<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th May 2024

બીજીવાર ચૂંટણી લડતા ૩૨૪ સાંસદોની સંપત્તિમાં ૪૩ %નો વધારો

આ વખતે ૩૯૧૫ અપક્ષ મેદાનમાં:ભાજપના ૪૪૦ ઉમેદવારોમાંથી ૬૯ મહિલા ઉમેદવાર છે : કોંગ્રેસમાં ૩૨૭ ઉમેદવારોમાંથી ૪૧ મહિલા ઉમેદવાર

નવી દિલ્હી, તા.૩૦

છેલ્લા ૧૫ વર્ષમાં દેશમાં ચૂંટણી લડનારા રાજકીય પક્ષોની સંખ્યામાં આશ્ચર્યજનક વધારો થયો છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) અને નેશનલ ઈલેક્શન વોચ દ્વારા સંયુક્ત રીતે બહાર પાડવામાં આવેલા એક અહેવાલમાં આ માહિતી આપવામાં આવી છે. આ અહેવાલ અનુસાર, ૨૦૦૯થી ૨૦૨૪ સુધીમાં લોકસભા ચૂંટણી લડનારા રાજકીય પક્ષોની સંખ્યામાં ૧૦૪ ટકાનો વધારો થયો છે. ADRએ ૨૦૨૪ની ચૂંટણીમાં લડી રહેલા ૮,૩૩૭ ઉમેદવારો દ્વારા આપવામાં આવેલી ચૂંટણી પહેલાની એફિડેવિટ્સનું વિશ્લેષણ કરીને ઘણી રસપ્રદ માહિતી આપી છે. આ વર્ષે લોકસભાની ચૂંટણીમાં, મહિલા ઉમેદવારોને તક આપવાના મામલે મુખ્ય પક્ષોમાં સૌથી આગળ ભારતીય જનતા પાર્ટી છે. ભાજપના ૪૪૦ ઉમેદવારોમાંથી ૬૯ મહિલા ઉમેદવાર છે. આ તેમના કુલ ઉમેદવારોના ૧૬ ટકા છે. જ્યારે કોંગ્રેસ ૩૨૭ ઉમેદવારોમાંથી ૪૧ મહિલાઓ એટલે કે ૧૩ ટકા સાથે બીજા સ્થાને છે.

તુલનાત્મક રીતે, આ બાબતમાં નાના પક્ષોનું પ્રદર્શન મુખ્ય પક્ષો કરતાં સારું જોવા મળ્યું હતું. તમિલર કાચી દળના ૪૦ ઉમેદવારોમાંથી ૨૦ મહિલા છે. જ્યારે લોક જનશક્તિ પાર્ટી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી પાસે ૪૦ ટકા મહિલા ઉમેદવારો છે.

એડીઆર અને ઈલેકશન વોચના વિશ્લેષણ મુજબ, આ લોકસભા ચૂંટણીમાં ફરીથી લડી રહેલા ૩૨૪ સાંસદોની સંપત્તિમાં છેલ્લા પાંચ વર્ષમાં સરેરાશ ૪૩ ટકાનો વધારો થયો છે. ૨૦૧૯માં આ સાંસદોની સરેરાશ સંપત્તિ ૨૧.૫૫ કરોડ રૃપિયા હતી, જ્યારે વર્તમાન ચૂંટણીમાં સરેરાશ સંપત્તિ વધીને ૩૦.૮૮ કરોડ રૃપિયા થઈ ગઈ છે. જે છેલ્લા પાંચ વર્ષમાં રૃ. ૯.૩૩ કરોડનો વધારો દર્શાવે છે.

છડ્ઢઇના અહેવાલ મુજબ, ૮,૩૬૦ ઉમેદવારોમાંથી સૌથી વધુ હિસ્સો અપક્ષ ઉમેદવારોનો છે. ૩,૯૧૫ ઉમેદવારો અપક્ષ તરીકે લોકસભાની ચૂંટણી લડી રહ્યાં છે. આ પછી, રજિસ્ટર્ડ અપ્રમાણિત પક્ષોમાંથી ૨,૫૮૦ ઉમેદવારો મેદાનમાં છે. ૧,૩૩૩ ઉમેદવારો રાષ્ટ્રીય પક્ષોમાંથી, જ્યારે ૫૩૨ ઉમેદવારો પ્રાદેશિક પક્ષોમાંથી ચૂંટણી લડી રહ્યા છે.

(7:52 PM IST)