએ સૂચન કર્યું છે કે પેકડ ફૂડ અને બેવરેજિસમાં ખાંડનું પ્રમાણ નક્કી કરવામાં આવે. વધારે ખાંડ, ચરબી અને મીઠું યુકત ખોરાક ટાળવો જોઈએ. તેનાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે. અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડમાં સામાન્ય રીતે ખાંડ અને મીઠું વધુ માત્રામાં હોય છે. માર્ગદર્શિકામાં કહેવામાં આવ્યું હતું કે જામ, ફ્રૂટ પલ્પ, કાર્બોનેટેડ પીણાં, હેલ્થ ડ્રિંકસ સહિત આવી ખાદ્ય ચીજોનો મર્યાદિત ઉપયોગ કરવો જોઈએ. વધારે ચરબી, ખાંડ અને મીઠું વાળી ખાદ્ય વસ્તુઓ ઘરમાં પણ ન લેવી જોઈએ.

ICMR માર્ગદર્શિકા જણાવે છે કે અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડના નિયમિત સેવનથી ડાયાબિટીસ, હાયપરટેન્શન, હૃદય રોગ જેવી ગંભીર બીમારીઓ થઈ શકે છે. ઘણા લોકો કેલરીથી ભરપૂર અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ ખાવાનું પસંદ કરે છે, આવા ખોરાકમાં ફાઈબરનું પ્રમાણ ઓછું હોય છે અને ખાંડનું પ્રમાણ જરૃરી કરતાં વધુ હોય છે. વધુ તળેલા ઉત્પાદનો પણ ટાળવા જોઈએ. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યુટ્રિશન અને ICMRએ પણ પેકેજડ ફૂડ અને બેવરેજિસમાં ખાંડની માત્રાની મર્યાદા નક્કી કરવાનું સૂચન કર્યું છે.

પેકેજડ ફૂડમાં ઉમેરેલી ખાંડ અને કુલ ખાંડનું પ્રમાણ નક્કી કરવું જોઈએ. અતિશય ખાંડના વપરાશના સંભવિત જોખમોને સંબોધવા માટે ઠંડા પીણાં, પેકેજડ જયુસ, કૂકીઝ, કેક, હેલ્થ ડ્રિંકસમાં ખાંડની માત્રાની મર્યાદા નક્કી કરવાની ભલામણ કરવામાં આવે છે. અગાઉ, ICMR અને NIN દ્વારા જારી કરવામાં આવેલી માર્ગદર્શિકામાં કહેવામાં આવ્યું હતું કે ખાવા-પીવામાં બેદરકારી અનેક બીમારીઓનું કારણ બની રહી છે. સ્વસ્થ જીવનશૈલી અપનાવીને ડાયાબિટીસ, ફેટી લિવર, બ્લડપ્રેશર જેવી બીમારીઓથી બચી શકાય છે. વધુ પડતી ચરબી ખાવી ખૂબ જ નુકસાનકારક છે.

મોટી વસ્તી ફેટી લીવરની સમસ્યાનો સામનો કરી રહી છે. આ સમસ્યા ત્યારે થાય છે જયારે તમારા લીવરમાં વધુ પડતી ચરબી હોય છે. પેકેટ ફૂડ જેમાં વધારે તેલ, મીઠું અને ખાંડ હોય તેને ટાળવો જોઈએ. બાળકોમાં પેકેટ ફૂડની આદત સમસ્યા બની રહી છે. ચરબી, ખાંડ અને મીઠું વધારે હોય તેવા ખોરાકનું સેવન કરવાથી વજન વધવું, હૃદયરોગ, ચામડીના રોગો, ડાયાબિટીસ, કિડની અને લીવર સહિત અનેક રોગો થઈ શકે છે. જો કોઈ ખાદ્ય વસ્તુ કુદરતી રીતે મીઠી હોય અને તે ઉત્પાદનમાં ખાંડ અલગથી ઉમેરવામાં આવે, તો તેને ઉમેરાયેલ ખાંડ કહેવામાં આવે છે. માર્ગદર્શિકામાં કહેવામાં આવ્યું છે કે લોકોએ બને તેટલો તાજો ખોરાક લેવો જોઈએ. પ્રોસેસ્ડ ફૂડનું પ્રમાણ ઘટાડવું જોઈએ. તમારા આહારમાં બાજરી, કઠોળ, તાજા ફળો અને તાજા શાકભાજીનો ઉપયોગ વધારવો પડશે.

ઈન્દ્રપ્રસ્થ એપોલો હોસ્પિટલના કન્સલ્ટન્ટ હાર્ટ સ્પેશિયાલિસ્ટ, કાર્ડિયોલોજિસ્ટ અને સર્જન ડો. વરૃણ બંસલ કહે છે કે અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડને પચાવવામાં તકલીફ પડે છે. તેનાથી બ્લડ શુગર પણ વધે છે. સ્થૂળતાની સમસ્યા ઉભી થાય છે. ડો.બંસલ કહે છે કે પ્રોસેસ્ડ ફૂડ પણ મર્યાદિત માત્રામાં ખાવું જોઈએ. પ્રોસેસ્ડ ફૂડમાં લોટ અને બ્રેડ જેવા ઉત્પાદનોનો સમાવેશ થાય છે, જયારે અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડમાં બર્ગર, ડીપ ફ્રાઈડ ફૂડનો સમાવેશ થાય છે.જો તમે અલ્ટ્રા-પ્રોસેસ્ડ પ્રોડકટ્સનું વધુ પડતું સેવન કરો છો, તો તમે શુગર, બ્લડ પ્રેશર જેવા રોગોને આમંત્રણ આપો છો, જે પાછળથી હૃદય સંબંધિત રોગોમાં ફેરવાય છે. ધારો કે, જો ડાયાબિટીસ ચોક્કસ ઉંમર પછી આવવાનો હોય, તો આ પ્રકારનો ખોરાક ખાવાથી, તે સમય પહેલા આવી જશે. આવી સ્થિતિમાં ખાનપાનમાં સંયમ રાખવો ખૂબ જ જરૃરી છે

(11:12 AM IST)