તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 30th May 2024
બાંધકામની એક ઇંટ મુકવી હોય કે શેરી ગલીમાં મંડપ નાખવો હોય તો'ય અમારી મંજુરી લેવી પડેઃ ટીપીઓ સાગઠીયાની ગુનાહિત બેદરકારી સપાટી પર
ટીઆરપી ગેમ ઝોનનુ ગેરકાયદે બાંધકામ હટાવવા ૮ માસ પહેલા નોટીસ આપી પરંતુ કોઇ કાર્યવાહી નહિ થતાં ૩૦ માનવ જિંદગી હોમાઇ ગઇ : ક્રાઇમ બ્રાંચની ૧૨ કલાકની મેરેથોન પુછતાછમાં બહાર આવેલી વિગતોઃ ગેમ ઝોન સાથે સંકળાયેલા પાંચ આરોપીઓ યુવરાજસિંહ સોલંકી, રાહુલ રાઠોડ, ધવલ ઠક્કર, નિતીન લોઢા અને કિરીટસિંહ જાડેજા રિમાન્ડ પર હોઇ વિશેષ વિગતો ઓકાવવા પોલીસની કવાયત

રિમાન્ડ પર રહેલા આ પાંચેય આરોપીઓની ક્રાઇમ બ્રાંચે પુછતાછ યથાવત રાખી છે
રાજકોટ તા. ૩૦: શનિવારે ટીઆરપી ગેમ ઝોનમાં બનેલી માનવ સર્જીત બેદરકારીના ભાગરૂપ કરૂણાંતિકા સંદર્ભે તપાસ ચલાવી રહેલી ક્રાઇમ બ્રાંચની ટુકડીએ ગઇકાલે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટાઉન પ્લાનીંગ અધિકારી એમ. ડી. સાગઠીયાને ઉઠાવી લઇ સતત બાર કલાક પુછપરછ કરતાં આ દરમિયાન તેમની ગુનાહિત બેદરકારી કે સંડોવણી હોવાનું સપાટી પર આવી રહ્યું છે. ક્રાઇમ બ્રાંચની પુછપરછમાં પોપટ બનેલા સાગઠીયાએ જણાવ્યું હતું કે રાજકોટમાં બાંધકામની એક ઇંટ મુકવી હોય કે શેરી ગલીમાં સારા માઠા પ્રસંગે મંડપ નાખવો હોય તો પણ અમારી મંજુરી લેવી પડે. આ સ્ટેટમેન્ટ જ બધુ કહી જાય છે.
ટાઉન પ્લાનીંગ શાખાએ આઠ મહિના પહેલા ટીઆરપી ગેમ ઝોનનું ગેરકાયદે બાંધકામ અને ફેબ્રીકેશનનો માચડો દૂર કરવા નોટીસ આપી હતી. આ નોટીસનો ગેમ ઝોન તરફથી કોઇ જવાબ આપવામાં આવ્યો નહોતો છતાં પણ નોટીસ સંદર્ભે બાંધકામ હટાવવાની કોઇ કામગીરી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી નહોતી. જો જે તે સમયે નોટીસ મુજબ કોર્પોરેશને બાંધકામ હટાવી લીધુ હોત તો શનિવારે બનેલી ગોઝારી ઘટના જ સર્જાઇ ન હોત. તેવું સ્પષ્ટ થઇ ગયું છે. કોર્પોરેશનના ફાયર અધિકારી ઠેબાની પણ પેરેલલ પુછપરછ ચાલી રહી છે. સાથો સાથ પીજીવીસીએલના એન્જિનીયરની પણ ઉંડી પુછપરછ બાદ ત્રણેય વિભાગોની જવાબદારીઓ ફિક્સ થયે આવતા દિવસોમાં કડક પગલા લેવાય તેવા સ્પષ્ટ નિર્દેશો મળી રહ્યા છે.
બીજી તરફ ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડ અંગે સાપરાધ મનુષ્યવધ સહિતની કલમો હેઠળ નોંધાયેલા ગુનામાં ક્રાઈમ બ્રાંચે ઝડપી અગાઉ ઝડપી લીધેલા ત્રણ આરોપીના ૧૪ દિવસના અને ચોથા આરોપીના ૧૩ દિવસના રિમાન્ડ મંજુર થયા બાદ પાંચમા આરોપી ગેમ ઝોનની જગ્યાના માલિક એવા નાના નાના મવાના કિરીટસિંહ જગદીશસિંહ જાડેજાની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. ગેમ ઝોનની જમીન કિરીટસિંહ અને તેના ભાઇ અશોકસિંહની છે. એક આરોપી પ્રકાશ હિરનનું આગમાં જ મોત થયાનું જાહેર થઇ ચુક્યુ છે. અશોકસિંહ હજુ પોલીસ પક્કડથી દુર છે. કિરીટસિંહને ગઇકાલે રિમાન્ડ માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતાં ૮ દિવસના રિમાન્ડ મંજુર થયા હતાં. આ પાંચેય આરોપીઓની વિસ્તૃત પુછતાછ યથાવત રાખવામાં આવી છે.
ક્રાઇમ બ્રાંચે આરંભે ત્રણ આરોપીઓ યુવરાજસિંહ હરિસિંહ સોલંકી (ઉ.વ.૩૦, રહે. ગોપાલનગર શેરી નં.૬, ગોપાલ ચોરા પાસે, શિવાલય બિલ્ડીંગ, ફલેટ નં.૨૦૧, ઢેબર રોડ), નિતીન મહાવીરપ્રસાદ લોઢા (ઉ.વ.૪૧, રહે. જલારામ પ્લોટ-૨, ઉમિયા ચોક બંધ શેરી, ઈન્દિરા સર્કલ નજીક, મૂળ રાજસ્થાન)ની ધરપકડ કર્યા બાદ ત્રીજો આરોપી રાહુલ લલીત રાઠોડ (ઉ.વ.૨૮, રહે. મહાદેવવાડી શેરી નં.૬, લોહાણા મહાજનવાડી પાસે, ગોંડલ) શરણે આવતા તેની પણ ધરપકડ કરી હતી. આ ચારેયને કોર્ટમાં રજુ કરાતાં ૧૪ દિવસના રિમાન્ડ મંજુર થતાં વિશેષ તપાસ હાથ ધરાઇ હતી. એ પછી ચોથો આરોપી ધવલ ભરતભાઇ ઠક્કર ફરાર થઇ આબુ તરફ પહોંચ્યો હોવાની માહિતી મળતાં બનાસકાઠા એલસીબીને જાણ કરાતાં તેની ટીમે દબોચી લીધા બાદ રાજકોટ ક્રાઇમ બ્રાંચની ટીમ તેનો કબ્જો લઇ આવી છે. તેને પણ કોર્ટમાં ગઇકાલે રજુ કરાતાં એડવોકેટ તુષાર ગોકાણીએ દલીલો, રજુઆતો કરતાં તેના ૧૩ દિવસના રિમાન્ડ મંજુર થયા હતાં.
ગેમ ઝોનની જમીનના માલિક કિરીટસિંહ જાડેજાની ધરપકડ બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવતાં સ્પેશિયલ પી.પી. એડવોકેટ તુષાર ગોકાણીની ધારદાર દલીલોને પગલે કિરીટસિંહ જાડેજાના પણ આઠ દિવસના રિમાન્ડ મંજુર થયા હતાં. તેના ભાઇ અશોકસિંહ હજુ હાથમાં આવ્યા નથી. ઉલ્લેખનિય છે કે આ બનાવમાં પોલીસે ધવલ કોર્પોરેશનના પ્રોપરાઇટર ધવલ ભરતભાઇ ઠક્કર, રેસ-વે એન્ટરપ્રાઇઝના ભાગીદારો અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા, પ્રકાશચંદ્ર કનૈયાલાલ હીરન, યુવરાજસિંહ હરિસિંહ સોલંકી, રાહુલ લલીતભાઇ રાઠોડ અને તપાસમાં ખુલે તે તમામ સામે આઇપીસી ૩૦૪, ૩૦૮, ૩૩૭, ૩૩૮, ૧૧૪ મુજબ ગુનો નોંધ્યો હતો.
(3:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
